યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ નિમિત્તે ફેબ્રુઆરી-માર્ચ માસમાં તમામ યુવા ક્ષેત્રોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સૌ યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઓછામાં ઓછું ૧૦ કિ.મી. જેટલું અંતર દરેક પદયાત્રા માટે રાખવામાં આવ્યું હતું. પદયાત્રાનો પ્રારંભ મહારાજ-સ્વામીના પૂજનવિધિ અને આરતીથી થતો. વડીલ સંત તેમજ શહેર / ગામના અગ્રણી મહાનુભવ શ્રીફળ વધેરીને પદયાત્રાનો શુભારંભ કરાવતા. તે પહેલાં તમામ પદયાત્રીઓને ચાંદલો તેમજ નાડાછડી બાંધવામાં આવતી.
ષષ્ટિપૂર્તિ મહોત્સવનું બેનર લઈને બે યુવકો સૌથી આગળ ચાલતા. તેની પાછળ ધજા પકડીને બે યુવકો ચાલતા. ત્યારબાદ ઠાકોરજીનો રથ રહેતો, જેમાં 'સ્વામિનારાયણ' મંત્રગાનની સીડી ગૂંજતી. સૌ પદયાત્રીઓ તાળી પાડતાં પાડતાં, ધૂનગાન કરતાં કરતાં ચાલતાં.
પદયાત્રામાં રસ્તામાં આવતાં ગામમાં પદયાત્રી યુવકોનું સ્વાગત થતું. ગામની મુખ્ય બજારમાં સૌ પદયાત્રી ધૂનગાન કરતાં કરતાં અને ષષ્ટિપૂર્તિ મહોત્સવનો જયઘોષ કરતાં નીકળતાં.
પદયાત્રાના ગંતવ્ય સ્થળે પણ સૌ પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત થતું. મોટેભાગે આપણા જ પ્રસાદીભૂત સ્થાને આ પદયાત્રા વિરમતી. સૌ યુવકો ભક્તિભાવપૂર્વક ઠાકોરજીનાં દર્શન-દંડવત્ કરતાં અને જીવનમાં ભક્તિભાવ વિશેષ દૃઢ થાય, પ્રમુખસ્વામી મહારાજને રાજી કરી શકાય તેવી ગદ્ગદ્ભાવે પ્રાર્થના કરતા.
આમ, પદયાત્રાના આયોજન દ્વારા યુવકોને ખૂબ જ આનંદ આવ્યો, વિશેષ ભજન-ભક્તિ કરવાની પ્રેરણા મળી.
તા.૨૬-૨-૨૦૧૨ના રોજ રાજકોટ તથા મોરબીના યુવકોએ ધ્રોલથી ભાદરા સુધીની પદયાત્રા કરી હતી.
વહેલી સવારે રાજકોટથી નીકળીને સૌ યુવકો ૬.૩૦ વાગે ધ્રોલ પહોંચ્યા. ત્યાં હરિમંદિરમાં આરતી-દર્શન કરીને સૌ યુવકોએ અલ્પાહાર કર્યો. ૭.૩૦ વાગે ભાદરા મંદિરના કોઠારી પૂ. ધર્મકુંવર સ્વામી તથા ધ્રોલના ધારાસભ્યે ઠાકોરજીની પૂજનવિધિ કરીને પદયાત્રાનો શુભારંભ કરાવ્યો.
પદયાત્રાનું ૧૬ કિ.મી.નું અંતર સૌ યુવકોએ મહારાજ-સ્વામીની સ્મૃતિ સહિત ધૂનગાન કરતાં કરતાં કાપ્યું. ૧૧.૧૫ વાગે યુવકો ભાદરા પહોંચ્યા. નૂતન મંદિરનાં દર્શન કરીને સૌ ધન્ય બન્યાં. ઠાકોરજીનાં દર્શન-દંડવત્ કરીને સૌએ મધ્યાહ્ન ભોજન લીધું. ત્યારબાદ પ્રસાદીના સ્થાનોનાં દર્શન કરીને ઊંડ નદીના કિનારે વડ નીચે નાની સભા પણ યોજાઈ હતી. આ પદયાત્રામાં રાજકોટના ૩૫૦ અને મોરબીના ૬૦ યુવકો જોડાયા હતા.
રાજકોટ થી ભીચરી ૧૫ કિ.મી.નું અંતર સૌ યુવતિઓએ મહારાજ-સ્વામીની સ્મૃતિ સહિત ધૂનગાન કરતાં કરતાં કાપ્યું.
આ પદયાત્રામાં રાજકોટની ૨૨૫ યુવતિઓએ જોડાઇ હતી.