યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ નિમિત્તે ફેબ્રુઆરી-માર્ચ માસમાં તમામ યુવા ક્ષેત્રોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સૌ યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઓછામાં ઓછું ૧૦ કિ.મી. જેટલું અંતર દરેક પદયાત્રા માટે રાખવામાં આવ્યું હતું. પદયાત્રાનો પ્રારંભ મહારાજ-સ્વામીના પૂજનવિધિ અને આરતીથી થતો. વડીલ સંત તેમજ શહેર / ગામના અગ્રણી મહાનુભવ શ્રીફળ વધેરીને પદયાત્રાનો શુભારંભ કરાવતા. તે પહેલાં તમામ પદયાત્રીઓને ચાંદલો તેમજ નાડાછડી બાંધવામાં આવતી.

ષષ્ટિપૂર્તિ મહોત્સવનું બેનર લઈને બે યુવકો સૌથી આગળ ચાલતા. તેની પાછળ ધજા પકડીને બે યુવકો ચાલતા. ત્યારબાદ ઠાકોરજીનો રથ રહેતો, જેમાં 'સ્વામિનારાયણ' મંત્રગાનની સીડી ગૂંજતી. સૌ પદયાત્રીઓ તાળી પાડતાં પાડતાં, ધૂનગાન કરતાં કરતાં ચાલતાં.

પદયાત્રામાં રસ્તામાં આવતાં ગામમાં પદયાત્રી યુવકોનું સ્વાગત થતું. ગામની મુખ્ય બજારમાં સૌ પદયાત્રી ધૂનગાન કરતાં કરતાં અને ષષ્ટિપૂર્તિ મહોત્સવનો જયઘોષ કરતાં નીકળતાં.

પદયાત્રાના ગંતવ્ય સ્થળે પણ સૌ પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત થતું. મોટેભાગે આપણા જ પ્રસાદીભૂત સ્થાને આ પદયાત્રા વિરમતી. સૌ યુવકો ભક્તિભાવપૂર્વક ઠાકોરજીનાં દર્શન-દંડવત્‌ કરતાં અને જીવનમાં ભક્તિભાવ વિશેષ દૃઢ થાય, પ્રમુખસ્વામી મહારાજને રાજી કરી શકાય તેવી ગદ્‌ગદ્‌ભાવે પ્રાર્થના કરતા.

આમ, પદયાત્રાના આયોજન દ્વારા યુવકોને ખૂબ જ આનંદ આવ્યો, વિશેષ ભજન-ભક્તિ કરવાની પ્રેરણા મળી.

તા.૧૯-૨ના રોજ ભરૂચના યુવકોની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણથી ચાણસદ-૨૬ કિ.મી. લાંબી આ પદયાત્રામાં ભરૂચના ૧૧૦ યુવકો-કાર્યકરો જોડાયા હતા. સવારે સૌ યુવકો ટ્રેન દ્વારા ભરૂચથી કરજણ પહોંચ્યા. ત્યાં હરિમંદિરે દર્શન-અલ્પાહાર કરીને ૮.૦૦ વાગે પદયાત્રાનો આરંભ કર્યો. ૨૬ કિ.મી.નું અંતર કાપીને સૌ યુવકો ૧.૧૫ વાગે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ પહોંચ્યા. પ્રાગટ્યસ્થાને યુવકોએ દર્શન-દંડવત્‌ કર્યાં, સ્વામીશ્રીના સુસ્વાસ્થ્ય માટે ધૂન કરી. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS