પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૨
ગોંડલ, તા. ૧૨-૧૨-૧૯૬૯
સાંજે ગણેશપુરી, મુંબઈથી પ્રસિદ્ધ સંત શ્રી મુક્તાનંદ બાબા યોગીજી મહારાજનાં દર્શને આવ્યા. તેઓ નજીક આવે તે પહેલાં તો સ્વામીશ્રી આસન ઉપરથી ઊઠવા લાગ્યા. ઢોલિયાના આગળના ભાગથી સ્વામીશ્રી એકદમ નીચે ઊતર્યા અને સારંગપુરથી ઠાકોરજીનો પ્રસાદીનો મોટો હાર આવેલો તે લઈને સામે ગયા.
'બાબા, ઐસા મત કરો.' તેઓએ આનાકાનીથી હાર લીધો. સ્વામીશ્રીનાં ચરણોમાં મસ્તક અડાડી પ્રણામ કર્યા અને સભામાં બેઠા.
સ્વામીશ્રીની આજ્ઞાથી ભટેસા વગેરે હરિભક્તોને પણ એમણે હારતોરા કર્યા. સ્વામીશ્રીએ એમને સભામાં થોડી વાતો કરવા કહ્યું. એ પહેલાં બ્રહ્મચારીજીએ ભજનો ગાયાં.
સ્વામીશ્રી કહેવા લાગ્યા 'બધાને પાણી પાવો. પાણીનું પૂછો...'(વિરપુરથી હમણાં પરવારીને આવ્યા હતા એટલે ના પાડી હતી.) સ્વામીશ્રીની આજ્ઞાથી મુક્તાનંદ બાબાએ પ્રવચન કર્યું.
'ગુરુજીની આજ્ઞા છે તો હું બોલીશ. ગુરુજી બહુ મહાન છે. આખા ભારતમાં એમની ખ્યાતિ છે...' વગેરે હિંદીમાં બોલ્યા પછી ગુરુમહિમા ઉપર વાતો કરી. એમને ગરમી લાગતી હતી એટલે સ્વામીશ્રીએ હાથપંખાથી મને પવન નાંખવા કહ્યું. હું પવન નાંખવા લાગ્યો તો કહે,'ગુરુજી કી સામને મૈં ભી આપકે સમાન શિષ્ય હું.' પછી ઇલેકિટ્રક પંખો ગોઠવી દીધો.
પ્રવચન પછી સ્વામીશ્રીએ એમને મંદિરમાં તેમજ ઘાટ વગેરે સ્થળોએ દર્શને જવા કહ્યું. સ્વામીશ્રી ફરીથી એમને મળવા, આસનેથી ઊભા થતા હતા. એકદમ પાસે આવી જઈને, તેમણે સ્વામીશ્રીને એમ કરતા રોક્યા અને ગદ્ગદિત થઈ બોલ્યા,'આપ ઐસા કરતે હો, યે મેરા અપમાન હૈ. આપ મેરે બાબા હો, નિત્યાનંદ બાબા (પોતાના ગુરુદેવ) જૈસે મેં આપકો માનતા હૂઁ...' સ્વામીશ્રીએ એમને શાલ ઓઢાડી. મંદિર, અક્ષરદેરી, ઘાટ વગેરેનાં દર્શન કર્યાં. ભીંત ચિત્રો વગેરે જોઈને બહુ રાજી થયા. સ્વચ્છતા જોઈ બહુ રાજી થયા. થોડો પ્રસાદ લીધો અને જતાં જતાં પણ સ્વામીશ્રીને મળવા આવ્યા. સ્વામીશ્રીના બે હાથ પોતાના હાથમાં લઈ, પોતાને માથે મૂકતાં વિનમ્રભાવે કહ્યું કે 'જ્યારે તમારી આજ્ઞા થશે ત્યારે હું આવીશ.' બહુ જ રાજી થઈને વિદાય લીધી.(સ્વામીશ્રી ધામમાં પધાર્યા ત્યારે પણ આ મુક્તાનંદ બાબા વડોદરાથી સીધા મોટરમાં ગોંડલ આવી પહોંચ્યા હતા અને અંતિમ દર્શન કર્યાં હતાં.)
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-18:
Behave According to My Words
“… Similarly, as I am your spiritual master, your guru and your preceptor, you should not imitate my physical behaviour. Instead, all of you should behave according to my words in the form of the respective injunctions which I have prescribed for those in my sampradãy; but none should imitate my behaviour.”
[Vartãl-18]