બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા વર્ષ:2024-25 માં તેનો દ્વિદશાબ્દિ મહોત્સવ ઉજવી રહી છે. આ ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓમાં સંપની ભાવના વિકસે, તેમના પરિવારમાં પણ સૌ એકબીજાને અનુકૂળ થઈ સુહ્રદભાવ પૂર્ણ વ્યવહાર કરે એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં તારીખ: 22/8/2024 ને ગુરુવારે ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ પાસે પોતાના ઘરના દરેક સભ્યના તેમને ગમતા ગુણોનું લેખન કરાવ્યું. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ પાસે 'અમે સૌ એક જ ડાળના પંખી' ગીત સંભળાવી તેના ભાવાર્થનું લેખન કરાવ્યું. જ્યારે ધોરણ 7 અને 8 ના દરેક વિદ્યાર્થીએ પરિવારમાં સદા એકતા બની રહે તે માટેના કેવા ઉપાય કરી શકાય એ વિષયક લેખન કાર્ય કર્યું.
વળી, તારીખ:23/08/24 ને શુક્રવારના રોજ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે 'સંપીલો પરિવાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ-3 થી 8 ના વિદ્યાર્થી-વાલીઓને આમંત્રિત કર્યા હતા. આમંત્રિત સભ્યો પણ કાર્યક્રમને અનુરૂપ મેચિંગ પોશાકમાં આવ્યા હતા. કાર્યક્રમનો આરંભ સ્તુતિગાન તથા 'મા-બાપ કો વંદના' પ્રાર્થનાથી થયો. ધોરણ 4 ના વિદ્યાર્થી હેનીશ પટેલના પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરાવ્યું. વળી સર્વ પરિવારમાં સુખ-શાંતિ, સંપ બની રહે તે માટે શાંતિપાઠનું આયોજન કર્યું હતું. શાળાના મુખ્ય સંચાલક સંત પૂજ્ય પુણ્યકીર્તન સ્વામીએ 'સંપીલો પરિવાર' વિષયક પ્રસંગોચિત વક્તવ્ય દ્વારા સૌને સંપનો મહિમા સમજાવ્યો. ત્યારબાદ થીમ આધારિત 'સમજોતા' નામક નાની વિડીયો દર્શાવવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ રુદ્ર પટેલ, ચિંતન પ્રજાપતિ તથા પ્રિન્સગીરી ગોસ્વામીએ વિષયને અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સંપેલો પરિવાર વિષય પર ઓડિયો આશીર્વાદ ના શ્રવણ બાદ ધોરણ 5 ના વિદ્યાર્થી ક્રિષ્ના પટેલના ભાઈએ કાર્યક્રમ સંબંધિત પોતાના અભિપ્રાયો રજૂ કર્યા અને પુર્ણાહુતિ શ્લોક ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.