પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮
ગોંડલ, તા. ૩૦-૩-'૫૯
આજે ગોંડલથી નીકળી યોગીજી મહારાજને અડવાળ પહોંચવાનું હતું. તે પહેલાં બપોરે બોટાદ પાસે ઊંચડીમાં બાપુને ત્યાં જમવાનું હતું. તેથી સવારે ૭ વાગે અમારે નીકળવાનું નક્કી થયું. પણ દેવચડીના એક હરિભક્ત કડવા બાપા ધામમાં ગયેલા તેમની પાછળ ગોંડલ મંદિરમાં રસોઈ હતી, તેથી દેવચડીના હરિભક્તોએ ખૂબ આગ્રહ કરીને યોગીજી મહારાજને રસોઈ જમવા રોક્યા. ગાડીએ જનાર બીજા સૌ હરિભક્તોને જમાડીને તથા પોતે પણ થોડો ઘણો પ્રસાદ લઈને, સ્વામીશ્રી માંડ માંડ તૈયાર થઈ શક્યા અને ૯-૩૦ વાગે અમે ગોંડલથી નીકળ્યા.
દરેડ બાપુની મોટર હતી. શાસ્ત્રીજી મહારાજ પણ એ મોટરમાં બેઠેલા એવી પ્રસાદીની મોટર. અમે ગોંડલથી આટકોટને રસ્તે નીકળ્યા. રસ્તામાં બાપુ કહે : 'આપણે ઢસા થઈને જઈએ. આપણને સડક સારી મળશે.'
'ના, આપણે આટકોટ, જસદણ અને વીંછિયા થઈને જવું છે.' યોગીજી મહારાજે પહેલી જ વાર કદાચ પોતાનો મત આ પ્રમાણે કહ્યો હશે.
'મેં રસ્તો નથી જોયો,' બાપુએ કહ્યું.
'હું બતાવીશ,' યોગીજી મહારાજે દૃઢતાપૂર્વક કહ્યું.
અને અમારી મુસાફરી આગળ શરૂ થઈ. આટકોટથી ઢસાનો રસ્તો છોડી અમે જસદણને રસ્તે ચાલ્યા. ગોંડલથી સંતોએ ઠાકોરજીને ધરાવેલી શેરડી બાંધી આપેલી, તે યોગીજી મહારાજ થોડી જમ્યા. બાપુ મોટર હાંકતા હતા, પણ યોગીજી મહારાજે એમને પણ થોડી શેરડી જમાડી ને ખૂબ હેત કર્યું. એટલી વારમાં જસદણ આવી ગયું. જસદણ ગામની બહાર જ્યાં અમે નીકળ્યા ત્યાં નદી કાંઠે પેટ્રોલ સ્ટેશન પાસે જ મોટરના ટાયરમાં પંકચર પડ્યું, ત્યારે લગભગ ૧૧-૩૦ થયા હશે. ટાયર વ્હિલ સાથે ચોંટી ગયેલું તે નીકળે જ નહિ. ખૂબ મહેનત કરી તેના ઉપર ઊભા રહી બધા કૂદકા મારવા લાગ્યા તોય છૂટું પડે નહિ એકવાર તો યોગીજી મહારાજે પણ પોતાના એક પગથી ટાયરને ઠપકાર્યું હતું. લગભગ ૧૨-૩૦ વાગે પંકચર સમું થયું.
તે દરમિયાન યોગીજી મહારાજ તો બાજુમાં લીંબડા નીચે બિસ્તરો બિછાવી આપ્યો હતો ત્યાં બેઠા. જોડિયા સંત પ્રેમપ્રકાશ સ્વામી તથા હું તેમના પગ દાબતા બાજુમાં બેઠા. દરમિયાન યોગીજી મહારાજે પેટ્રોલ સ્ટેશનના માલિક સાથે ઓળખાણ કાઢી તેમને ખૂબ આશીર્વાદ આપ્યા.
પંકચર સમું થયું એટલે અમારી મુસાફરી આગળ શરૂ થઈ. લઘુ કરી આવી મોટરમાં બેસતાં યોગીજી મહારાજે બાપુને પૂછ્યું : 'મોટરને શું થયું ?'
'ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી.'
'આપણી હવા નીકળશે ત્યારે આપણે પણ બેસી જવું પડશે !' ખૂબ સહજતાથી ઉચ્ચારાયેલા યોગીજી મહારાજના આ શબ્દો સાંભળી સૌ ખડખડાટ હસી પડ્યા.
કથા-કીર્તન સાથે એકાદ કલાક અમારી મુસાફરી ચાલી ત્યાં જસદણથી બોટાદ જતાં રસ્તામાં અમરાપુર ગામથી થોડે દૂર બીજા ટાયરને પંકચર પડ્યું. અહીં વેરાન જેવું હતું. બીજા એક-બે જણની મદદથી બાપુ ટાયર બદલાવી રહ્યા હતા. યોગીજી મહારાજ મોટરની બહાર નીકળી આગળ રસ્તા ઉપર આવ્યા. અહીં રસ્તાની બે બાજુ ઝાડ હતાં. તેમાં ૧૪૮૮ નંબરના (સરકારી નંબર) એક પીપરના ઝાડ નીચે યોગીજી મહારાજ આવ્યા. એટલે પ્રેમપ્રકાશ સ્વામીએ ત્યાં બિસ્તરો બિછાવી દીધો અને યોગીજી મહારાજ ત્યાં બિરાજ્યા. અમે સૌ બાજુમાં બેઠા હતા. યોગીજી મહારાજે પ્રેમપ્રકાશ સ્વામી પાસે ચણા મંગાવ્યા અને ધીરે ધીરે પોતે જમતા હતા. અમને સૌને પણ પ્રસાદી આપી.
