શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસની ત્રિવેણી સમુ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા હંમેશા વિદ્યાર્થી નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના કાર્ય પર અગ્રેસર રહ્યું છે, આ વર્ષે માતા - પિતાનાં બિનશરતી, નિસ્વાર્થ પ્રેમને વધુ પરિપક્વ કરવા તેમજ આદર્શ બાળ ઉછેરમાં સહાયરૂપ થવા માટે 'બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા દ્વારા 'વાત્સલ્ય' કાર્યક્રમ રૂપી વિનમ્ર પ્રયાસ થયો. માતા-પિતા માટે પોતાના વ્હાલસોયા સંતાનના બાળ માનસને સમજવાનો અદભુત કાર્યક્રમ હતો.
તા. 5 માર્ચ 2023 ને રવિવારે યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત ।। संतान देवो भव।। શીર્ષક હેઠળ પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર અને યુપીએસસી ટ્રેનર શ્રી શૈલેષભાઈ સગપરિયા દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થયું. આ કાર્યક્રમમાં આશરે ચાર હજાર જેટલા વાલી મિત્રો જોડાયા તથા પોતાના સંતાન માટેના વાત્સલ્યના નવા આયામો પ્રાપ્ત કર્યા. સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક પ્રદર્શનનું પણ સુંદર આયોજન થયું હતું. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અટલાદરાના કોઠારી સંત પૂજ્ય ભાગ્યસેતુ સ્વામીએ પધારી પ્રેરણાદાયી પ્રવચન દ્વારા સોના ઉત્સાહ ઉમંગમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમમાં દસ વર્ષ કે તેથી વધુ સમય સુધી શાળા સાથે જોડાયેલા શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વાત્સલ્ય કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી શૈલેષભાઈ સગપરિયા દ્વારા ।। संतान देवो भव।। વિષય ઉપર દ્રશ્યશ્રાવ્યના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સંતાનનો ઉછેર કેવી રીતે કરવો?, સંતાન સાથે માતા પિતાએ કેવી રીતે વ્યવહાર કરવો ? વગેરે બાબતો ને વિશેષ સમજાવી. શાળા સંચાલન સમિતિના મુખ્ય સભ્ય શ્રી સંજયભાઈ પટેલ દ્વારા કાર્યક્રમને લગતા પ. પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પત્રનું વાંચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ડૉ. હેમાંગ જોશી, વડોદરા શહેર શાળા સંચાલક સંઘના પ્રમુખ શ્રી આર સી પટેલ અને વોર્ડ-૧૧ ના કોર્પોરેટર શ્રી નરવીરસિંહ ચુડાસમા એ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. વડોદરા શહેર- જીલ્લાના વિવિધ વર્તમાન પત્રોએ આ કાર્યક્રમની નોંધ લીધી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના સંચાલક સંત પૂજ્ય પુણ્યકીર્તન સ્વામી અને શાળા સંચાલન સમિતિના માર્ગદર્શન હેઠળ, શાળાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.