પ્રેરણા પરિમલ
નિર્વ્યાજ પ્રેમ
એક વખત અમદાવાદનો સંજય નામનો બાળક તેમનાં માતૃશ્રી સાથે ગોંડલ અક્ષરદેરીએ યોગીબાપાના દર્શને આવ્યો. સાંજનો સમય હતો. યોગીબાપાએ તેને પાસે બોલાવીને ખૂબ આશીર્વાદ આપ્યા અને હેત કર્યું. યોગીબાપા એની સાથે બાળક જ બની ગયા અને કહેવા લાગ્યા :
'તમે કાલે રોકાવ અને જમીને જાવ.'
'પણ, અમારે તો સવારે જવાનું છે.' સંજયે કહ્યું.
'પછી તમારે અમને, તમારે ઘેર લઈ જવા છે કે નહિ, અમદાવાદમાં ?' યોગીબાપાએ વહાલથી પૂછ્યું.
'હા,' સંજયે ખુશ થતાં કહ્યું.
એટલે બાપાએ તેને ફરીથી આગ્રહ કર્યોઃ 'તમે અહીં રોકાવ. સવારે જમીને જજો, તમને વહેલા જમાડી દઈશું.'
'મોડા અહીંથી નીકળીએ તો પછી તડકો લાગે ને !' સંજયે ચિંતા વ્યક્ત કરી.
એટલે યોગીબાપાએ પોતાના બે હાથની હથેળી ભેગી રાખી વાદળાની મુદ્રા બતાવતાં કહ્યું કે 'અમે છે ને તમારી ઉપર આમ વાદળાં મૂકી દેશું એટલે તમને તડકો નહિ લાગે.'
અને સંજયને પણ યોગીબાપાના વચનમાં વિશ્વાસ આવી ગયો હોય તેમ તુરત તેણે માની લીધું અને રોકાઈ જવા કબૂલ કર્યું.
યોગીબાપા બહુ રાજી થયા અને તેને ખૂબ આશીર્વાદ આપ્યા. આ વાર્તાલાપ એટલો તો નિર્દોષ, બાલસહજ અને અદ્ભુત હતો કે બે નાનાં બાળકો પોતાની બાળભાષામાં ગોઠડી ન કરતાં હોય ! બન્યું પણ એવું જ. બીજે દિવસે યોગીબાપાએ તેમને વહેલા જમાડી વિદાય કર્યા અને આકાશ પણ તે દિવસે વાદળાંથી આચ્છાદિત જ રહ્યું જાણે એ યોગીબાપાના બે હાથ જ આકાશમાં રહ્યા રહ્યા એને છાંયો આપતા હતા !
સવારે શણગાર આરતીમાં પણ યોગીબાપાએ સંજયને મંદિરમાં બધે પોતાની સાથે ફેરવ્યો. બધી જ મૂર્તિઓની ઓળખાણ કરાવી, દર્શન કરાવ્યાં. યોગીબાપાએ સંજયને એટલાં તો લાડ લડાવ્યાં કે કદાચ એના માબાપે પણ એને આવો નિર્વ્યાજ પ્રેમ નહિ આપ્યો હોય ! ભગવાનના મોકલેલા સંતોનો પૃથ્વી ઉપર આ જ હેતુ હોય છે. ભક્તોને લાડ લડાવવાં. પછી તે બાળક હોય કે યુવાન કે પ્રૌઢ. યોગીબાપાએ પીયૂષપાન કરાવેલાં બાળકો આજે પ્રમુખસ્વામીમાં પણ એવાં જ આકર્ષાય છે એ યોગીબાપાના પ્રગટપણાનો પુરાવો છે.
Vachanamrut Gems
Gadhadã I-74:
Measure of One's Detachment
Shriji Mahãrãj then began, "The extent of one's vairãgya and one's understanding can be measured only when one encounters vishays, or in times of some hardship, but not otherwise…"
[Gadhadã I-74]