પ્રેરણા પરિમલ
બ્રહ્મનું માર્ગદર્શન
(તા. ૨૮-૭-૨૦૦૦, એડીસન)
સ્વામીશ્રી સમક્ષ કિશોરો પોતાની કેફિયત રજૂ કરી રહ્યા હતા. યુ.એસ.એ.ના વિલાસી વાતાવરણ વચ્ચે કેવી દૃઢતાથી યુવકો નિયમ પાળે છે તે વાતો દિલધડક હતી. અશ્વિન પટેલે કૉલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સૌ કિશોરોને મૂંઝવતા કેટલાક કઠિન પ્રશ્નો અને નિયમોની વાત કરતાં કહ્યું : 'બાપા ! અમને તિલક-ચાંદલો કરવાનો નિયમ સાચવવો બહુ અઘરો પડે છે છતાં એવા કેટલાય કિશોરો છે, જે નિધડકપણે તિલક-ચાંદલો કરે છે.
'બીજું, વિદ્યાર્થીઓ સાથે રેસ્ટોરન્ટમાં ખાવા ન જાય તો મિત્રોને બહુ પ્રશ્ન થાય કે આ અમારી સાથે કેમ નથી ખાતો ? કંઈ ખોટું લાગ્યું છે ?... એટલે બહારનું ન ખાવાનો નિયમ પણ પાળવો અઘરો છે, છતાં દૃઢતાપૂર્વક ઘણા કિશોરો તે નિયમ પણ પાળે છે.
ત્રીજું, અમારે આ અવસ્થામાં સત્સંગ દૃઢ કઈ રીતે રાખવો એનું માર્ગદર્શન આપજો.
અને ચોથું, મંદિરમાં અને અભ્યાસમાં બૅલેન્સ કઈ રીતે કરવું એય મોટો પ્રશ્ન હોય છે. પરીક્ષા નજીક હોય ત્યારે ખાસ પ્રશ્ન થાય કે મંદિરે જવું કે વાંચવું ? વાંચવા રહીએ તો દર્શન, સભા, સેવા ન થાય એનું દુઃખ થાય. માટે એનું બૅલેન્સ કરવાનું બળ આપજો એ પ્રાર્થના છે.'
સૌ કિશોરોએ આવા જટિલ પ્રશ્નોમાં પણ સત્સંગની દૃઢતા રહે તેવી ભાવના સાથે 'ધર્મકુંવર હરિકૃષ્ણજી તમે...' એ પ્રાર્થના સમૂહમાં ગાઈ.
સ્વામીશ્રીને કિશોરોએ રજૂ કરેલા ચાર પ્રશ્નો પર વિશેષ પ્રકાશ પાથરવાનું મન થઈ આવ્યું. 'લાવો માઇક' કહીને સામેથી માઇક માગ્યું ને કહે : 'પહેલો પ્રશ્ન શું હતો ? તિલક-ચાંદલાનો. તિલક-ચાંદલો આપણે કોઈને નુકસાન કરવા કરતા નથી. શિક્ષકને, વિદ્યાર્થીને કે કોઈને નુકસાન કરતા નથી. આપણે જે કપડાં પહેરીએ એ બીજાને ન પણ ગમે. તો એનાથી એને નુકસાન શું ? આપણે જે ઘરમાં રહેતા હોઈએ, તે બીજાને ન ગમે તો આપણે ઘરનો ત્યાગ કરી દેવાનો ? દરેક વસ્તુમાં એવું બને. એકને ગમે તે બીજાને ન પણ ગમે, પણ એથી કંઈ આપણે તે વસ્તુ મૂકી દેતા નથી. તમે વધારે પૈસા કમાવ એ બીજાને ન ગમે તો આપણે પૈસા નાખી દઈએ ? માટે એવું તો થવાનું. આપણે તિલક-ચાંદલો કરીએ છીએ તે કોઈને નુકસાન કરતા નથી. આપણા રીતરિવાજ મુજબ જીવન જીવીએ છીએ. છતાં દ્વેષી માણસો દ્વેષ કરવાના છે. કરો તોય બોલે ને ના કરો તોય બોલે. આપણે લોકોને રીઝવવા માટે કંઈ તિલક-ચાંદલો નથી કરતા. લોકો સારા કહે એથી સારા નથી થઈ જવાના ને ખરાબ કહે તેથી ખરાબ નથી થઈ જવાના. ભગવાનને ગમે છે માટે કરીએ છીએ. ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. આપણે ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, નિયમ પાળીએ, તપવ્રત કરીએ એ બીજાને નથી ગમવાનું. તેથી મૂકી ન દેવું. એ લોકોને સમાજને રાજી કરવો છે, દેહને રાજી કરવું છે. આપણે ભગવાનને રાજી કરવા છે, સંતને રાજી કરવા છે તો એની રુચિ પ્રમાણે વર્તવું ને તેમ કરતાં જે સહન કરવું પડે તે કરી લેવું. તેની સાથે ઝઘડવાની જરૂર નથી. બધા પોતપોતાના ધર્મનું ચિહ્ïન રાખે છે. એમ આ ય આપણું ધર્મચિહ્ïન છે. આપણા હાઈકોર્ટના જજ, સુપ્રિમ કોર્ટના જજ, પાર્લામેન્ટના સ્પીકર પણ પોતાના ધર્મચિહ્ïન સાથે ફરજ પર જાય છે. મન મક્કમ હોય તો કોઈ વાંધો ન આવે.
