યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ નિમિત્તે ફેબ્રુઆરી-માર્ચ માસમાં તમામ યુવા ક્ષેત્રોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સૌ યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઓછામાં ઓછું ૧૦ કિ.મી. જેટલું અંતર દરેક પદયાત્રા માટે રાખવામાં આવ્યું હતું. પદયાત્રાનો પ્રારંભ મહારાજ-સ્વામીના પૂજનવિધિ અને આરતીથી થતો. વડીલ સંત તેમજ શહેર / ગામના અગ્રણી મહાનુભવ શ્રીફળ વધેરીને પદયાત્રાનો શુભારંભ કરાવતા. તે પહેલાં તમામ પદયાત્રીઓને ચાંદલો તેમજ નાડાછડી બાંધવામાં આવતી.

ષષ્ટિપૂર્તિ મહોત્સવનું બેનર લઈને બે યુવકો સૌથી આગળ ચાલતા. તેની પાછળ ધજા પકડીને બે યુવકો ચાલતા. ત્યારબાદ ઠાકોરજીનો રથ રહેતો, જેમાં 'સ્વામિનારાયણ' મંત્રગાનની સીડી ગૂંજતી. સૌ પદયાત્રીઓ તાળી પાડતાં પાડતાં, ધૂનગાન કરતાં કરતાં ચાલતાં.

પદયાત્રામાં રસ્તામાં આવતાં ગામમાં પદયાત્રી યુવકોનું સ્વાગત થતું. ગામની મુખ્ય બજારમાં સૌ પદયાત્રી ધૂનગાન કરતાં કરતાં અને ષષ્ટિપૂર્તિ મહોત્સવનો જયઘોષ કરતાં નીકળતાં.

પદયાત્રાના ગંતવ્ય સ્થળે પણ સૌ પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત થતું. મોટેભાગે આપણા જ પ્રસાદીભૂત સ્થાને આ પદયાત્રા વિરમતી. સૌ યુવકો ભક્તિભાવપૂર્વક ઠાકોરજીનાં દર્શન-દંડવત્‌ કરતાં અને જીવનમાં ભક્તિભાવ વિશેષ દૃઢ થાય, પ્રમુખસ્વામી મહારાજને રાજી કરી શકાય તેવી ગદ્‌ગદ્‌ભાવે પ્રાર્થના કરતા.

આમ, પદયાત્રાના આયોજન દ્વારા યુવકોને ખૂબ જ આનંદ આવ્યો, વિશેષ ભજન-ભક્તિ કરવાની પ્રેરણા મળી.

તા.૨૬-૨-૧૨ના રોજ બપોરે અમદાવાદ શહેરના ૩૨ વિસ્તારોમાંથી ૬૫૦ યુવકો સાંજના સમયે બી.એ.પી.એસ. શાહિબાગ મંદિરે પદયાત્રા કરીને આવ્યા હતા. સરેરાશ ૧૦ થી ૧૫ કિ.મી.નું અંતર કાપીને આવેલ પદયાત્રી યુવકોને સંતો-કાર્યકરોએ પ્રેમપૂર્વક આવકાર્યા. તેમને શરબત-અલ્પાહાર કરાવીને તેમની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરથી પ્રસાદીસ્થાન આંબલીવાળી પોળ સુધીની પદયાત્રાના આયોજનની વિગત સમજાવવામાં આવી. સાંજે ૫.૦૦ વાગે પ.પૂ. ઈશ્વરચરણ સ્વામીએ મશાલ પ્રગટાવીને પદયાત્રાનો શુભારંભ કરાવ્યો.

સૌ યુવકો પ્રથમ મંદિરની પ્રદક્ષિણા ફર્યા, પછી પદયાત્રાનો પ્રારંભ કર્યો. તાળીનાદ સાથે ધૂન કરતાં કરતાં યુવકો ૬.૦૦ વાગે આંબલીવાળી પોળમાં આવેલ મંદિરે પહોંચ્યા. યુવકોએ ત્યાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તથા પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં આદર્શ યુવક બનીને મહારાજ-સ્વામીને રાજી કરવાની પ્રાર્થના-પ્રતિજ્ઞા કરી, દર્શન-દંડવત્‌ કર્યાં. સૌ યુવકોને સોનપાપડીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. 

અટલાદરા થી ચાણસદ ૧૨ કિ.મી.નું અંતર સૌ યુવતિઓએ મહારાજ-સ્વામીની સ્મૃતિ સહિત ધૂનગાન કરતાં કરતાં કાપ્યું. 

આ પદયાત્રામાં અમદાવાદની ૪૦૫ યુવતિઓએ  જોડાઇ હતી.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS