પ્રેરણા પરિમલ
યુવાનોને સત્સંગ
ગોંડલમાં બે યુવકો યોગીજી મહારાજ પાસે રજા લેવા આવ્યા. તેઓ આગલે દિવસે સાંજે જ બહારગામથી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા, અને બીજે દિવસે સવારે તો ઘરે પાછા જવાની સ્વામીશ્રી પાસે રજા માગી, 'બાપા, અમે જઈએ છીએ.'
'આજનો દિવસ રોકાઈ જાવ ને.' સ્વામીશ્રીએ હેતથી આગ્રહ કર્યો.
'બાપા, અમે ગઈકાલે સાંજે આવ્યા હતા એક દિવસ રહ્યા.' તેઓએ સંતોષ વ્યક્ત કરતાં કહ્યું.
'ઘેર કેટલા દિવસ રહ્યા ? સ્વામીશ્રીએ એકદમ ભાવમાં આવીને પૂછ્યું. સ્વામીશ્રીના આ પ્રશ્નથી તેઓ શરમાઈ ગૂંચવણમાં પડ્યા. પછી કહે, 'ઘેર તો રહીએ છીએ ને.'
'આ ઘર નહિ ?' સ્વામીશ્રીએ ફરી એવો જ પ્રશ્ન પૂછીને એમને મૂંઝવણમાં મૂક્યા. 'ઘરે તો સો વરસ રહ્યા અને અહીં એક દિવસ પણ નહિ ! સ્વામીશ્રીએ મીઠાશથી કહ્યું.
આ સહજ અને સરળ પ્રશ્નોત્તરમાં સ્વામીશ્રીએ બંને યુવકોને સત્સંગનો મહિમા સમજાવ્યો અને કર્તવ્યનું ભાન કરાવ્યું. પછી બહુ જ હેતથી કહે, 'આજે તો રજા આપીએ છીએ. પણ પછી સમૈયામાં-સત્સંગમાં આવવું. આમ એક દિવસ આવીને ચાલી જવું નહિ.'
બંને યુવકોને થાપા મારીને આશીર્વાદ આપ્યા. પોતાની ભૂલનો ભાર હળવો કર્યો. સંતોને આજ્ઞા કરી કે એ બંને યુવકોને સારી રીતે જમાડીને પ્રસાદ આપીને મોકલવા. યુવાહ્રદયને ભગવાનના માર્ગે વાળવાની યોગીબાપા નિરાળી કળા હતી.
Vachanamrut Gems
Gadhadã I-73:
Key to Becoming Flawless
"… Whoever believes the great Purush to be absolutely free of flaws becomes totally flawless himself…"
[Gadhadã I-73]