પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૯
કંપાલાથી મસીન્ડી, તા. ૧૨-૩-૧૯૭૦
એન્ટેબે ઍરપોર્ટથી નાના સેવન સીટરમાં બેસી સવા દસ વાગે મસીન્ડી આવી પહોંચ્યા. સ્થાનિક ભક્તોએ સ્વાગત કર્યું અને યોગીજી મહારાજ સીધા જ શીખ ભક્ત નારાયણસિંગની મોટરમાં એમની પ્રતાપ સો મિલમાં-જંગલમાં ઊંડે ઊંડે પધાર્યા. અહીં ૧૯૬૦માં સ્વામીશ્રી પધાર્યા હતા અને એક રાત રહ્યા હતા તે સ્મૃતિ કરી. સ્વામીશ્રી કહે, 'આવા જંગલમાં આપણને સંભારે છે, કેવો ભાવ ! આ તો તીરથ થઈ ગયું.' એમ કહેતા જાય અને પ્રસન્નતા બતાવતા જાય. અમે ઉતાવળ કરીએ. કારણ, શહેરમાં ઘણો કાર્યક્રમ હતો. 'એનો ભાવ તો જુઓ,' એમ કહી સ્વામીશ્રી નિરાંત કરી બેઠા.
ઠાકોરજીનું પૂજન થયું. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. ડૉક્ટર સ્વામી પાસે વાતો કરાવી. છેવટે અહીંથી નીકળ્યા. સ્વામીશ્રી કહે, 'મારે સો મિલમાં પુષ્પ છાંટવાં છે.' કાર્યકર્તાઓ ના પાડે. 'પણ મારે ઊતરવું છે ને,' એમ કહી જાતે ઊતરવા લાગ્યા. બધા મશીનો ઉપર પુષ્પ છાંટ્યાં અને ખૂબ આશીર્વાદ આપ્યા. એક ઝાડનું મોટું સીધું થડ, મિલની વચ્ચે થાંભલા તરીકે ઊભું ગોઠવ્યું હતું. સ્વામીશ્રીએ હાથથી એને થાપા માર્યા અને કહે, 'આ થાંભલો સંભારજો આ તીરથ થઈ ગયું, બધું પ્રસાદીનું કર્યું... એનો ભાવ તો જુઓ... આપણે માટે એ દેશમાં આવ્યા હતા તો આપણે અહીં આવવું જોઈએ ને.'
નારાયણસિંગ સ્વામીશ્રીનાં દર્શને ગોંડલ આવ્યા હતા અને ઉનાળામાં સખત તાપમાં સોરઠના પંચતીર્થમાં સાથે ફર્યા હતા, ફક્ત સ્વામીશ્રીની આજ્ઞા અને પ્રેમ ખાતર. તે આટલે દૂર આવી, સ્વામીશ્રી જાણે ૠણ પૂરું કરતા હોય એમ બધે ફર્યા અને સૌને રાજી કર્યા. મૂળ શીખધર્મના નારાયણસિંગ સ્વામીશ્રીની સાધુતાથી જ સત્સંગમાં ખેંચાયા હતા. જીવ ભલે થોડુંક જ કરે, પણ મોટા પુરુષ એને બહુ માની લે છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Amdãvãd-2:
The Best Devotee
“… Therefore, one who, having discarded mãyik influences, becomes brahmarup and then worships God is the best devotee.”
[Amdãvãd-2]