પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૩
બોચાસણ, તા. ૧૭-૭-૧૯૭૦
અટલાદરાથી નીકળી યોગીજી મહારાજ બોચાસણ પધાર્યા. અહીં ગુજરાતના હજારો હરિભક્તો દર્શને ઊમટ્યા હતા. સ્વાગતનો ઠાઠ ઘણો રહ્યો હતો. સૌનાં અંતરમાં પણ એવો જ ઉમળકો જાગ્યો હતો.
સ્વામીશ્રીએ માનવમેદનીને આશીર્વાદ આપતાં સહજભાવે કહ્યું, 'આ આપણું સન્માન નથી, શાસ્ત્રીજી મહારાજનું, શ્રીજીમહારાજનું સન્માન છે. અક્ષરપુરુષોત્તમનું સન્માન છે. આપણું સન્માન હોય નહીં. આપણે જાણીએ આપણું સન્માન, એમ ફુલાઈએ તો પડીએ. પણ આ તો સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમનું સન્માન છે. આપણે તો ઘરે આવ્યા તેમાં આવું કંઈ કરવું જોઈએ નહિ...'
હંમેશાં નાનપને આવકારતાં સ્વામીશ્રી મોટપના આવા પ્રસંગો પોતાના ઇષ્ટદેવ મહારાજના શિરે ઢોળી દેતા. એ જ એમની મોટપની ઓળખ હતી.
સન્માનસભા પૂરી થઈ, હજારો હરિભક્તોને દૃષ્ટિથી, સ્પર્શથી, અંતરથી મળીને સ્વામીશ્રી પોતાના ઉતારામાં પધાર્યા. તુરત પોતે જે મોટરોમાં આવેલા તેના ડ્રાઇવરોને યાદ કર્યા. તેમને બોલાવ્યા, મળ્યા, પ્રસાદી આપીને પૂછ્યું : 'જમ્યા ?'
'ઉતાવળ છે, જવું છે.'
'જમીને જ જવું પડશે. આડા સૂ'શું,' સ્વામીશ્રીએ આગ્રહ કરતાં કહ્યું, 'તમે જમીને જાવ તો અમારો આત્મા ઠરે. તમને સંભારણું રહે.' એમ ખૂબ આગ્રહ કરી સ્વામીશ્રીએ ડ્રાઇવરોને જમાડીને જ મોકલ્યા. ડ્રાઇવરો સાથેનો સ્વામીશ્રીનો ભાવયુક્ત આ વાર્તાલાપ સાંભળીને ત્યાં ઊભેલા બીજા પણ સર્વે એમના સ્નેહપાશમાં ખેંચાવા લાગ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-56:
Pleasing God
"…Therefore, devotees of God should not harbour any form of vanity whatsoever. That is the only means to please God…"
[Gadhadã I-56]