પ્રેરણા પરિમલ
તપ કરાવે અને હેતે જમાડે
ગોંડલના અક્ષરમંદિરનાં ખૂણામાં ખાડો ખોદવાનો હતો. આ માટે યોગીજી મહારાજે આજ્ઞા કરી કે યુવકો અને હરિભક્તો આ સેવા કરે. નડિયાદના હરિભક્ત કૃષ્ણાભાઈની દેખરેખ નીચે આ શ્રમયજ્ઞ ચાલ્યો. સ્વામીશ્રી સભામાં બિરાજતા હોય અને કોઈ જુવાનિયા કે ગામડાના ખેડૂત વર્ગના ભક્તો દર્શને આવે એટલે તુરત સ્વામીશ્રી એમને શ્રમયજ્ઞમાં મોકલે.
સ્વામીશ્રીની આજ્ઞાથી સેવા તો સૌ કરે પણ સ્મૃતિએ સહિત સેવા થાય એ જુદી. ભગવાન અને પ્રગટ સંતને સંભારીને સેવા કરવાથી અંતરમાં શાંતિ થાય. એટલે સ્વામીશ્રી પણ સૌને ભક્તિનું અનુસંધાન રહે તેથી રોજ નિયમિત દર્શન દેવા પધારે. ક્યાં સુધી કામ ચાલ્યું ? સૌ બરોબર સેવા કરે છે કે નહિ ? વગેરે ખબર અંતર પૂછે. પોતે ત્યાં પંદરથી વીસ મિનિટ સુધી બિરાજે. બધાંને સેવા કરતાં જોઈને રાજી થાય. વળી, તાળી પાડતાં, હાથના લટકા કરતાં સૌને જલ્દીથી કામ કરવાનો ઈશારો કરે. સ્વામીશ્રીને જોઈને સૌ એવા તો તાનમાં આવી જાય કે પડતા-આખડતા સેવામાં મંડી પડે.
એક બપોરે સ્વામીશ્રી આ સેવાયજ્ઞમાં પધાર્યા. બે નાના યુવકો સવારથી ખાડો ખોદતા હતા. વળી સ્વામીશ્રીની આજ્ઞાથી એમણે નિર્જળ ઉપવાસ પણ કરેલો. અતિશય શ્રમને લીધે આ યુવકોને તરસ ખૂબ લાગેલી. પણ સ્વામીશ્રીનો આદેશ કે નિર્જળા ઉપવાસ કરે તો ફર્સ્ટ કલાસ અને પાણી પીને ઉપવાસ કરે તો સેકન્ડ કલાસ. એટલે પૂછાય કેમ ? પણ છેવટે એમની આવી દયામણી પરિસ્થિતિ જોઈને કૃષ્ણાભાઈએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે, 'આ બે યુવકો સવારથી સેવા કરે છે અને ઉપવાસી છે, તો આપ દયા કરી પાણી પીવાની આજ્ઞા આપો.'
સ્વામીશ્રીએ એકદમ રાજી થઈને આજ્ઞા કરી કે, 'જાવ, બંને યુવકોને હવે જમાડી દો.'
સ્વામીશ્રીના આ હુકમથી તો સૌને આશ્ચર્ય થયું. તપ કરાવે અને વળી હેત કરીને જમાડે પણ ખરા. તેમજ જમાડીને પાછું તપનું ફળ પણ આપે- યોગીબાપાની કેવી અદ્ભુત લીલા!