પ્રેરણા પરિમલ
કોનો વાંક?
'સ્વામીશ્રી હજુ કેમ ન આવ્યા?'
સૌ અટકળો કરી રહ્યા હતા. કેટલાક આકુળવ્યાકુળ થતા હતા. સેંકડો હરિભક્તોનો સમુદાય તથા બી.બી.સી.ના રિપોર્ટરો સ્વામીશ્રીની પ્રતીક્ષા કરીને થાક્યા હતા. ઘણો જ સમય વ્યતીત થઈ ગયો તેથી બી.બી.સી.ના રિપોર્ટરોની ધીરજ ખૂટી ને તેઓ ચાલ્યા પણ ગયા.
આખરે, ઇંગ્લૅન્ડના એપિંગ ફોરેસ્ટમાં યોજાયેલા સત્સંગીઓના એ વન મહોત્સવમાં ઘણું મોડેથી સ્વામીશ્રી પધાર્યા ખરા, પણ તરત જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. એક વૃક્ષ નીચે બાંધેલા હિંડોળા પર સ્વામીશ્રી બિરાજ્યા. એવામાં વરસાદ ધોધમાર તૂટી પડ્યો. સભા વિખરાઈ ગઈ. બધા જ સત્સંગીઓનો પર્યટન કરવાનો ઉત્સાહ ભાંગી પડ્યો. સૌને લાગ્યું કે આખી સવાર સ્વામીશ્રીનો લાભ મળે તેમ હતું, પરંતુ કેટલાક મોવડીઓ સ્વામીશ્રીને પધરામણીએ લઈ ગયા, તેથી બધો જ લાભ ગુમાવ્યો છે.
કેટલાક લોકો આ મોવડીઓ માટે જેમ તેમ બોલવા લાગ્યા કે 'તેમણે ધ્યાન રાખવું જોઈએ. આવો કાર્યક્રમ હોય ત્યારે સ્વામીશ્રીની પધરામણી રખાય જ નહીં... માંડ માંડ બી.બી.સી.વાળા આવેલા, તે પણ જતા રહ્યા... કોઈને સ્વામીશ્રીની પડી નથી...'.
આ વાતો સાંજે સ્વામીશ્રીના કાને આવી.
બીજે દિવસે સવારે પ્રાતઃપૂજા બાદ નિત્યસત્સંગ યોજાયો.
કથા થઈ રહી ને સ્વામીશ્રીને માઈક ધર્યું.
સ્વામીશ્રીએ શરૂઆત જ આવી રીતે કરીઃ 'પ્રથમ તો એ વાત કરવાની કે ગઈકાલે જે બન્યું તેમાં વાંક મારો જ છે! અમે જ પધરામણી ગોઠવેલી ને અમારાથી જ બહુ મોડું થયું હતું. એમાં બીજા કોઈનો કોઈ વાંક નથી. માટે મને માફ કરજો...'
સ્વામીશ્રી એટલા ભાવપૂર્વક બોલતા હતા કે હરિભક્તોનાં હૈયાં વીંધાઈ ગયાં. જે આવેશમાં આવીને બોલનારા હતા તેમને અંતર્દૃષ્ટિ થઈ. કેટલાય હરિભક્તોની આંખમાં પશ્ચાત્તાપનાં આંસુ હતાં. સભામાં સન્નાટો છવાઈ ગયો. અને પધરામણી કરાવનાર એ મોવડીઓને પણ ભૂલ સમજાઈ કે આપણો વાંક સ્વામીશ્રીએ ઓઢી લીધો છે!
હવે ચર્ચાનો વિષય બદલાઈ ગયો.
કોનો વાંક? એ વિષયને બદલે, અન્યનો વાંક પોતાને માથે ઓઢી લેનારા ગુણાતીત સત્પુરુષ બીજે ક્યાં મળે? આ વિષય સૌની ચર્ચામાં હતો!
Vachanamrut Gems
Kãriyãni-9:
Not Developing a Grudge Towards a Devotee
"Therefore, one who understands the greatness of a devotee of God in this way will never develop a grudge due to a person's flaws. Moreover, one who understands such greatness never takes into account even minor drawbacks that are present in a devotee of the manifest form of one's own Ishtadev…"
[Kãriyãni-9]