પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૭૮
ગોંડલ, તા. ૨૩-૧૦-૧૯૬૯
નાની નાની ક્રિયામાં પણ યોગીજી મહારાજનું જાણપણું, સેવકભાવ-ભક્તિભાવ જોઈને હૃદયમાં નિત્ય અહોભાવ પ્રગટે. મુંબઈથી નીકળી સ્વામીશ્રી ગોંડલ પધાર્યા. મંદિરે પહોંચ્યા પછી સીધા અક્ષરદેરી તથા ઠાકોરજીનાં દર્શન કર્યાં. સેંકડો હરિભક્તો સ્વામીશ્રીની ઝાંખી, દૃષ્ટિપ્રસાદી માટે આતુરતાથી વીંટળાયેલા હતા. સૌના હૃદયની ઊર્મિવર્ષા ઝીલીને સ્વામીશ્રી પોતાને ઉતારે પધાર્યા. આ ઊર્મિસાગરના હિલોળામાં ઝિલાતા ગમે તેવા ધીર પુરુષનું મસ્તક જરા જેટલું તો ઉન્નત થાય જ અને પોતાના ભાવમાં જરૂર તણાય.
આ વખતે સ્વામીશ્રીના ઉતારાના આગળના ભાગમાં એક કાચની કૅબિન બનાવવામાં આવી હતી, જેથી દર્શનાર્થીઓ સુખેથી દર્શન કરે અને સ્વામીશ્રીને કોઈ અગવડ ન પડે. તેમજ ઠંડી-પવનથી પણ સુરક્ષિત રહેવાય. આ કૅબિનમાં સ્વામીશ્રી માટે પાટ ઉપર સુંદર ઊંચું આસન બનાવ્યું હતું.
સૌએ સ્વામીશ્રીને પાટ ઉપર બિરાજવા પ્રાર્થના કરી.
'પહેલાં ઠાકોરજી પધરાવો, પછી હું બેસીશ.' સ્વામીશ્રીએ એટલી તો અંતરની સહજતાથી કહ્યું, ત્યારે આપણને સહેજે સમજાઈ જાય કે આ પુરુષ નિત્ય એના પ્રિયતમ સાથે જ રમણ કરે છે, એક પળ માત્ર પણ એનાથી મન-કર્મ-વચને વિખૂટા પડતા નથી.
કોઈએ કહ્યું, 'બાપા ! આ પાટ તો જૂની છે.'
'પણ રૂમ તો નવો છે ને,' સ્વામીશ્રીએ પોતાનો દાવો સાચો કર્યો. નવીનતા કશી જ ન હતી. કારણ, સભામંડપના એક ખૂણાના ભાગને કાચનાં બારણાથી આવરી લીધો હતો, પણ સ્વામીશ્રીને મન એ બધું જ નવી રીતે રજૂ થયેલું જણાતું હતું. એટલે પોતાના ઇષ્ટને પધરાવ્યા વગર પોતે કેમ એને અંગીકાર કરે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-35:
An Easy Path to Liberation
“… However, by the upãsanã of God, narrating His divine incidents, chanting His holy name, and observing one’s dharma, it is not at all difficult for the jiva to attain liberation; it is an easy path…”
[Gadhadã II-35]