પ્રેરણા પરિમલ
યોગીબાપા ક્યાં?
નાનાં બાળકો પ્રત્યે પ્રેમ બતાવવાની યોગીજી મહારાજની રીત અનોખી હતી, દુનિયાદારીથી વિલક્ષણ હતી. આપણે બાળકોને રમાડીએ ત્યારે આપણું ભાન ભૂલી જઈએ છીએ. એનાં કોમળ અને રૂપાળા દેહ ઉપર વારી જઈએ છીએ. આપણો પ્રેમ પાર્થિવ છે.
યોગીબાપાએ કદી બાળકોને ખોળામાં લીધાં નથી કે નથી એનાં દેહ સામું જોયું. છતાં એમની નિર્મળ આંખોના એક વિશિષ્ટ ઈશારાથી, એમના કોમળ સ્પર્શથી આ બાળકોમાં ચેતનાનો સંચાર થયો છે અને બાપા અનેક બાળહૃદયમાં બિરાજી ગયા છે. મા-બાપની છાયામાં રહેતું બાળક, મા-બાપને સંભારે એ ચેષ્ટા સાહજિક છે. જ્યારે યોગીબાપાનાં તો દર્શન બાળકોને ક્યારેક જ સાંપડે. પણ 'યોગીબાપા' બોલતાં એમની જીભ સુકાય નહિ એ આશ્ચર્ય હજારો માતા-પિતાએ અનુભવ્યું છે. યોગીબાપાની છબી જુએ ને એકદમ પા પા પગલી માંડતા, એક આંગળી મોઢામાં ને એક આંગળી છબી સામે દેખાડતા બાળકનાં મોઢામાંથી શબ્દો સરી પડતા... 'બા...પા...બાપા !' એ બાળહૃદયમાં પૂરાઈ ગયેલા બાપા જ આ બોલી રહ્યા હતા. એમાં કોઈ ચમત્કાર ન હતો. અંતરના સાક્ષીનો એ પોકાર હતો.
સને ૧૯૬૮માં યોગીજી મહારાજ કોલકત્તા પધાર્યા હતા ત્યારે એમનું સ્વાસ્થ્ય બહુ સારું ન હતું, તેથી હરિભક્તોને ત્યાં પધરામણીનો કાર્યક્રમ બંધ હતો. કોલકત્તા સત્સંગ મંડળના એક અગ્રગણ્ય અને જૂના હરિભક્ત નવાગામના કાનજીભાઈ શેઠના ત્યાં પ્રમુખસ્વામી મહારાજ અને અન્ય સંતો પધરામણીએ પધાર્યા.
સંતો જેવા એમના મકાનમાં દાખલ થયા કે પાંચ-છ વર્ષનો એમનો ભાણો ભાવેશ 'યોગીબાપા ક્યાં ? યોગીબાપા ક્યાં ?' બોલવા લાગ્યો. યોગીબાપાને એણે જોયા નહિ, એટલે બાપા આવવાના હશે એમ ધારી તે નીચે ઊતરવા લાગ્યો. પણ જ્યારે એને ખાતરી થઈ કે યોગીબાપા નથી જ આવ્યા ત્યારે એનાં હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો, 'યોગીબાપા, કેમ ન આવ્યા ?' અને ચોધાર આંસુએ એણે આક્રંદ કર્યું. એ બેફામ રડ્યો. બધાંએ એને ખૂબ સમજાવ્યો, 'જો સંતો આવ્યા છે તું પૂજા કર, આરતી ઉતાર...' પણ તે દાદર ઉપરથી ખસ્યો જ નહિ, પથ્થર પણ પીગળી જાય એવા એ દૃશ્યથી સૌનાં હૃદય ધ્રૂજી ગયાં.
પછી તો એની પાસે સૌએ પૂજા કરાવી. પણ એનું રૂદન બંધ થયું નહિ. સંતોએ એને હાર પહેરાવ્યો, પ્રસાદી આપી, પણ એનું રડવાનું ચાલું જ રહ્યું. ડૂસકાં ખાતો જાય અને બોલતો જાય, 'બાપા કેમ ન આવ્યા ?' છેવટે સંતો ભાવેશને યોગીબાપા પાસે લઈ ગયા. અહીં બાપાએ એના માથે હાથ મૂકી, પ્રસાદી આપી ત્યારે જ એને કંઈક શાંતિ થઈ. બાપાએ આ બાળક ઉપર કેવું કામણ કર્યું હશે એ પ્રશ્ન સૌનાં દિલમાં જડાઈ ગયો.
Vachanamrut Gems
Gadhadã II-55:
I am always Cautious
“In addition, a thought also remains within My heart that I am the ãtmã, distinct from the body; I am not like this body. Also, My mind is always cautious, lest a portion of mãyã in the form of rajogun, tamogun, etc., infiltrate My ãtmã! In fact, I am constantly vigilant of that.”
[Gadhadã II-55]