પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-8-2017, લોસ એન્જેલસ
સ્વામીશ્રી શિબિરના રાત્રિસત્રમાં પધાર્યા. અત્યારનું સત્ર ‘ઇતિ વચનામૃતમ્’ સંવાદનું હતું. દરેક સેન્ટરની જેમ અહીં પણ સ્વામીશ્રીની સમક્ષ કાર્યકરો ગોઠવાયા. પુરાણીના વેશે આવેલા કાર્યકરે વચનામૃત વાંચવાનું શરૂ કર્યું.
‘સ્વામિનારાયણ હરે વચનામૃત ચિનોહિલ પ્રકરણનું પહેલું - ભાગ્ય જાગ્યાનું.’ પછી વચનામૃતની શૈલીમાં આગળ વધતાં કાર્યકરોએ સ્વામીશ્રીને એક પછી એક રસપ્રદ પ્રશ્ન પૂછ્યા અને સ્વામીશ્રીએ પણ ખૂબ સુંદર જવાબો આપ્યા.
પ્રશ્ન 1 : મહિમાપૂર્વક સત્સંગ શિક્ષણ પરીક્ષા કઈ રીતે આપવી ?
સ્વામીશ્રી કહે : ‘સત્સંગ શિક્ષણ પરીક્ષા... એમાં અક્ષરધામ જવા માટે જે જાણવા જેવું છે તે છે. બીજું જાણેલું કાંઈ કામમાં નહીં આવે. નક્કી કરવું કે અક્ષરધામમાં જવું છે કે અહીંયાં આંટા મારવા છે ?’
પ્રશ્ન 2 : સત્સંગ શિક્ષણ પરીક્ષાની તૈયારી કરવામાં કંટાળો આવે છે. મન એકાગ્ર નથી રહેતું. લોકના કામમાં બિઝી(વ્યસ્ત) થઈ જવાય છે. તો તેનો ઉપાય શો ?
સ્વામીશ્રી કહે : ‘સત્સંગ શિક્ષણ પરીક્ષા એટલે અબજો રૂપિયા અને વહેવારનું ગમે તેવું કામ હોય તે આઠ આના, રૂપિયો. આ મહિમા જાણીએ, કારણ કે પ્રાપ્તિ શું છે ? સત્સંગ શિક્ષણ પરીક્ષાનું ફળ અક્ષરધામ.’
પ્રશ્ન 3 : અમે બધા ટિકિટ વગરની ટપાલ જેવા છીએ. દર જન્મે પાછા આવીએ છીએ. અક્ષરધામની ટિકિટ ક્યાંય મળતી નથી, તો અમને અક્ષરધામની ટિકિટ મળશે ને ?
‘હા, મળશે.’ સ્વામીશ્રીએ દૃઢતાથી કહ્યું.
તરત જ આ જવાબમાંથી ઉદ્દ્ભવેલો પ્રશ્ન પુછાયો : ‘અમે આવું વારંવાર પૂછીએ છીએ તો આપને કંટાળો નથી આવતો ?’
સ્વામીશ્રી લહેકાથી જોરદાર ભાવથી કહે : ‘આ સેવા છે. કંટાળો શેનો ?’
જેમ વેપારી ગ્રાહકની વારંવારની પૃચ્છાથી હેરાન થતો નથી, તેમ મોક્ષના દાતા સ્વામીશ્રી મુમુક્ષુઓના આવા વારે વારે પુછાતા પ્રશ્નોથી કંટાળતા નથી.
પ્રશ્ન 4 : સભામાં અમને ઊંઘ આવે છે, કારણ કે એકની એક વાત થતી હોય તેવું લાગે. તો સભાનો મહિમા સમજાવો.
સ્વામીશ્રીએ પ્રશ્નથી ઉત્તર વાળ્યો. સ્વામીશ્રી કહે : ‘તમારે દુકાન છે કે નહીં ? એના એ જ ઘરાકો આવે છે કે નવા નવા ? એની એ જ વસ્તુ માંગે છે કે નવી નવી ? એમાં કંટાળો ન આવે ? પણ ત્યાં 8-00 વાગ્યાની જગ્યાએ સવારે 7-30 વાગ્યે દુકાન ખોલે. આ સત્સંગની વાત સમજાઈ નથી, માટે કંટાળો આવે છે. સમજાય તો આનંદ આનંદ.’
પ્રશ્ન 5 : અમે બધા જીવ છીએ અને આપ અક્ષરબ્રહ્મ. આ ભેદ અનાદિનો છે. તો આપણે પહેલી જ વાર મળ્યા ?
‘હા. પહેલી વખત. પહેલાં ક્યારેય મળ્યા નથી. અને એ પણ ભગવાને કૃપા કરી માટે મેળાપ થયો.’ સ્વામીશ્રી કહ્યું.
Vachanamrut Gems
Gadhadã II-57:
A 'Cat-like' Devotee
“… If a so-called devotee of God does have more affection for some object than he has for God, then he is nothing but a ‘cat-like’ (deceitful) devotee. A true devotee of God, on the other hand, would definitely not hold anything dearer to him than God.”
[Gadhadã II-57]