પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સવારથી સ્વામીશ્રી સંસ્થાના એક કાર્ય માટે સતત મિટિંગમાં વ્યસ્ત હતા. સાંજે પણ એ જ રીતે સ્વામીશ્રીએ મિટિંગો કરી હતી. સાંજના ભ્રમણનો સમય થતાં સેવકો આવી ગયા. એટલે જાણે કે બધું જ પૂરું થયું હોય એટલી સહજતાથી આગળની મિટિંગોમાંથી વેગળા થઈને સ્વામીશ્રી ઊભા થયા. નવા આવનાર કોઈને ખબર પણ ન પડે કે આગળ કોઈ મિટિંગ પૂરી થઈ છે.
આ સંદર્ભમાં બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આટલી પ્રવૃત્તિમાં તરત જ છૂટા કઈ રીતે પડી જાઓ છો ?’
સ્વામીશ્રી કહે : ‘શ્રીજીમહારાજનું કામ છે, કર્તા-હર્તા એ છે, પછી આપણે માથાકૂટ શું કરવી ?’
પછી કહે : ‘માથાકૂટ કરીએ ને કરવી પણ પડે, પણ આપણા મનમાં હાયવોય ન હોય, થાય તોય ભગવાનની ઇચ્છા અને ન થાય તોય ભગવાનની ઇચ્છા.’
સિદ્ધાર્થભાઈ (વડોદરા) કહે : ‘આપનામાં શ્રીજીમહારાજ સાક્ષાત્ રહ્યા છે, એટલે આપ જ શ્રીજી-મહારાજ છો ને ?’
સ્વામીશ્રી કહે : ‘આપણે તો શ્રીજીમહારાજને કર્તા માન્યા છે, એટલે શ્રીજીમહારાજ જ બધું કરે છે. એ જ કરે છે એટલે આપણને નિરાંત રહે છે. જો એમ ન માનીએ તો ઉપાધિ રહે. બીજો કોઈ હોય, બે દાડામાં ઊપડી જાય, હાર્ટફેલ થઈ જાય.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આટલી પ્રવૃત્તિ અને આટલો કાર્યભાર આપ સંભાળો છો, પણ આપનો ચહેરો ક્યારેય ઉદાસ જોયો નથી.’
સ્વામીશ્રી કહે : ‘ઉદાસ થઈનેય કરવાનું શું ?’
સ્વામીશ્રીની સહજ સ્થિતપ્રજ્ઞતા અત્યારેય એમના હાવભાવ અને વાર્તાલાપમાં ઝળકી રહી હતી.
Vachanamrut Gems
Loyã-7:
The Right to Offer Bhakti to God
"…Only one who is brahmarup has the right to offer bhakti to Purushottam."
[Loyã-7]