પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૯
મ્વાન્ઝા, તા. ૨૭-૧૧-'૫૯
અહીંયાં પ્રસિદ્ધિ પામી ચૂકેલા બેરિસ્ટર લક્ષ્મણને ત્યાં આજે સાંજે યોગીજી મહારાજ પધરામણીએ પધાર્યા. અહીં નજીકમાં જ આવેલી હીરાની ખાણના માલિકના દીકરા - અહીંના પ્રખ્યાત ડૉ. અર્જુન તથા બીજા કેટલાક વકીલો મી. બલરામ વગેરે શ્રી લક્ષ્મણના મિત્રો પણ સ્વામીશ્રીના દર્શને અહીં આવ્યા હતા. શ્રી લક્ષ્મણ તથા એમના સર્વ કુટુંબીજનોએ સ્વામીશ્રીનું પૂજન કર્યું.
ડૉ. અર્જુન આવ્યા ત્યારે સ્વામીશ્રીને પગે લાગવા શ્રી લક્ષ્મણે એમને સૂચવ્યું હતું, પણ તે તેમને કદાચ રુચ્યું નહિ, તેથી 'Its all right.' (ઇટ્સ ઓલ રાઇટ) કહીને તેઓ બેસી રહ્યા. શ્રી બલરામ કે જેઓ પંજાબી હતા તેમણે સ્વામીશ્રીને કેટલાક પ્રશ્નો પૂછવાની ઇચ્છા હતી. સ્વામીશ્રીએ સંમતિ આપી. તેઓ હિંદીમાં પૂછવા લાગ્યા. શ્રી લક્ષ્મણ દુભાષિયા તરીકે વચમાં રહ્યા. પ્રશ્નોત્તર શરૂ થયા :
બલરામ : મનુષ્યદેહ જડ છે કે ચૈતન્ય ?
સ્વામીશ્રી : જડ.
પ્ર : તો પછી ક્રિયા કેવી રીતે કરી શકે છે ?
ઉ : તેમાં રહેલો આત્મા છે તે ચૈતન્ય છે.
પ્ર : આ સૃષ્ટિ કોણે બનાવી છે ?
ઉ : ઈશ્વરે બનાવ્યા હૈ.
(સ્વામીશ્રી પોતાની લાક્ષણિક હિંદીમાં બોલવા લાગ્યા)
પ્ર : ભગવાન સાકાર છે કે નિરાકાર છે ?
જ : ભગવાન સાકાર હૈ.
પ્ર : અમે બધું જાણીએ છીએ કે આ સંસારમાં કાંઈ માલ નથી, છતાં એમાં કેમ લપટાવાય છે ?
જ : જેમ નદીઓનો પ્રવાહ સમુદ્ર તરફ ચાલે છે, તેમ જીવનો અનાદિ કાળનો ઢાળો છે. તેને સત્પુરુષ મળી જાય તો તેમાંથી મુક્ત કરે.
સ્વામીશ્રીએ તેમના દરેક પ્રશ્નનું સંક્ષિપ્તમાં સમાધાન કર્યું. આ વાર્તાલાપ દરમિયાન ત્યાં બેઠેલો શ્રોતાગણ સ્વામીશ્રીના બ્રહ્મસભર છતાં મુક્ત વાતાવરણમાં એવો તો અંજાઈ ગયો કે સૌ દિવ્યાનુભવમાં ડૂબી ગયા. સંતૃપ્ત થયા. જ્યારે જાગ્રત થયા ત્યારે સૌ સહેજે જ બોલી ઊઠ્યા કે 'ગુરુજી બહુ મોટા. એટલે જ્યાં સુધી આ અનુભવ ન થાય, ત્યાં સુધી બધું નકામું છે.'
સ્ત્રી-ધનના ત્યાગ સંબંધી પણ પ્રશ્ન તેમણે સ્વામીશ્રીને પૂછ્યો. જેના ઉત્તરથી તેમની ભ્રાંતિ ટળી ગઈ.
