પ્રેરણા પરિમલ
બોલ, આત્મહત્યા નહીં કરું.
તા. ૨૧-૪-૨૦૦૫, અમદાવાદ
એક યુવક સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. યુવાનીના આવેગોમાં તણાઈને યુવાન સહજ સંજોગોનો એ શિકાર બની ચૂક્યો હતો. સ્વામીશ્રીને એક પત્ર એણે આપ્યો. ચાર ફૂલસ્કેપ પાનામાં લખાયેલા આ પત્રમાં એની મનોવ્યથા હતી. એનો સાર એવો હતો કે 'હું એક છોકરીના પ્રેમમાં છું. એ છોકરી સાથે મારે સંબંધ હતો, પરંતુ એનાં માબાપના દબાણને લીધે વિવાહ થઈ ચૂક્યાં છે. હું એ છોકરીના વિવાહ બીજે થતાં જોઈ નહીં શકું. મારે એની સાથે જ લગ્ન કરવાં છે. આપ એવા આશીર્વાદ આપો કે એની સાથે જ મારાં લગ્ન થાય. આપ જો જવાબમાં હા પાડશો તો ઠીક છે, પણ જો તમારા જવાબમાં ના હશે તો હું આત્મહત્યા કરી દઈશ. હું એના રસ્તામાં નહીં આવું, પણ મરી જઈશ. ખાવાપીવાનું બંધ કરી દઈશ. આપ તો કાળ, કર્મ ને માયાને પણ ફેરવી શકો છો. તો મારા ઉપર આટલી દયા કરો. એના માટે એક નહીં, પણ સો જન્મ ધરવા પણ હું તૈયાર છું.'
સ્વામીશ્રી એની આવી અજ્ઞાન અને આસક્તિ ભરેલી વાતોથી બે ઘડી મૌન રહ્યા. પેલો યુવક કરગરતો સામે ઊભો હતો. એનું મૂળ પારખીને સ્વામીશ્રીએ ધીમે રહીને વાતની શરૂઆત કરતાં કહ્યું : 'ભગવાનની ઇચ્છાથી આમ થયું હશે એમ સમજીને ચાલવું એમાં તારું હિત છે. ભગવાને જે કર્યું એ સારા માટે છે.'
પેલો યુવક આ વાત માનવા તૈયાર ન હતો, સ્વામીશ્રીને કહે : 'આંબલીવાળી પોળમાં જઈને મારાં એ છોકરી સાથે લગ્ન થાય એ સંકલ્પ સાથે મેં ચાદર ઓઢાડી છે.'
'ચાદર શું પણ ગમે તે ઓઢાડ. તારો સંકલ્પ કદાચ પૂરો ન પણ થાય અને આંબલીવાળી પોળમાં જે નિમિત્તે તું ચાદર ઓઢાડે છે અને જે તારા સંકલ્પ પૂરા કરવાના છે એ જ અત્યારે તારી સામે બોલી રહ્યા છે.' સ્વામીશ્રીએ ધીમે રહીને એને સમજાવવા પ્રયત્ન કર્યો.
પેલો યુવક કહે : 'મને બહુ જ નેગેટીવ વિચારો આવે છે.'
'થોડા દહાડા એવું થશે, કારણ કે વેગ છે. પણ પછી મનમાંથી નીકળી જશે. ભૂલી જ જવાનું. એમાં શાંતિ છે. જે કંઈ થયું છે એ તારા સારા માટેનું જ છે. ભવિષ્યમાં તમને બેયને મુશ્કેલી આવવાની હોય એના કરતાં ભગવાને અત્યારથી જ એ નામંજૂર કર્યું. માટે શાંતિથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે. આ તારા હિતની વાત છે. આત્મહત્યા કરવાનો વિચાર કરતો નહીં. મહારાજને તું માને છે, શિક્ષાપત્રી વાંચે છે. એમાં પણ લખ્યું છે કે આત્મઘાત ન કરવો. એટલે આ મારું વચન માન અને જીવમાંથી એવી દૃઢતા કર કે ભગવાને જે કર્યું છે એ સારા માટે જ છે. પ્રાર્થના કરજે અને જે થયું એને ભૂલી જજે.' આટલું કહીને હાથમાં જળ આપીને કહ્યું કે 'બોલ, આત્મહત્યા નહીં કરું.' શરૂઆતમાં તો એણે જળ લેવાની આનાકાની કરી, પરંતુ છેવટે સ્વામીશ્રીના વાત્સલ્યથી વચનબદ્ધ થઈ એણે આત્મહત્યા ન કરવા માટે જળ લીધું.
વેગ અને આસક્તિમાં મરેલા આવા અબુધ યુવાનોની ખોખલી માનસિકતા અને છીછરા શારીરિક પ્રેમમાંથી એ યુવકને સમજણ આપી આશીર્વાદ આપીને બહાર કાઢ્યો અને જીવન જીવવા જેવું બનાવી દીધું.
Vachanamrut Gems
Panchãlã-3:
The Intelligence
"… In comparison, someone else may possess only a little intelligence, but if, after realising his own flaws, he attempts to eradicate them, then even his limited intelligence is useful in attaining liberation. In fact, only he can be called intelligent…"
[Panchãlã-3]