પ્રેરણા પરિમલ
સત્સંગમાં જે મજા આવે...
રાજકોટમાં ભોજન સમયે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર વંચાતું હતું. એમાં વાત આવી - 'ચરણરજ થઈને રહેવું...'
એ સાંભળતાં સ્વામીશ્રી બોલ્યા, 'લોકો ચરણરજ માગે ખરા, પણ કોઈ ચરણરજ થઈને રહેતા નથી.'
આગળ સ્વામીશ્રી કહે, 'યોગીજી મહારાજના જીવનચરિત્રમાં અદ્ભુત ખજાનો ભર્યો છે. ડગલે ને પગલે એક જ વાત આવે છે - દાસ થઈને રહેવું, સહન કરવું. આ બધું જીવમાં ઊતરે તો બેડો પાર. આ શબ્દોનું અખંડ જાણપણું રહે તો કામ થઈ જાય. સોય કેડે દોરો સોંસરો ચાલ્યો આવે એમ જોગીબાપાનો સિદ્ધાંત ચાલ્યો જ આવે છે...'
સેવક કૃષ્ણવલ્લભ સ્વામી પીરસતા હતા. તેઓ કહે, 'બસ હવે ! આપ જમવાનું ચાલુ રાખો.'
'વાતો જ કરી છે, ખાધું છે ક્યાં ?' તેઓએ આગ્રહ ચાલુ રાખ્યો.
'સત્સંગમાં જે મજા છે એવી ખાવામાં ન આવે.' સ્વામીશ્રીએ હળવાશથી પોતાની 'મજા'ની વ્યાખ્યા કરી.
'રામ અમલ મતવારે' આ પંક્તિઓ સ્વામીશ્રીના વ્યક્તિત્વનું અભિન્ન અંગ બની હોય તેવા દૃશ્યો સાથે રહેનારને સહજ-સરળતાથી માણવા મળતા હોય છે.