આ પછી સૌને વિશેષાનુભવ કરાવવો હોય તેમ સ્વામીશ્રીએ 'અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે...' એ કીર્તન પોતાની બ્રહ્મસહજ લાક્ષણિક શૈલીમાં ઉપાડ્યું અને એક પછી એક કડીઓ સમજાવવા લાગ્યા. શ્રી લક્ષ્મણ તેનો અંગ્રેજીમાં સુંદર ભાવાનુભાવ કરવા લાગ્યા.
તેમાં સૌના આશ્ચર્યની વાત તો એ બની કે સ્વામીશ્રી જે બોલે, તેમાં કોઈક વાત અનુવાદ કરવામાં લક્ષ્મણ ચૂકી જાય તો તરત સ્વામીશ્રી તેમને ટકોર કરીને કહે કે આ વાત રહી ગઈ, તે ફરીથી સૌને અંગ્રેજીમાં સમજાવો. ત્યારે ત્યાં બેઠેલા સૌને પ્રતીતિ થઈ કે બ્રાહ્મીસ્થિતિવાળા સત્પુરુષને ભાષાનું કોઈ આવરણ નથી. બધું જ હસ્તામલક છે, માત્ર લૌકિક રીતે અજ્ઞાન જેવું બતાવે છે.
સ્વામીશ્રીએ ચારેય પદ પોતાની બ્રાહ્મીસ્થિતિનું દર્શન કરાવવા અદ્ભુત રીતે ગાઈ સમજાવ્યા. ત્યાર પછી વિનુ ભગત તથા મને સ્વામીશ્રીએ અંગ્રેજીમાં બોલવા આજ્ઞા કરી. એમની પ્રેરણાથી સર્વે બોલ્યા.
સોનું જેમ અંદરથી ઓગળે તેમ ડૉ. અર્જુન તો સ્વામીશ્રીના સાંનિધ્યમાં અંદરથી ઓગળવા લાગ્યા હતા. તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તેમને કેટલીક અંગત વાત સ્વામીશ્રીને કરવી હતી તેથી તેઓ તથા લક્ષ્મણ સ્વામીશ્રી સાથે એકાંતમાં બેઠા. સ્વામીશ્રીએ અંતર્યામીપણે તેમના મનનું સમાધાન કરી ખૂબ આશીર્વાદ આપ્યા.
ડૉ. અર્જુન બહાર નીકળ્યા ત્યારે તો એકદમ ગળગળા થઈ ગયા હતા. સ્વામીશ્રીનાં ચરણોમાં પ્રણિપાત કરી તેઓ સહસા બોલી ગયા : 'અમે આપના અને ભગવાનના ઘણા જ ગુનેગાર છીએ. તમે એમાંથી અમને બચાવો અને અમને સન્માર્ગે જવાનું બળ આપો. મારાથી સિગારેટની આદત છૂટતી નથી. તે છૂટી જાય તેવા આશીર્વાદ આપો.'
આ પ્રકારની અંતર્વૃત્તિ અને આવો નિષ્કપટભાવ જ સાચા સત્પુરુષના સાંનિધ્યની પ્રતીતિ દર્શાવે છે.
લક્ષ્મણ રોજ કથામાં આવતા. પણ તેમણે હજુ સુધી વર્તમાન નહોતા લીધા. આજે લક્ષ્મણ અને ડૉ. અર્જુન બંનેએ સામે ચાલીને સ્વામીશ્રી પાસે વર્તમાન લીધા. આ બંને ભાઈઓએ કંઠી પહેરી તેથી આખા મ્વાન્ઝા ગામમાં સૌના હૃદયમાં છાપ પડી ગઈ કે 'યોગીજી મહારાજ ખરા ! મહારથીને પાડ્યા.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-14:
Redeemable and Irredeemable Sins
“… when one goes to a place of pilgrimage, one is freed of the sins one has committed elsewhere; but the sins committed at a place of pilgrimage are totally irredeemable – it is as if they are etched in iron.”
[Vartãl-14]