પ્રેરણા પરિમલ
વટ ઉતારી નાખ્યો
સને ૧૯૬૦ના આફ્રિકાના સત્સંગ પ્રવાસ પછી યોગીજી મહારાજને બિમારીના કારણે અશક્તિ ઘણી રહેતી. સને ૧૯૫૫ના પ્રવાસ વખતે છાતીમાં ઠંડી પેસી જતાં શરદી અને કફને કારણે તકલીફ કાયમી થઈ ગઈ હતી. આવી નાની-મોટી બિમારી, અત્યંત તપસ્વી અને સંયમી જીવન તથા સત્સંગ પ્રચારાર્થે સતત ગામડાંઓનું વિચરણ-પરિશ્રમ વગેરેને કારણે સ્વામીશ્રીને વધારે પડતી અશક્તિ રહેતી. ઘર કરી ગયેલી બિમારી અને વયોવૃદ્ધ અવસ્થા હોવા છતાં સ્વામીશ્રી શ્રીજીમહારાજની આજ્ઞા-પાલનનું તાન સંપૂર્ણ રાખતા.
બિમારીને કારણે સૌ સંતો અને હરિભક્તોએ તથા ડૉક્ટરોએ પણ સ્વામીશ્રીને પાટ કે પલંગ ઉપર સૂવા બહુ સમજાવ્યા. પણ એમણે કોઈનું સાંભળ્યું નહિ. સ્વામીશ્રી હમેશાં જમીન ઉપર આસન પાથરીને સૂતા સખા સમાન પ્રેમી હરિભક્ત નારણભાઈ શેઠનું સ્વામીશ્રી હંમેશાં રાખતા. આથી નારણભાઈ શેઠે અત્યંત હેતભાવ અને નમ્રતાથી સ્વામીશ્રીને વિનંતિ કરી :
'બાપા, તમારે પલંગ ઉપર સૂવું જ પડશે. આજે તો હું તમારું કંઈ સાંભળવાનો નથી.'
આજે સ્વામીશ્રીએ એમની વાત પણ જલ્દી કાને ધરી નહિ. ફરી સૌએ વિનંતી કરી. 'બાપા, આપને સીત્તેર વરસ તો થયાં છે. વળી આપ માંદા છો તેથી આપને પલંગ ઉપર સૂવામાં શાસ્ત્રનો (શિક્ષાપત્રી અને ધર્મામૃતનો) કોઈ બાધ આવતો નથી.'
'શ્રીજીમહારાજની આજ્ઞા નથી, એ બને જ નહિ...' એમ કહી સ્વામીશ્રી પોતાની લાક્ષણિક ઢબે ગળા ઉપર હાથ મૂકે અને ના પાડે. જાણે પોતાનાં ગળાનાં સમ ખાતા હોય એમ અતિ સાધુતા યુક્ત સ્વામીશ્રી અતિ આગ્રહની સાથે આ પોતાનું છેલ્લું શસ્ત્ર વાપરતા. પણ આજે સૌએ નિરધાર કર્યો હતો. એટલે આગ્રહનો ગજગ્રાહ ચાલુ રહ્યો. છેવટે કચવાતે મને સ્વામીશ્રી પલંગ ઉપર સૂવા તૈયાર થયા. પણ એમને મનમાં જરાય રુચ્યું જ નહિ.
એમણે દુઃખી હૃદયે નારણભાઈ શેઠને કહ્યું, 'તમે તો મારો વટ ઉતારી નાખ્યો, નીચે સૂવામાં જ મારો વટ હતો.' મોટા પુરુષને વટ તો હોય નહિ. હા, માયા સામે વટ રાખે. પણ જ્યાં પોતે મહારાજની આજ્ઞા પાલન માટે ઈન્દ્રિયો-અંતઃકરણને થરથર ધ્રુજાવતા હોય એમને શું બાધ કરી શકે ? છતાં બીજાની શિક્ષાને માટે પોતે વ્રત-નિયમમાં અતિ દૃઢ રહેતા હોય.
આવું વર્ષો પહેલાં પણ બનેલું. જ્યારે સલાડના ભક્ત મણીભાઈ નાનાલાલ ભટ્ટે શાસ્ત્રીજી મહારાજ અને સંતોને પોતાને ગામ પધરાવ્યા અને પારાયણની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરાથી ખાસ હાથી લાવી, સંતોની સવારી કાઢવાનું વિચાર્યું. ત્યારે પણ યોગીજી મહારાજે ઘસીને ના જ પાડી હતી. છતાં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા થતાં, લેશ પણ આનાકાની કર્યા વગર શાસ્ત્રીજી મહારાજ સાથે સ્વામીશ્રી હાથી ઉપર બિરાજ્યા. ત્યારે સ્વામીશ્રીએ મણીભાઈને ફક્ત એટલું જ કહ્યું, 'મણીભાઈ, તમે હાથીએ બેસાડી સાધુની લાજ લીધી.'
Vachanamrut Gems
Gadhadã I-44:
False Understanding
"Therefore, as long as a person believes the body to be his true self, his entire understanding is totally useless…"
[Gadhadã I-44]