બપોરે લગભગ બે વાગ્યા હશે. ધોમ તડકો માથે તપતો હતો. હજુ તો ઊંચડી પહોંચવાનું હતું. અને ત્યાં જઈને જમવાનું હતું. પણ એ બધા સંકલ્પો તો આપણને સતાવ્યા કરે. જ્યારે યોગીજી મહારાજ તો નિશ્ચલ મને, પ્રસન્ન ચિત્તે બેઠા હતા. મોઢામાં ચણા મમળાવતા હતા.
તેવામાં યોગીજી મહારાજ કહે : 'કંઈ પ્રશ્ન પૂછવો છે ?'
મેં નિશ્ચય સંબંધી પ્રશ્ન પૂછ્યો.
એટલે યોગીજી મહારાજ કહે, 'જોવાનું, દેખવાનું, સાંભળવાનું આ બધું સંતને વિષે જ છે. આંબાનાં પાન ખરી જાય પણ આંબાનો નિશ્ચય જતો નથી. તેમ સત્પુરુષનો નિશ્ચય જવો ન જોઈએ.' એમ નિશ્ચય સંબંધી સચોટ વાર્તા કરી અને કહે : 'આ ઝાડે બહુ તપ કર્યું હશે તેથી બેસવાનું થયું, સંસ્કાર લાગ્યા.'
એટલીવારમાં નવું ટાયર ચડાવી દીધું. મોટર પાછી હોંકારા કરતી તૈયાર થઈ ગઈ અને અમે આગળ ચાલ્યા. લગભગ ૩-૩૦ વાગે બોટાદ આવી પહોંચ્યા. યોગીજી મહારાજને આ બધી તકલીફ વેઠવી પડી એટલે દુઃખ વ્યક્ત કરતાં બાપુ કહે : 'અમે તો રીઢા થઈ ગયા, પણ આપણે દુઃખ બહુ પડ્યું.'
'એમાં શું, સાધુ પણ પાકા થયા,' એમ કહી યોગીજી મહારાજે એમને બાજુમાં બેઠાં બેઠાં જ થાબડ્યા અને એમની લાગણી હળવી કરી. સ્વામીશ્રી બાપુની બાજુમાં જ બેઠા હતા.
બોટાદ ગામમાં દાખલ થતાં જ છગનભાઈના કારખાના આગળ મોટર ઊભી રાખી. શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળા જૂના હરિભક્ત છગનભાઈ તો સ્વામીશ્રીની મોટર જોઈને જ ગાંડા ગાંડા થઈ ગયા. આખું કુટુંબ રાજીના રેડ થઈ ગયું. બધા આમથી તેમ દોડવા લાગ્યા.
એમાં બન્યું'તું એવું કે ઘરમાં નાનકડો દીકરો ભઠ્ઠીમાં પડી જતાં સખત દાઝી ગયો હતો. બધા ખૂબ ગમગીન થઈ છોકરાની ચાકરી કરતા હતા. સૌ બાપાને પ્રાર્થના કરતા હતા. ત્યાં સાક્ષાત્ બાપા પધાર્યા. પછી કોનું હૈયું હાથ રહે ? સૌનું દુઃખ હળવું થયું, 'બાપા આશીર્વાદ આપશે એટલે છોકરાને જલદી સારું થઈ જશે.' હર્ષ-આનંદમાં સૌએ બાપાને પ્રાર્થના કરી, પધરામણી કરાવી, પૂજા-આરતી કર્યા ને હર્ષનાં આંસુએ બાપાને વધાવ્યા.
યોગીજી મહારાજે ધૂન કરી. આશીર્વાદ આપ્યા. સૌને સાંતવન આપ્યું. મોટર આગળ ચાલે એમ ન હતું તેથી અહીંથી ટેકસી ભાડે કરી નીકળ્યા તે લગભગ પાંચ વાગે ઊંચડી ગામે પહોંચ્યા.
અહીં તો બધા ચાતકની જેમ લગભગ સવારના ૧૧ વાગ્યાથી રાહ જોઈ રહ્યા હતા. રસોઈ પણ એકદમ ઠરી ગઈ હતી. દરબારમાં બાસાહેબના આદેશ મુજબ બધા જ કુમારો ખડે પગે સેવામાં હતા. થાળ ધરાવી સ્વામીશ્રી અને સૌ જમ્યા. કુમારોએ યોગીજી મહારાજનું પૂજન કર્યું, રૂડા આશીર્વાદ મેળવ્યા. બાસાહેબના બધાં મનોરથો અંતર્યામીપણે સ્વામીશ્રીએ પૂરા કર્યા અને આ સત્સંગી કુટુંબને સ્વામીશ્રીએ ધન્ય ધન્ય કરી દીધું.
અહીંથી પરવારીને નીકળ્યા. ત્યાં રસ્તામાં એક જગ્યાએ મોટર ખૂંચી તે માંડ કાઢીને આગળ ચાલ્યા તે લગભગ રાત્રે ૯.૦૦ વાગે અડવાળ પહોંચ્યા. સામૈયું થયું. સ્વામીશ્રીને આખા દિવસના થાક્યા-પાક્યા જાણીને હરિભક્તોએ તેમને આરામ લેવા વિનંતી કરી. પણ સ્વામીશ્રી તો બધા દરબારોને રાજીખુશીથી મળ્યા ને લગભગ રાત્રે ૧૧.૦૦ સુધી કથાનો લાભ સૌને આપ્યો. અને ૧૧.૩૦ વાગે આરામમાં પધાર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-16:
Engaging in Faithful Bhakti
“… Therefore, one should not knowingly engage in bhakti that would cause one to be disgraced. Instead, a devotee of God should thoughtfully engage in faithful bhakti – like that of a faithful wife.”
[Gadhadã III-16]