પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૨૧
ગોંડલ, તા. ૨૫-૧૨-૧૯૬૯
આજે વહેલી સવારે પોતાના કાર્યક્રમ અંગે પૂછતાં યોગીજી મહારાજ કહે,'ત્યાં (મુંબઈમાં) સંતો યાદ કરે છે ને વળી સેવા પણ સારી થાય... અહીં ઊંઘ સારી આવી જાય છે. ત્યાં એની એ... ગોળી લેતા હતા તે ઊંઘ આવતી ન હતી. અહીં ઊંઘ આવી જાય.'
'દેરીનો પ્રતાપ...' સંતોએ કહ્યું.
'હા, એ સાચું. અહીં હું રોજ સંભારું શાસ્ત્રીજી મહારાજ ! ઊંઘ આવો, ઊંઘ આવો તે આવી જાય. શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ. અહીં ફરવાની બહુ મજા આવે છે. તે સ્થાન સારું તે અહીં રહેવાનું મન થઈ જાય... પ્રમુખસ્વામી બહુ દાખડો કરે છે. ઠંડીમાં ફરે છે. પહેલાં તો અમે ને મોટા સ્વામી ફરતા. તે બહુ ઠઠારો થાય... પ્રમુખસ્વામી એકલા પડી ગયા. બહુ દાખડો કરે છે, સેવા લાવે છે, તો તમો કાગળ લખો...' પછી સમાચાર લખવા જણાવ્યું.
'સ્વામિનારાયણ પ્રકાશ'નો પાઠ ચાલુ હતો. વચ્ચે વચ્ચે સ્વામીશ્રી એમની ઇચ્છા પ્રમાણે બોલી રહ્યા હતા :
'ચુનીભાઈ, કિરીટ બાપુને સુરતને ઉતારે મોકલો. ત્યાં આગળ બધાને ગરમ પાણી પહોંચાડે. ઉતારા વાળી નાંખે. આપણે મોટા માણસોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે શાસ્ત્રીજી મહારાજ ભેગા રહેલા. મોટા પુરુષ ભેગા રહેલા તે બધી નજર પડે. મોટા માણસોને સગવડ આપવી પડે. ઉપેક્ષા ન રખાય. આ બધું અમે વધાર્યું છે તો જો પાછળથી કોઈ સાચવનાર હોય તો વધે, નહિ તો વેડફાઈ જાય. ને સરભરા કરે ને મોટા માણસોનું સાચવે તો બમણું વધે...'
માંદગીના બિછાને સૂતાં સૂતાં પણ સ્વામીશ્રીને હરિભક્તોની સાચવણી ઉપર બહુ ધ્યાન રહેતું. હરિભક્તો જે મંદિરમાં આવ્યા હોય તેની સૂતાં સૂતાં ચિંતા કરતા અને સારી સરભરા કરવા ભલામણ કરતા. સેવા એ સ્વામીશ્રીનો જીવનમંત્ર હતો. હરિભક્તો પ્રત્યેની કદર અને વાત્સલ્યતા, સ્વામીશ્રીના શબ્દોમાં ભારોભાર જણાઈ આવે છે. એમના હૃદયમાં જે ભાવો છે - સત્સંગ પ્રત્યે આત્મબુદ્ધિ અને પ્રીતિ છે - તે તો આપણી માયિક બુદ્ધિથી પિછાણી શકાય એમ જ નથી !
'પ્રકાશ'નો પાઠ ચાલુ હતો. એમાં એક લેખમાં ભગવાનને અર્પણ કરીને જ બધી વસ્તુ ગ્રહણ કરવાની વાત આવી. સ્વામીશ્રીએ એ શબ્દ ઝડપી લીધો અને કહેવા લાગ્યા :
'શાસ્ત્રીજી મહારાજ અલૌકિક પુરુષ હતા, પણ કોઈ પૂજા થાય, આરતી થાય તે ઠાકોરજી (મૂર્તિ) પહેલા મંગાવે. થાળ ધરાવવાનો હોય તો મને મોકલે. નિર્ગુણ સ્વામી ધખે, વાર લાગે એટલે, પણ શાસ્ત્રીજી મહારાજ કહે,'ભલે ધખે.' એવો સિદ્ધાંત. તે સિદ્ધાંત સમજીને, અનુવૃત્તિ સાચવીને સેવા કરીએ તો રાજીપો થઈ જાય. અમને પણ ઠાકોરજીને ધરાવીને પાણી આપે, જમાડે, તે બહુ ગમે. ઠાકોરજીને આગળ રાખવા જોઈએ તો આપણું ચાલે. ને ભગવાનને ભૂલી જઈએ તો આપણું લાંબું નભે નહિ. અમે તો બે-પાંચ વરસ છીએ તે કહી છૂટીએ પણ પછીથી જો સચવાય તો વધે. નહિ તો પડી ભાંગે. દાદર(મંદિર)માં મેં આજ્ઞા કરી છે તે પાંચ થાળ બોલાય છે ને અડધો કલાક જમાડે છે. નહીં તો પૂજારી થાળ ધરાવીને સૂઈ જાય...'
આમ ઇષ્ટભક્તિ, ગુરુભક્તિ, હરિભક્તો પ્રત્યેની ભક્તિની સુગંધ સ્વામીશ્રીના વ્યક્તિત્વમાંથી અખંડ ફોર્યા કરતી હતી. જાણે ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ ન હોય ! જો ઇષ્ટદેવ પ્રત્યે-ગુરુ પ્રત્યે સાચી ભક્તિ હોય તો એના આશ્રિતજનો પ્રત્યે પણ ભક્તિ, સેવાભાવ, આદરભાવ, સદ્ભાવ અછતો રહેતો નથી, એ અનુભવ સ્વામીશ્રીની વાણીમાંથી તાદૃશ થાય છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-35:
The Four Fundamental Attributes for Liberation
“In this way, observance of one’s dharma, upãsanã of the form of God, listening to and narrating the divine incidents of God’s avatãrs, and chanting His holy name – these four are the only attributes fundamentally necessary for the jiva’s liberation.”
[Gadhadã II-35]