પ્રેરણા પરિમલ
આપણે તો અક્ષરધામના...
આજે સ્વામીશ્રી લંડનથી વિદાય લઈને ન્યૂયોર્ક જવાના હતા. સામે બેઠેલા યુવા કાર્યકર નૈનેશ પટેલે સ્વામીશ્રીને કહ્યું: 'આંખ મીંચી ને જાણે કે વીસ દિવસ પસાર થઈ ગયા એવું થઈ ગયું, ખબર પણ ના પડી - આવું ચાલે !'
નૈનેશનો કહેવાનો ભાવ એવો હતો કે તમારે હજી પણ વધારે રોકાવું જોઈએ.
સ્વામીશ્રી કહે : 'ચાલે જ છે ને ભલા માણસ! ઇન્ડિયાથી અહીં આવ્યા એય આંખ મીંચીને આવી ગયા અને આંખ મીંચીશું અને અમેરિકા પહોંચી જઈશું.'
નૈનેશ કહે : 'તમે તો ગુણાતીત સ્વરૂપ છો. ધારો એટલાં સ્વરૂપ કરી શકો. એક સ્વરૂપ અહીં મૂકતા જાવ ને! લોર્ડ ધોળકિયાએ આપને કહ્યું એટલે તો હવે આપ અહીંના સીટીઝન છો. આ તમારું ઘર કહેવાય. તમારે હવે અહીંથી નીકળવું ના જોઈએ.'
સ્વામીશ્રી સહજ અનાસક્તિના સૂર સાથે કહે : 'ભલા માણસ ! અમે તો જ્યાં જઈએ ત્યાં ઘર જ છે.' પછી એનું વિશેષ વિવરણ કરતા કહે : 'અક્ષરધામ છે એ તો અધો-ઊર્ધ્વ પ્રમાણે રહિત છે, બરાબર ને ! જ્યાં જુઓ ત્યાં અક્ષરધામ છે, તો પછી બીજી વાત જ ક્યાં આવે ? ઝૂંપડાંમાં જઈએ કે મહેલમાં જઈએ, ગમે ત્યાં જઈએ, બધામાં અક્ષરધામ છે, એટલે સંકુચિતતામાં શું કામ પડવું ? આપણે તો ઇન્ટરનેશનલ થઈ ગયા. પછી તો લંડનના ય શું ને બીજાનાં ય શું ? આપણે તો અક્ષરધામના!'
સ્વામીશ્રી જાણે પોતાના દિવ્યત્વની વાત કૃપાએ કરીને કહી રહ્યા હતા.
નૈનેશ કહે : 'બાપા! અક્ષરધામનો અનુભવ એક વખત તો કરાવો.'
સ્વામીશ્રી કહે : 'અનુભવ કરવાની વાત ક્યાં રહી! પોતાને અક્ષરરૂપ મનાય એટલે ધામમાં જ બેઠા છીએ. પછી ક્યાંય આડુંઅવળું જોવાનું કે બીજો કોઈ સંકલ્પ ન રહે.'
સ્વામીશ્રી જાણે અત્યારે વિદાયની છેલ્લી શીખ રૂપે નખશિખ આધ્યાત્મિકતાની પાત્રતા લાવવા માટેની વાતો કરી રહ્યા હતા.
નૈનેશ કહે : 'અર્જુનને જેમ વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે એણે કહ્યું કે આપના જેવા છે એવાં દર્શન મને કરાવો, વિરાટ સ્વરૂપ જોવાની મારી તાકાત નથી. એમ અમારી પણ તાકાત નથી.'
સ્વામીશ્રી કહે : 'એમાં જ સુખ આવે. જો ઝળહળાટ બતાવીએ તો ઝળહળાટમાં તો પડે ગુલાંટ ખાઈને, અર્જુન જેમ થથરી ગયા એમ થાય. એટલે જ શ્રીજીમહારાજ મનુષ્યરૂપે આવે ત્યારે સુખ આવે છે. આપણી સાથે બેસે, ઊઠે, બોલે, ચાલે. યોગીજી મહારાજ એ રીતે કરતા તો આપણને સુખ આવતું. આપણા જેવા થઈને રહે તો આપણને સુવાણ થાય, બાકી પાંચ હજાર વૉટનો પાવર (પ્રકાશ) નીકળતો હોય તો શું સુખ આવે ? સામું જોવાય જ નહીં તો પાસે જવાય જ કેમ ?! જેમ નરસિંહ અવતાર ધર્યો તો પ્રહ્લાદ સિવાય કોણ એની પાસે જઈ શક્યું ? એમ ભગવાન અને સંત આપણા જેવા થાય છે ત્યારે જ આપણને સુખ આવે છે.'
સ્વામીશ્રી સમક્ષ થાળ પડ્યો હતો છતાં સ્વામીશ્રી અત્યારે કથા કરવામાં એટલા મશગુલ થઈ ગયા હતા કે પોતે શું ખાઈ રહ્યા હતા એનો એમને સહેજ પણ ખ્યાલ ન રહ્યો. ભગવદ્ કથાવાર્તામાં સ્વામીશ્રીની આ આસક્તિ સૌને સ્પર્શી ગઈ.
(તા. ૧૪-૫-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Kãriyãni-10:
The Worst Sinner
"There is no sinner worse than the person who does not realise God to be the all-doer…"
[Kãriyãni-10]