બીજી વાત કરી બહારનું ખાવાની. આ તમારા દેશમાં વધારેમાં વધારે મુશ્કેલી છે. વેજિટેરિયન કહેવાતું હોય તોય વેજિટેરિયન નથી. કારણ, ચમચો આમાંથી લઈ આમાં નાખે એટલે ભેળસેળ તો થઈ જ જાય. માટે બહારનું તો ન જ ખાવું. ઘરેથી તૈયાર કરીને લઈ જવું. કૉલેજમાં-હોસ્ટેલમાં રહેતા હોય તેણે ભાખરી, શાક જેવું બનાવતાં શીખી લેવું. થોડું માબાપ તૈયાર બનાવી આપે તે લઈ જવું. પહેલાં ગુરુકુળમાં છોકરા જાતે રસોઈ કરતા, જાતે કપડાં ધોતા, જાતે પથારી કરતા. સ્વાવલંબી જીવન. જેને ધર્મ પાળવો છે, એને માટે આ વાત છે. તમારે મુશ્કેલી છે કે ભણવાનું ને આ કરવાનું પણ જેને અનુકૂળ હોય તે તેમ કરે તો સારું. જેને ઘર નજીકમાં હોય તે ઘરેથી બનાવીને લઈ જાય. બીજા છોકરા જમતા હોય તે વખતે આપણે જે લઈ ગયા હોઈએ તે ખાઈ લેવું. ફળ-ફૂલ ખાઈ લેવાં. પ્રયત્ન કરશો તો અનુકૂળ થશે. હિંમતે મર્દા તો મદદે ખુદા.
આ દેશમાં સવારથી ઊઠે ત્યારથી ખા ખા કરતા હોય, તેમાં તમને ઉપવાસનો વિચાર આવે તે મોટી વાત કહેવાય ને ! કઠિન વાત છે તમારા માટે. છતાં તમને સત્સંગ છે, તો સત્સંગના બળે આટલો ઉત્સાહ છે. તમને કદાચ એવો પ્રસંગ આવે ને વેજિટેરિયન ન મળ્યું તો એક દિવસ ઉપવાસ કરી નાખવો. સૂકોમેવો તો મળે ને ! એ જમી લેવો. કેટલાક માણસો જ્યૂસ પીને, દૂધ પીને રહે છે. રૂષિમુનિઓ પાંદડાં ખાઈને રહેતા. એમ આપણે એવાથી ચલાવી લેવું, પણ આપણું જીવન પવિત્ર રાખવું.
ત્રીજું, પરીક્ષા આવે ત્યારે બે-ત્રણ મહિના ખટકો રાખવો. તે ઘડીએ મંદિરનું કામ ઓછું થાય તેનો વાંધો નહીં. તે ઘડીએ શિબિરનું આયોજન પણ ન કરવું. એ વખતે અભ્યાસને વધારે મહત્ત્વ આપવું. છેલ્લી પરીક્ષા વખતે બરાબર ધ્યાન આપવું. બાકીના ટાઇમમાં આપણે સત્સંગનું કરવું. શનિ-રવિ સત્સંગ માટે ફાળવવા.
પરીક્ષા વખતે મંદિરે આવવાનું ઓછું થાય, તો ઘરે સભા કરી લેવી. ઘરસભા ન થતી હોય તો એકલાએ થોડું વાંચન કરી લેવું. કરવું છે તેને બધું થાય.
બધા બળ રાખજો. આપણે ભગવાનને રાજી કરવા છે. એ એકને રાજી કર્યા તો આખી દુનિયા રાજી. દેવતા બધા રાજી થઈ જાય... શૂરવીર થાય એની ગાથા લખાય. શૂરવીરતા એટલે ઇન્દ્રિયો પર કાબૂ રહે ને નિયમધર્મનું દૃઢતાથી પાલન થાય તે. આ શૂરવીરતા સૌએ રાખવાની છે.'
સ્વામીશ્રીએ વાત્સલ્યનાં વારિ સિંચીને પોષેલી આ કિશોર પેઢી આવનાર ભવિષ્યની તારણહાર બની રહેશે.
Vachanamrut Gems
Sãrangpur-6:
God Is Within Us
"… That same Purushottam Bhagwãn resides in the jiva as antaryãmi. He is independent, yet interwoven with the three states of the jiva. That same God assumes an avatãr on this earth to liberate the jivas…"
[Sãrangpur-6]