પ્રેરણા પરિમલ
સાધુ થયા જેવું જ કામ
(ન્યૂયોર્ક, તા. ૧૦-૮-૯૮)
સ્વામીશ્રી સાંજે ઠાકોરજી જમાડી રહ્યા હતા. ભક્તિચતામણિનું ૫૮મું પ્રકરણ વંચાતું હતું. તેના નિરૂપણમાં રાજાભાઈનો પ્રસંગ નીકળ્યો કે એનાં બૈરાંએ સંતો માટે સીધું કાઢી ન આપ્યું તેથી રાજાભાઈએ ઘરનો ત્યાગ કર્યો ને મહારાજનાં ચરણોમાં બેસી ગયા. આ વાત સાંભળી રાજનભાઈ(ન્યૂજર્સી)એ કહ્યું : 'રાજાભાઈની કસોટી જબરજસ્ત કરી !'
સ્વામીશ્રી કહે : 'આવા પ્રસંગ સાંભળો તો નિષ્ઠા પાકી થાય. કો'ક વખત પ્રસંગ થાય તો વાંધો ન આવે. ધન, ધામ, કુટુંબ-પરિવાર ભગવાન અને સંતને અર્થે કરી રાખવું. એને અર્થે કરવું એટલે શું ? જ્યારે કહે કે પરમહંસ થા, તો ....? આવતીકાલે થવાનું ને ?'
'ના, તત્કાળ.' એમના વાક્યની પૂર્તિ કરતાં એક યુવકે કહ્યું.
સ્વામીશ્રીએ તેની સામે જોઈને કહ્યું : 'અમારે તને સાધુ કરવો હતો પણ ન થયો.'
પરેશભાઈ કહે : 'હવે દીકરાને સાધુ કરવા આપશે.'
સ્વામીશ્રી કહે : 'એના કરતાં એ જ સાધુ થઈ ગયો હોત તો ! બધા એમ જ કહે છે કે પહેલાં એક બાબો આપો પછી અમે તેને સાધુ થવા માટે આપીશું, પણ એના કરતાં તું જ થઈ જા ને ! એ બાબો તો ક્યારે મોટો થાય, અને એ વખતે આપણે હોઈએ કે ન હોઈએ, એના કરતાં તું તૈયાર થયેલો થઈ જા એ શું ખોટું ?'
રાજનભાઈ કહે : 'એ સાધુ ન થયા તો એટલી કાચપ કહેવાય ને !'
સ્વામીશ્રી કહે : 'કાચપ તો નહિ, ભગવાનની ઇચ્છાથી થયું. સાધુ ન થયો પણ સાધુના જેવું કામ કરે છે. એટલે અમારે સરખું થઈ ગયું.'
પછી એ યુવકના મીષે કહેવા લાગ્યા : 'સત્સંગનું કામ હોય, મંદિરનું કામ હોય ત્યારે સમય હોય કે ન હોય પણ એ પહેલું કરો તો એ સાધુ થયા જેવું જ. ભગવાન અને સંતમાં હેત છે એટલે સેવા થાય છે, ભકિત થાય છે, સત્સંગ થાય છે, અને આપણો વ્યવહાર પણ થાય છે. એ હેત એ જ ભગવાનની દયા છે.' એમ કહી બાળ-યુવક મંડળ પ્રવૃત્તિનો ભીડો વર્ણવતાં કહેવા લાગ્યા : 'બાળકોને સત્સંગના સંસ્કાર આપો છો એ જેવી તેવી વાત નથી, બહુ મોટી વાત છે.'
Vachanamrut Gems
Kãriyãni-7:
The Definition of Ultimate Liberation
"… That God remains as He is during the time of creation, sustenance and dissolution of the cosmos; i.e., He does not undergo any changes like worldly objects do. He always maintains a divine form. Having such a firm conviction of the manifest form of Purushottam is called ultimate liberation."
[Kãriyãni-7]