પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-11-2016, રાજકોટ-લીંબડી
આજે સ્વામીશ્રી રાજકોટથી વિદાય લઈ લીંબડી મંદિર પાસે આવી પહોંચેલા. અહીં સંતો-હરિભક્તો હારતોરા લઈને તેઓને વધાવવા તત્પર હતા. તેઓને જોઈ સ્વામીશ્રીએ બારીનો કાચ ઉતાર્યો. તેથી બધા સંતો-ભક્તો હાર પહેરાવીને ઝડપથી પસાર થવા લાગ્યા.
તેમાં એક વ્યક્તિને ઉદ્દેશીને સ્વામીશ્રીએ પાછળ તરફ હાથ કરીને કહ્યું : ‘પેલા વોરા...’
તેઓની આ વાત સાંભળી થોડે દૂર પાછળ ઊભેલા એક વોરાભાઈને બોલાવવામાં આવ્યા. સ્વામીશ્રીએ પ્રેમથી તેમને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. તે પણ ખૂબ ભાવથી દર્શન કરતાં બોલ્યા : ‘મને એક મહિના પહેલાં આપે સ્વપ્નમાં દર્શન આપ્યાં હતાં.’
પછી તો ઉતાવળ હોવાથી સ્વામીશ્રીએ બધા હરિભક્તોને દૃષ્ટિ દ્વારા ઝડપથી મળી લીધું. ગાડીએ બોચાસણનો પંથ કાપવો શરૂ કર્યો. પરંતુ સેવક સંતોને જિજ્ઞાસા થઈ. તેથી તેઓએ લીંબડીના સંતોને ફોન જોડીને પૂ્છ્યું : ‘તમને પેલા વોરાભાઈનો પ્રસંગ ખબર છે ?’
‘અમે ઓળખતા પણ નથી, પરંતુ તેઓ હજુ અહીંયાં જ ઊભા છે. તેમને જ આપું.’ એમ કહી ફોન વોરાભાઈને આપવામાં આવ્યો.
તેઓને સંતોએ પૂછ્યું : ‘આપનું નામ ?’
‘મુસ્તફાભાઈ.’
‘તમે સ્વપ્નની વાત કરી હતી ને ?’
‘હા, આજથી એક મહિના પહેલાં મને સ્વપ્ન આવેલું. બરાબર આજે થયું એવું જ. મહંત સ્વામી મહારાજ લીંબડી મંદિર આગળ આ જ રીતે ગાડીમાં આવ્યા. તેઓનું સ્વાગત થયું ને મને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. અદ્દલ આજના જેવું જ.’
આ સાંભળી સંતોની જિજ્ઞાસા બેવડાઈ. તેથી પૂછ્યું : ‘તો તમને સત્સંગનો યોગ ક્યારથી ?’
‘મને આજે મહંત સ્વામી મહારાજ પધારે છે તેવીય ખબર નહોતી. હું મારા મિત્ર રઘુવીરસિંહ ઝાલાને મળવા સુરેન્દ્રનગરથી આવેલો. તે મને પાછો મૂકવા આવતા હતા ત્યાં અમને ખબર પડી કે સ્વામી આવે છે. એટલે અમે દર્શન કરવાં ઊભા રહ્યા ને સ્વપ્નું સાચું પડ્યું !!’ એમ કહી તે બિરાદરે ફોન મૂક્યો.
હવે ખૂટતી કડી પૂરનારા સ્વામીશ્રી જ હતા.
તેથી સંતોએ તેઓને જ પૂછ્યું : ‘આપ તે મુસ્તફાભાઈને ઓળખતા’તા ?’
‘ના.’
‘તો પછી આપે એમને કેવી રીતે બોલાવ્યા ?’
‘બસ, એમ જ.’
‘તો આપ એમને મહિના પહેલાં દર્શન આપવા ગયા’તા ને ?’
‘બાપા ગયા હશે.’
‘આ તો આપે અંતર્યામીપણે તેમનો સંકલ્પ પૂરો કર્યો, બરાબર ને !’
સ્વામીશ્રીએ ધીમા સાદે ‘હા-ના’ કરતાં વાત પર પૂર્ણવિરામ મૂક્યું, પણ તેઓના આ સામર્થ્યને જાણનાર સૌના આનંદને આજે કોઈ વિરામ આવે-ફાવે તેમ નહોતો.
Vachanamrut Gems
Loyã-2:
A Devotee Who has Courage
"All of the indriyas and antahkaran tremble with fear before a devotee who has courage. Also, he is not afraid of anyone. So, he does not transgress any of God's injunctions in any way. As a result, he believes himself to be fulfilled and does not have even the slightest fear of death."
[Loyã-2]