પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-12-2016, ધુલિયા
આજે બપોરે ભોજન દરમ્યાન સ્વામીશ્રીના મુંબઈના નિવાસની સ્મૃતિઓનો પ્રવાહ શરૂ થયેલો.
એ સ્મૃતિઓના પ્રત્યક્ષ સાક્ષી ધર્મસુતદાસ સ્વામીએ કહ્યું કે ‘મહંત સ્વામી મહારાજ ગાદલાં-ગોદડાંવાળી રૂમમાં રહેતા. એમાં જ સંતકોઠાર તથા સગડા, કોલસા, ગુણપાટ વગેરે બધું પડ્યું હોય. પાછળ ઘંટી અને પંપ તો ચાલુ જ હોય ! તેમાં સ્વામીશ્રી ઍલ્યુમિનિયમની ખુરશી પર રજાઈ નાખીને બેસતા. ગાદલાંની થપ્પી પર સૂઈ રહેતા. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો એવો હતો કે એકથી બીજી (વ્યક્તિ) આવી ન શકે.’
‘તો તે થપ્પી પર આપ ચઢતાં કેવી રીતે ?’ સંતોએ સ્વામીશ્રીને જ પૂછ્યું.
‘ગાદલાં વચ્ચે પગ નાખીને ઉપર...’ સ્વામીશ્રીએ જણાવ્યું.
આ સમયે આત્મસ્વરૂપદાસ સ્વામીએ ટાપશી પૂરી કે ‘સ્વામીશ્રીનું જે ગાદલું પાથર્યું હોય તેનો ઘણા ઓશીકા તરીકે ઉપયોગ કરતા.’
આ સાંભળી સ્વામીશ્રીએ સ્મિતપૂર્વક સંમતિ આપતાં કહ્યું કે ‘બધા.’ પછી હાથની મુદ્રા દ્વારા સમજાવતાં બોલ્યા કે ‘સૂર્યનાં કિરણ હોય તેમ(બધા ગોઠવાઈ જતા)...’
આમ ચાલી રહેલો આ સાહજિક વાર્તાલાપ તત્કાલીન રવિસભાની વાત તરફ વળ્યો. તેમાં સ્વામીશ્રીને એક પ્રસંગ સાંભરી આવ્યો. તેથી તેઓ મંદ સ્મિત કરતાં બોલ્યા : “એક વાર મને તાવ આવેલો. તેથી રવિસભામાં નહીં ગયેલો. રૂમમાં જ સૂતો હતો. તો સભા પછી એક પછી એક 200 જણા એ ગલીમાં મળવા આવ્યા. મને થયું : ‘આના કરતાં એક વાર સભામાં જઈ આવ્યો હોત તો સારું થાત !”
ત્યારબાદ સંતોએ તે સમયની બેઠક-વ્યવસ્થાનું ચિત્ર રજૂ કરતાં કહ્યું : ‘આપના માટે ગાદી અને તકિયો મુકાતાં. કોઠારીબાપા માટે ગાદી અને બાકી બીજા બધા માટે શેતરંજી પથરાતી.’ આટલું કહી ઉમેર્યું કે ‘આપને તકિયો ન હોય તો યોગીબાપા પૂછે કે ‘મહંત સ્વામીને તકિયો કેમ નથી ?’
આ સાંભળી સ્વામીશ્રી નિખાલસતાથી હસીને બોલ્યા : ‘મને તો હજુ લાગ્યું નથી કે હું મહંત છું.’
‘આપે અમનેય લાગવા દીધું નથી !’ આદર્શજીવનદાસ સ્વામીએ કહ્યું.
ત્યારે સ્વામીશ્રી બોલ્યા : ‘એમાં (છતરાયા થવામાં) મજા ન આવે. બધા ભેગા ભળી જઈએ તો મજા આવે.’ પછી ઉચ્ચાર્યું : ‘પહેલેથી જ સત્પુરુષમાં દૃઢ પ્રીતિ, બીજી વાત જ નહીં.’
આમ, વાતોમાં વળાંકો ઘણા આવતા રહ્યા પણ તે આનંદદાયક અને વિશેષ તો સ્મૃતિદાયક બની રહ્યા. તેના શબ્દે-શબ્દે સ્વામીશ્રીની પ્રતિભાનો પણ ઉઘાડ થતો રહ્યો.
Vachanamrut Gems
Kãriyãni-10:
The Worst Sinner
"There is no sinner worse than the person who does not realise God to be the all-doer…"
[Kãriyãni-10]