પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૭
જીંજા, તા. ૪-૩-'૭૦
સવારે ૫-૦૦
અડવાળમાં પોતે ઘઉંનો ધર્માદો ઉઘરાવવા ગયા હતા એવું યોગીજી મહારાજને સ્વપ્નું આવ્યું. તે પછી એમણે વાત કરી :
'અમે ભાલમાં ઘઉં ઉઘરાવતા. અડવાળ ઘણું રહેતા. અમારી સાથે ત્રિકમદાસ સાધુ હતો. તે આકરો બહુ. અડવાળમાં અમે ઘઉં ઉઘરાવતા હતા. બાપુ બધા રસોઈ દે.
ખરડો થઈ રહ્યો એટલે અમે મોજીદડ ગયા. અમારે મોજીદડથી લીમડી શાસ્ત્રી મહારાજનાં દર્શને જાવું હતું. ત્રિકમદાસ કહે, 'ગાડું જોડાવો.'
મેં કહ્યું, 'બે જણમાં શું જોડાવવું ?' આપણે જુવાન છીએ. તે ચાલ્યા જઈશું. અમથું બળદને શું દુઃખ દેવું ?'
અમારી પાસે પૂજા ને પોટલાં એટલું જ હતું. પછી તો ત્રિકમદાને રીસ ચડી. રસ્તે તે આગળ ને આગળ ધોડે. મારે જોડમાં રહેવા ધોડવું પડે. મને તેણે આમ ત્રણ ગાઉ ધોડાવ્યો. જમીને જ અમે હાલ્યા હતા.
(સ્વામીશ્રીને સારણગાંઠની તકલીફ તો હતી જ)
પછી અમે માંડ માંડ લીમડી પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી. તેમણે તેમને ઠપકો આપતાં કહ્યું, 'અલ્યા ત્રિકમ, આમ ન કરવું.'
છ મહિના મારી જોડમાં તે રહ્યો હતો. આકરો બહુ હતો ને રિસાય બહુ. તે વખતે સાધુ ઓછા તેથી સ્વામી કહે, 'આને તમે જોડમાં રાખો.' પણ તે સત્સંગમાં રહ્યો નહિ, વહ્યો ગયો.
અમે સારંગપુરથી નીકળી ને પચ્છમ, ધોલેરા, બાજરડા બધું લઈ લેતા. ૫૦૦ મણ ઘઉં કરતા.
ફેદરા કેશુભાનું ગામ છે. અમે ત્યાં ગયા હતા. શાસ્ત્રી મહારાજ અમદાવાદ ગાડીમાં જતા હતા અમને ધંધૂકા સ્ટેશને બોલાવ્યા હતા. ફેદરાથી કેશુભાએ ગાડું જોડાવ્યું ને અમે ધંધૂકા સ્ટેશને ગયા. સ્વામીનાં દર્શન કર્યાં. '૩૦૦ મણ ઘઉં થયા ને ૨૦૦ મણ બાકી છે. ભાલમાં ફરીએ છીએ,' એમ શાસ્ત્રી મહારાજને વાત કરી. પછી અમે ફેદરા ગયા ને સ્વામી અમદાવાદ ગયા.
અમે ને નિર્મળદા પણ છ મહિના સાથે ફરેલા.'
(નિર્મળદા ને ત્રિકમદા બંને સ્વામીશ્રી સાથે જોડમાં બાજરડા ગયેલા. હરિભક્ત છાશનું દોણું લાવ્યા. તે બંને બાટક્યા. નિર્મળદા જોરાવરિયો તે આખું છાશનું દોણું પી ગયો. ત્રિકમદાને છાંટોય દીધી નહિ. આવા સંતો સ્વામીશ્રીની જોડમાં હતા. પણ સ્વામીશ્રી એમની સાથે નભાવી લેતા.)
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-45:
Outcome of performing karmas that please or displease the Sant
“Having said this, though, if one performs some karma which displeases the Sant of God or an avatãr of God, one will suffer miseries similar to those of Yampuri in this very body here in Mrutyulok. On the other hand, if one performs a karma by which God and His Bhakta are pleased, then, in this very body, one will enjoy bliss similar to that of attaining the highest state of enlightenment.”
[Gadhadã II-45]