પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-8-2017, હ્યુસ્ટન
આજે સ્વામીશ્રીના વૉકિંગ દરમ્યાન યોગીવાણીનું વાંચન અને સાથે સ્વામીશ્રીનું અદ્ભુત નિરૂપણ શરૂ થયું.
ગ્રંથમાંથી વાંચન થયું : ‘તારા ભુક્કા કાઢી નાખીશ એમ મન સાથે લડાઈ લેવી, પણ મૂંઝવણ ન રાખવી. હવે આપણે શું બાકી છે ? શ્રીજીમહારાજ સાક્ષાત્ મળ્યા છે તો મૂંઝાવું નહીં અને શ્રદ્ધાથી મંડવું. દોષનો શું ભાર છે ? આમ ટળી જશે.’
સ્વામીશ્રી પણ ચપટી વગાડતાં કહે કે ‘આમ ટળી જશે.’
સંતો કહે કે ‘આમ ટળી જશે એટલે શું ?’
સ્વામીશ્રી રસ્તો બતાવતાં કહે : ‘ખટકો રાખવો પડે. આપણા રૂમમાં સાપ પેઠો હોય તો ખબર ના પડે કે ક્યારે બટકું ભરશે, માટે ધ્યાન રાખવું પડે.’
પછી કહે : ‘આપણી પ્રાપ્તિ મેરુ જેટલી છે અને દોષો ઢેફું. પ્રાપ્તિનો વિચાર કરે તો દોષો અને બધું નીકળી જાય. કાંઈ બાકી ન રહે. મધ્યના-13મામાં પણ આ કહ્યું છે.’
આગળ વંચાયું : ‘મોટપ શું ? ગાદી મળે, પાટ મળે ઈ ? હૃદયમાં શાંતિ રહે એ મોટપ. મોટાપુરુષના ગુણ આવ્યા હોય તો હૃદયમાં શાંતિ રહે.’
સ્વામીશ્રી કહે કે ‘ખૂણામાં બેઠો હોય અને કોઈ પૂછતું ન હોય તોય શાંતિ. અંતરમાં શાંતિ. બીજા 14 ગાદલાં પાથરીને બેઠા હોય તોય શાંતિ ન હોય.’
વાચકે ક્રમશઃ વાંચ્યું : ‘અતિશય સેવા શું ? મોટા-પુરુષને નિર્દોષ જાણવા તે.’
સ્વામીશ્રી કહે : ‘આ અતિશય સેવા. આપણે માનીએ - 10 મણ ભાર ઉપાડે તે સેવા; પણ એક ઇંચ પણ ખસે નહીં તોય આ રીતે અતિશય સેવા...’
આગળ આવ્યું : ‘ભગવાન ને સત્પુરુષની ક્રિયા ગમવી જોઈએ, તો જ ગુણ આવે, પછી કહે તેમ કરે.’
સ્વામીશ્રી કહે : ‘સત્પુરુષની ક્રિયા ખાલી ચલાવી લે તેમ નહીં, મોટાપુરુષ કરે તે ક્રિયા ગમવી જોઈએ. દિવ્યભાવ રહેવો જોઈએ, તો ગુણ આવે.’
આગળ વંચાયું : ‘ગુરુમાં દિવ્યભાવ, નિર્દોષભાવ રાખવો એ ગુરુપૂજન.’
સ્વામીશ્રી કહે : ‘ખરું આ છે. નિર્દોષભાવ રાખે તો તેમાં ધર્મ ને બધું આવી જાય.’ પછી લટકું કરતાં કહે : ‘પ્રમુખસ્વામી મહારાજ યોગીબાપાનું પૂજન કરવા ક્યારેય ગયા નથી. સેવામાં જ હોય. પણ નિર્દોષભાવ !’ પછી કહે : ‘જાણીને આવું (પૂજન કરવા ન જવું તેવું) ઊભું ન કરવું, મળે તો લાભ લઈ લેવો.’
ગ્રંથ આગળ વંચાયો. જેમાં આવ્યું : ‘ચાર પ્રકારની ઔષધિ એમાં સંજીવની વિશેષ. એ નિર્દોષબુદ્ધિની ભક્તિ છે. ગુણાતીત બનવા કોઈનો અવગુણ લેવો નહીં. નિર્દોષબુદ્ધિની ભક્તિ કરવા અક્ષરધામમાંથી આપણને મોકલ્યા છે.’
સ્વામીશ્રીએ પૂછ્યું : ‘શેના માટે મોકલ્યા છે ?’
સંતો કહે : ‘નિર્દોષબુદ્ધિની ભક્તિ કરવા.’
સ્વામીશ્રી કહે : ‘ધડાધડી કરવા નહીં.’
આગળ વંચાયું : ‘કરવું શું ?’
યોગીબાપાનો ઉત્તર વંચાય તે પહેલાં સ્વામીશ્રી બોલી ઊઠ્યા : ‘ધડાધડી...’ સંતો હસી પડ્યા.
પછી યોગીબાપાનું વાક્ય વંચાયું : ‘મન, કર્મ, વચને સંત-સમાગમ.’
આગળ વંચાયું : ‘જાણવું શું ?’
સ્વામીશ્રી આમાં પણ પહેલી ફૂંક મારતાં કહે : ‘આખી દુનિયાનું !’ ફરી હાસ્ય.
પછી યોગીબાપાનું વાક્ય વંચાયું : ‘જડ, ચૈતન્યનો વિવેક.’
સ્વામીશ્રી આવી રીતે મર્મ કરીને પણ ઉપદેશ આપી દેતા હોય છે.
વાચકે આગળ વાંચ્યું : ‘એકબીજાની ખટપટ ન કરવી. કો’કની વાત બીજાને કરવી ને બીજાની વાત કો’કને કરવી તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે. માટે જેને મોક્ષ જોઈતો હોય તેણે તે સ્વભાવ મૂકવો.’
સ્વામીશ્રી કહે : ‘વાત સાચી હોય તોય ખટપટ કહેવાય. દાખલા તરીકે સૂતો જ હોય, ખાતો જ હોય તોય કહેવાય નહીં. અને એવું કંઈ ન બન્યું હોય અને કહે તો મહાખટપટ.’
છેલ્લે વંચાયું : ‘સ્વામી જાગા ભક્ત કહેતા જે, પારકી ક્રિયા, પારકો આકાર અને પારકો દોષ જીવમાં ઘાલવા નહીં.’
સ્વામીશ્રી કહે : ‘મરી જશો.’
સ્વામીશ્રીએ દરેક વાક્ય પછી સુંદર પ્રેરણા વચનો કહ્યાં.
Vachanamrut Gems
Gadhadã II-64:
Yogic Powers of God
“Moreover, by the yogic powers of God, the 500 million-yojan surface of the pruthvi becomes the size of a sub-atomic particle at the time of dissolution. Then, at the time of creation, from being sub-atomic in size, the pruthvi again becomes 500 million yojans large. Also, thunder, lightning and dense clouds of rain appear in the monsoon season. These and all other such wonders are all due to the yogic powers of God.”
[Gadhadã II-64]