પ્રેરણા પરિમલ
પ્રથમ અમૃતપાઠ સહનશક્તિનો
નવા વર્ષના પ્રારંભની પ્રથમ ક્ષણ ગુણાતીત પુરુષનાં દર્શનથી ઊગી, કારણ કે ગઈ કાલે મોડી રાત્રે ચંદ્રગ્રહણ હતું અને આ ચંદ્રગ્રહણ રાત્રિના અંધકારમાં પણ ગુણાતીત સૂર્ય સમા સ્વામીશ્રીનાં દર્શનનાં સૌભાગ્યને લઈને આવ્યું હતું. આ પણ એક વિરલ અને અનોખી સ્મૃતિ હતી. ગઈકાલના આવા ઉજાગરા પછી લગભગ રાત્રે 2:45 વાગ્યા પછી સ્વામીશ્રી આરામમાં પધાર્યા હોઈ સવારે નિરાંતે ઊઠવાનું હતું. આમ પણ ગઈકાલે જૂના વિચરણને યાદ કરાવે એવો ભીડો પડ્યો હતો. છતાં રોજ કરતાં બહુ મોડા નહીં એવી જ રીતે લગભગ 8:15 વાગે તો સ્વામીશ્રી જાગી ગયા અને સ્નાનાદિક વિધિથી પરવારીને 9:00 વાગે ઠાકોરજીનાં દર્શને આવી પહોંચ્યા.
સમૈયાનો લાભ લેવા આવનારા સંતો ઘુમ્મટમાં બેઠા હતા. સમૂહમાં બેઠેલા સૌ ‘જે દુઃખ થાય તે થાજો રે’ એ કીર્તન ગાઈ રહ્યા હતા. દર્શન કરીને વ્હીલચૅરમાં બેસતાં બેસતાં સૌ તરફ અમીદૃષ્ટિ કરીને મંદ હાસ્ય સાથે સ્વામીશ્રી કહે : “જે દુઃખ થાય તે થાજો’ એ ગાઈએ છીએ એના કરતાં છાનામાના બેસીને ભજન કરવું. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જેવું સહન કરેલું છે એવું આપણાથી થાય એવું નથી. આ તો જરાક મનનું મરડાયું એટલે થઈ રહ્યું, મૂકો પડતા - એવું થઈ જાય.”
સંતો બોલ્યા : ‘ઊંચે બાંધી, નીચે અગ્નિ પ્રગટાવે.’ આ કડી સાંભળતાં જ સ્વામીશ્રી પણ પાછળ ડોકું નમાવીને ઊંચું જોવા લાગ્યા અને ઊંચું જોઈને કહે : ‘આ બધું અત્યારે નથી. એમના વખતમાં થઈ ગયું. એ બધાએ સહન કર્યું. એમને તો બધું જ થયું. માન-અપમાન બધું જ થયું. માર પણ એમણે ખાધો છે. અત્યારે તો સહેજ થાય તોય પડતું મૂકે. જીવમાં દૃઢતા રાખવાની. કથાવાર્તા, ભજન-કીર્તન કરીએ છીએ, પણ સમય આવે ઓસાન ન ભૂલવું.’
આ રીતે સવારનો પ્રથમ દિવસનો પ્રથમ અમૃતપાઠ સહનશક્તિનો આપ્યો.
1-1-2010, નડિયાદ
Vachanamrut Gems
Sãrangpur -2:
Non-Violence
Shriji Mahãrãj then began to elaborate by saying, "One should not hurt any living being with one's speech…"
[Sãrangpur -2]