પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
અટલાદરા (વડોદરા) જવા માટે સ્વામીશ્રી ગાડીમાં વિરાજ્યા. બહાર પ્રયાસવીનભાઈ વગેરે ઊભા હતા. એમના કર્મચારીઓ પણ ઊભા હતા. વિદાય વખતનું દૃશ્ય લાગણીસભર હતું. ચારે બાજુ સૌ દર્શન માટે ઊમટ્યા હતા. ગાડીમાં વિરાજીને સ્વામીશ્રીએ પ્રયાસવીનભાઈને નજીક બોલાવ્યા. ગાડીની બારીના કાચ આગળ તેઓ આવ્યા. સ્વામીશ્રીને એવા સમાચાર મળ્યા હતા કે પૂજામાં લાભ લેવા આવતા ભાવિકો ખોટી રીતે પાર્કિંગ કરીને લાભ લેવા આવી જતા હતા. એ વિભાગનો ચોકીદાર ગમે એટલું કહે પણ કોઈ સાંભળતું ન હતું, પરિણામે એક વખત રિસોર્ટના સંચાલક ત્યાંથી નીકળ્યા અને જોયું કે ગાડીઓ ખોટી જગ્યાએ પાર્ક થયેલી છે, એટલે ચોકીદારને બોલાવીને કહ્યું કે ‘તું ધ્યાન કેમ નથી રાખતો ?’ અને ચોકીદારે કહ્યું કે ‘સાહેબ ! હું તો ઘણું કહું છું, પણ ભાવિકો માનતા નથી.’ આ વાત સાંભળીને શિસ્તનો આગ્રહ હોવાથી સંચાલકે ચોકીદારને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું. સ્વામીશ્રીએ અત્યારે એ સંદર્ભ સાથે ધીમે રહીને માલિક પ્રયાસવીનભાઈને કહ્યું કે ‘હરિભક્તોની ભૂલ હતી, એટલે પેલા ચોકીદારને જો શક્ય હોય તો પાછો લઈ લેજો.’
પ્રયાસવીનભાઈની કલ્પનામાં પણ આ વાત હતી નહીં. તેઓ તરત જ કહે : ‘એ તો હું લઈ જ લઈશ.’
સ્વામીશ્રીની આવી વિનમ્રતા અને નેતૃત્વની મહાનતા તેઓના અંતરમાં સ્પર્શી ગઈ. સ્વામીશ્રી જેટલી અગત્યતા રિસોર્ટના માલિક પ્રયાસવીનભાઈને આપે છે એટલી જ કાળજી તેઓના રિસોર્ટમાં કામ કરતા એક સામાન્ય ચોકીદાર માટે પણ રાખે છે, એ વાત સૌનાં અંતરમાં સ્પર્શી ગઈ. સૌને નેતૃત્વની નવી રીત શીખવા મળી.
Vachanamrut Gems
Panchãlã-7:
Offering Bhakti to the Form One has Seen
"… Furthermore, one should meditate on, worship, and offer bhakti only to the form that one has seen…"
[Panchãlã-7]