પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીના શૂરા સૈનિકો
૮-૩૦ વાગે સ્વામીશ્રી અલ્પાહાર કરવા બિરાજ્યા. સામે કેટલાક કિશોરો બેઠા હતા. આજે તેઓ કાંઈક શુભ સંકલ્પ કરીને આવ્યા હતા.
દરેક કિશોર ઊભો થઈને પ્રથમ પોતાનો સંકલ્પ જણાવી સ્વામીશ્રીનેપ્રાર્થના કરે અથવા નિયમ પ્રહણ કરે, ત્યાર બાદ તે પોતાની બાજુમાં બેઠેલા કિશોરનો પરિચય આપે, એ રીતે એક પછી એક કિશોરો ઊભા થતા ગયા. સ્વામીશ્રી પણ અલ્પાહાર કરતાં એમની વાત સાંભળવામાં વધુ રસ દાખવતા હતા. અહીંના વાતાવરણમાં પાળવા કઠણ પડે એવા નિયમો આ કિશોરો હોંશે હોંશે લેતા હતા. જેવા કે ટીવી-સિનેમા ન જોવું, તિલક-ચાંદલો કરીને યુનિવર્સિટીમાં જવું, યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેવા છતાં નિત્યપૂજા નિયમિત કરવી, બહારનું ન ખાવું વગેરે નિયમો આ કિશોરોએ દૃઢતાપૂર્વક લીધા ! એટલું જ નહીં કેટલાક સત્સંગમાં વધુ ઊંડા ઊતરેલા શૂરવીર કિશોરો તો તેથી પણ આગળ વધ્યા - એક કિશોર કહે : 'બાપા ! આપનેપ્રાર્થના કે મારામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વધે.'
સ્વામીશ્રી કહે : 'વાહ, સર્વોપરી વાત કરી!'
બીજો કિશોર કહે : 'બાપા ! ગઇકાલે આપે મા-બાપને પગે લાગવાની આજ્ઞા કરી પણ હવે હું યુનિવર્સિટીમાં ભણવા જવાનો છુ એટલે માતાપિતાનો ફોટો સાથે લઈ જઇશ. એને નિત્ય પંચાંગપ્રણામ કરીશ.'
એક કિશોર કહેઃ 'બાપા હું નિયમિત સત્સંગનાં પુસ્તકોનું વાંચન કરીશ.'
'બાપા! જગતનું સુખ તો માયિક છે, એનાથી દૂર રાખજો ને આપને વિશેપ્રીતિ કરાવજો.' એવી પણ એક કિશોરેપ્રાર્થના કરી.
સ્વામીશ્રીએ આ કિશોરોની હૃદયભાવનાઓ ઝીલતાં, તેઓપ્રસન્નતાની દૃષ્ટિ કરી કહ્યું : 'નિયમો સારધાર પાળવા. શૂરવીર થવું. યોગીબાપા મળ્યા છે તે જીવમાંથી જગત કાઢી નાખશે. ભગવાનમાંપ્રીતિ કરાવી દેશે. આપણે પાછો પગ ન ભરવો.' (તા. ૨૮-૭-૨૦૦૦, એડીસન, યુ.એસ.એ.)