પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-2-2010, વડોદરા
આજે સ્વામીશ્રીના ભોજન દરમ્યાન ઝોળી ઉત્સવની વાત નીકળી. વિવેકસાગર સ્વામી કહે : ‘હું ઘણી વખત પ્રવચનમાં કહું છું કે શાસ્ત્રીજી મહારાજે ઝોળી માગીને મંદિરો કર્યાં એવી ઝોળીના છેલ્લા સાક્ષી એક પ્રમુખસ્વામી મહારાજ છે. બીજા બધા અત્યારે ઝોળી માગે છે, પણ એ વખતની જે પરિસ્થિતિ હતી અને જરૂરત હતી, એ સંદર્ભમાં અત્યારની ઝોળી તો ફક્ત માગવા પૂરતી માગીએ એવી છે.’
સ્વામીશ્રી કહે : ‘અમારે દર 15 દિવસે માગવા જવાનું થતું, અને અમારે તો મુઠ્ઠી મુઠ્ઠી દાળ અને ચોખા આવે.’ આટલું કહીને સામે બેઠેલા ગુણસાગર સ્વામીને હસતાં હસતાં કહે : ‘તમારે તો એય અમેરિકા ને લંડન બધે વિચરણ કરવાનું.’
ગુણસાગર સ્વામી કહે : ‘એ બધું આપના પ્રતાપે જ છે ને ! અત્યારે પણ જે કાંઈ આવે છે એ આપના નામે આવે છે. બાકી અમને તો કોણ પૂછે ? આપના નામે દાન માગીએ ને લોકો આપે છે.’
સ્વામીશ્રી કહે : ‘અમે માગીએ કે તમે માગો અને અહીં માગે કે ત્યાં માગે, બધું ભગવાન જ આપે છે. શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજનો પ્રતાપ છે એટલે એમના નામે આવે છે, બાકી આપણા નામે ક્યાં કંઈ આવે એમ છે ?’ સ્વામીશ્રીએ બધો યશ પોતાના ગુરુઓનાં ચરણે ધરી દીધો.
વિવેકસાગર સ્વામી કહે : ‘દિલ્હી અક્ષરધામની વાત કરીએ તો એ તો એક આપના પ્રતાપે જ થયું છે.’
સ્વામીશ્રી કહે : ‘દિલ્હીનું તો ચમત્કાર જ લાગે. અક્ષરધામ કઈ રીતે થઈ ગયું એ જ ખબર પડતી નથી ! હરિભક્તોનું દાન એની જાતે આવી જાય, માલસામાન આવી જાય, પથ્થર ખાણમાંથી નીકળે અને એની ચેઇન થઈ જાય - ઘડાઈ પણ જાય. ભરાઈ પણ જાય, ત્યાં આવે એટલે ચોટકકામ પણ થઈ જાય. ખબર જ ન પડી કઈ રીતે થયું !’ સ્વામીશ્રી સાવ અજાણ્યા બનીને આશ્ચર્યવત્ કહી રહ્યા હતા.
એક સંતે કહ્યું : ‘પરંતુ દાન લાવનાર એક આપ જ હતા.’
સ્વામીશ્રી કહે : ‘આપ નહીં, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ હતા. એમનો પ્રતાપ. યોગી-બાપાનો સંકલ્પ એવો બળિયો કે પૈસા એની જાતે આવી જતા હતા. કામ પણ એવું ગોઠવાઈ ગયેલું કે બધું એની જાતે થયા કરે અને થોડા સમયમાં થયું એ પણ એમનો પ્રતાપ.’
વિવેકસાગર સ્વામી કહે : “આપ કામ ગોઠવાઈ ગયું એવી વાત કરો છો, પણ મૂળમાં આપ જ ન હોત તો ક્યાંથી ગોઠવાત ? આ તો દેવા ભગત જેવી વાત. દેવા ભગત એક વખત પ્લાન લઈને આવ્યા અને કહે, ‘આ એક ચક્કરથી બીજું ચક્કર ચાલે અને બીજાથી ત્રીજું ચાલે અને ત્રીજાથી ચોથું ચાલે અને એ રીતે વીજળી ઊભી થાય.’ ત્યારે મેં કહ્યું, ‘એ તો બરાબર કે ચોથાથી ત્રીજું ચાલે ને ત્રીજાથી બીજું ચાલે, પણ પહેલું ચક્કર ક્યાંથી ચાલે ? કઈ રીતે ચાલે ?’ તો દેવા ભગત કહે, ‘એ તો હાલે.’ એમ આપ કહો છો કે પથ્થર એની જાતે આવી જતા અને બધું જાતે ગોઠવાઈ જતું, પણ આપ ન હોત તો બીજાં ચક્કર ક્યાંથી ચાલવાનાં હતાં ?”
સ્વામીશ્રી કહે : ‘એ બધું શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો પ્રતાપ છે.’
સ્વામીશ્રીએ આવા ભવ્ય કાર્યનો યશ પોતાના મસ્તકે ન લીધો, તે ન જ લીધો. ગુરુચરણે ધરી દીધો - સહજતાથી.
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Someone may ask, 'What is antardrashti?' The answer is: To direct one's vrutti towards either the internal or the external form of God is itself 'antardrashti'…"
[Gadhadã II-8]