પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-9-2017, રોબિન્સવિલ
સ્વામીશ્રી ચાલી રહેલા શિબિરસત્રમાં પધાર્યા, જેમાં સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી શરૂ થઈ.
પ્રશ્નઃ આપે પ્રમુખસ્વામી મહારાજ માટે લખ્યું છે - ‘અસલી સાધુ.’ પ્રમુખસ્વામી મહારાજમાં આપને એવું તો શું દેખાયું કે આપે ‘અસલી સાધુ’ લખ્યું ?
સ્વામીશ્રી કહે : ‘પ્રમુખસ્વામી મહારાજને પહેલી વાર મળવાનું થયું તે વખતે વચનામૃત, સ્વામીની વાતો વાંચેલાં નહીં, પણ અંતર કબૂલ્યું કે આ અસલી સાધુ છે. એમના હાવભાવ, ચપળતા, નિર્દોષતા એવાં કે એકદમ ફીલ (અનુભવ) થાય કે આ અસલી સાધુ છે.’
પ્રશ્ન : સવારે કથામાં આપે કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજને જે આપવું છે તે આપણે લેતા નથી. તો તેઓને આપણને શું આપવું છે ?
સ્વામીશ્રી કહે : ‘અક્ષરધામ જ આપવું છે, બીજું કાંઈ નહીં. તેઓ જે કાંઈ કરે છે, કરાવે છે તે એના માટે. આપણને લાગે કે સ્વામીએ મકાન માટે આશીર્વાદ આપ્યા પણ એના માટે નહીં, પણ અક્ષરધામના મકાન માટે આશીર્વાદ આપ્યા. બળદ ભેગી બગાઈ આવે તેમ.’
પ્રશ્ન : આપે કહ્યું તેમ, સ્વામીબાપા આપની મર્યાદા જાળવતા. તો તેમાં તેમના પ્રેમની અનુભૂતિ કેવી રીતે મળતી ?
સ્વામીશ્રી કહે : ‘મને પરમ શાંતિ રહેતી. સ્થિરતા રહેતી.’ પછી સ્વામીબાપાની સ્મૃતિ કરતાં કહે : ‘તેઓ બધાના માથે હાથ મૂકે ને હું આવું તો ન મૂકે.’
પ્રશ્ન : આપને ગુરુપદે સ્થાપ્યા ત્યારે શો વિચાર આવ્યો હતો ?
સ્વામીશ્રી કહે : ‘જે એમને (મહારાજ-સ્વામીને) કરવું છે તે કરશે.’
છેલ્લે વિવેકમૂર્તિદાસ સ્વામીએ પ્રાર્થના કરતાં કહ્યું : ‘અમારાથી માગવામાં કંઈક ઓછું થાય, પણ આપ સ્વીકારીને અમને અક્ષરધામમાં લઈ જજો.’
સ્વામીશ્રી કહે : ‘શ્રીજીમહારાજનો કોલ છે. આપણને અક્ષરધામમાં લઈ જવા જ આવ્યા છે.’
આ છેલ્લું વાક્ય ઘણું બધું કહી જાય છે.