શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી વડોદરાની એકમાત્ર શાળા એટલે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર.

વર્ષ  ૨૦૦૫ માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે ઉદ્દઘાટિત થયેલ આ શાળા પ્રતિવર્ષ વિશિષ્ટ કાર્યક્રમ ની ઉજવણી કરી રહી છે. જેમાં ત્રિવેણી, ઉત્કર્ષ, સંસ્કૃતિ અને આ વર્ષે પ્રમુખ વંદના જેવા કાર્યક્રમો ખૂબ જ દબદબાભેર ઉજવાયા.

૨૨ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ઉજવાનાર પ્રમુખસ્વામી મહારાજ ૯૯ મા જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે શાળાના કાર્યક્રમનો મધ્યવર્તી વિચાર પણ એ જ રાખવામાં આવ્યો હતો - પ્રમુખ વંદના. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આપણા પર કરેલા અનંત ઉપકારોનું ઋણ ચૂકવવાનો અવસર એટલે પ્રમુખ વંદના.

તારીખ ૨ અને ૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્દઘાટન બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર- અટલાદરાના કોઠારી સ્વામી- પૂ. ભાગ્યસેતુ સ્વામી તથા આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

                      પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યોની ચાર વિભાગ દ્વારા ઝાંખી કરાવવામાં આવી હતી. પ્રમુખસ્વામી મહારાજ- આધ્યાત્મિક ગુરુ, પ્રમુખસ્વામી મહારાજ - આદર્શ શિક્ષક, પ્રમુખ સ્વામી મહારાજનો વૈશ્વિક પ્રભાવ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરની ૨૦૦૫ થી ૨૦૨૦ સુધીની શૈક્ષણિક સફર- વિષયક પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવ્યા હતા.

૧) પ્રમુખસ્વામી મહારાજ : આધ્યાત્મિક ગુરુ

                 ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરેલ પુસ્તક TRANSCENDENCE તથા અન્ય મહાન વ્યક્તિઓ પર પડેલ પ્રમુખસ્વામીના પ્રભાવ વિશે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચિતાર આપવામાં આવ્યો હતો.

૨) પ્રમુખસ્વામી મહારાજ: આદર્શ શિક્ષક

                 આ પ્રદર્શન ખંડ માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બાળકથી માંડીને વૃદ્ધ સુધી તમામ વ્યક્તિઓને કોઈપણ મુશ્કેલીમાં માર્ગદર્શન આપતા તથા પ્રસંગોપાત તેમના સંપર્કમાં આવનાર દરેક જીવનું ઘડતર પણ કરતા રહેતા, તેના વિષેની વિશેષ રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

૩) પ્રમુખસ્વામી મહારાજનો વૈશ્વિક પ્રભાવ

                 આ પ્રદર્શન ખંડમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળેલા એવોર્ડ, કી ટુ ધ સીટી તેમજ અન્ય સન્માન તથા વિશ્વભરના લોકો પર પડેલો તેમનો અવિસ્મરણીય પ્રભાવ, ATM (ઍની ટાઇમ માગૅદશૅન) પ્રમુખસ્વામી માર્ગદર્શન બેન્ક, વ્યસન મુક્તિ વગેરે બાબતો દર્શાવવામાં આવી હતી.

૪) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરની સફર 

                 વર્ષ ૨૦૦૫માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ઉદ્દઘાટિત થયેલ આ વિદ્યામંદિરની ઉત્તરોત્તર પ્રગતિની રજૂઆત PPT, ચાર્ટ્સ, સ્પિરિચ્યુઅલ સિલેબસ, એકેડેમીક લીંક અપ સિલેબસ અને શાળાને મળેલ એવોર્ડસ દ્વારા કરવામાં આવી હતી.

          વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ ઉપર થતા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય ને વર્ણવતા નૃત્ય, સંવાદો, પ્રવચનો અને પ્રસંગ કથન જેવા કાર્યક્રમોને નિહાળીને સૌ રસ-તરબોળ થયા હતા.

વિવિધ game stalls, food stalls તથા વિવિધ રાઇડ્સ નો પણ મુલાકાતીઓએ આનંદ માણ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓના વૃંદ દ્વારા શાળાના પ્રાંગણમાં ફરી વાજિંત્રો સાથે કીર્તન ગાન તથા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગોની  સુંદર છટાથી થતી રજૂઆત પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

Related News

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS