પ્રેરણા પરિમલ
સંતની દયા
(ન્યૂયોર્ક, તા. ૯-૮-૯૮)
સ્વામીશ્રી પેપ્સિકો પાર્કમાં સાંય ભ્રમણ માટે પધાર્યા. આરતી, અષ્ટકો, સ્તુતિમાં લીન થયા. સંતોએ સમૂહમાં કીર્તન ગાયું :
'સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત;
દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાટ...'
આ કીર્તન પર નિરૂપણ કરતાં સ્વામીશ્રી કહેવા લાગ્યા :
'નિષ્કુળાનંદ સ્વામી સંતની ઉપમા ન મળતાં, અનુપ કહે છે. અનુપ એટલે એને કોઈની ઉપમા આપી શકાય નહિ. ઉપમા આપવી હોય તો ભગવાન જેવા કહેવાય. બીજું કંઈ નહિ.
'જેવા સંત કહીએ શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ;
નિષ્કુળાનંદ નિહાળતાં, ન મળે એ બેની જોડ...'
એટલે કે સંત હરિ સમાન છે.'
સ્વામીશ્રીએ આ કીર્તનને આધારે કામધેનુ, કલ્પતરુ વગેરે સાત દૃષ્ટાંતથી સંત કઈ રીતે જુદા છે તેની વિસ્તારે વાત કરી.
સ્વામીશ્રી કહે : 'નદી, વૃક્ષ વગેરે પરોપકારી તો કહેવાય પણ સંતનો પરોપકાર જુદો છે. સંત જીવમાંથી અજ્ઞાન કાઢે છે, આત્મારૂપ મનાવીને પરમાત્માની ભક્તિ કરાવે એવો એનો ચમત્કાર છે. એટલે સંત અધિક છે.'
પછી હિતેશ પટેલ (કોન્ટેક્ટને) કહે : 'દેહનાં સંબંધીઓ સાચું માર્ગદર્શન ન આપે. સંત જ એ કરે. સંતના હૃદયમાં દયા રહી છે કે આ જીવ જન્મમરણમાં પડશે. ગર્ભવાસમાં જશે. મહા દુઃખ ભોગવશે. એના બદલે આ જન્મે એને એવું જ્ઞાન આપી દેવું છે કે એનો મોક્ષ થઈ જાય. ફરી આવવું જ ન પડે. મહારાજના અક્ષરધામમાં જઈને એ...ય સુખ સુખના ઢગલા છે, એ સુખ લેવું છે. ત્યાં નિરાંત. નહિ ચિંતા, નહિ ઉપાધિ, નહિ વ્યથા. મહારાજની રસઘન મૂર્તિમાં સુખમાત્ર આવી જાય. એ સુખમાં બેસાડી દેવા છે.'
શ્રીજીમહારાજે વચ. ગ.પ્ર. ૬૭માં કહ્યા મુજબ સ્વામીશ્રી પોતાના સંગીનું પણ એવું હિત ઇચ્છે છે કે એને આ લોકની વાસના ટળે ને ભગવાનની વાસના થાય, કારણકે પોતે ભગવાનનું સુખ નિરંતર ભોગવી રહ્યા છે. જીવ પર એમની આ જ દયા છે.
Vachanamrut Gems
Sãrangpur-18:
Continuous Examination Cures All Swabhavs
"… Thus, any swabhãv which one may have can be eradicated if one continuously examines oneself while doing satsang."
[Sãrangpur-18]