પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨૯
મુંબઈ, તા. ૨૮-૧૨-'૬૭
રાત્રે સૂતાં પહેલાં યોગીજી મહારાજને ઘી ઘસતા સૌ સેવકો મૌન ધારણ કરી બેઠા હોય, પણ સ્વામીશ્રી જ એ મૌન તોડતા અને કાંઈ ને કાંઈ વાતનો પ્રસંગ ઉપસ્થિત કરતા. આજે તો પોતે પોઢી ગયા હોય એવું લાગ્યું, છતાં તેઓ બોલી રહ્યા હતા. કદાચ સમાધિ-ભાષા બોલતા હશે. કેટલાક સેવકોને પાસે બોલાવી અંગ્રેજીમાં તૈયાર થઈને મોટી મોટી સત્સંગસભાઓ ડોલાવે રંજન કરે એવા આશીર્વાદ આપ્યા. પછી કહે :
'અમે અંગ્રેજી ભણ્યા હોત તો આખું બ્રહ્માંડ ડોલાવત. મારો સાદ મોટો ને... માટે તમે સાત જણા તૈયાર થાવ... ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, રામચરણ સ્વામી, નારાયણ ભગત, ત્યાગવલ્લભ સ્વામી, શ્રીહરિદાસ... જનક બહુ સારું બોલે, મને બહુ ગમે. તેમના જેવું બોલતાં શીખવું. જોશથી બોલવું. ચડઊતર કરવું. તમે બધા બળિયા થાવ. સવાયા થાવ. મહારાજનો-શાસ્ત્રીજી મહારાજનો મહિમા કહો... એક પ્રૉફેસર રાખી લો... મારા અંતરના આશીર્વાદ છે. ઈશ્વર સ્વામી, આશીર્વાદ ઝીલી લ્યો ! બારશનો ગુરુવારનો આશીર્વાદ દીધો છે... પ્રૉફેસર ગોતીને શીખી લ્યો... પ્રૉફેસર ગોતીને શીખી લ્યો... આપણે અંગ્રેજીમાં હજારો પત્રિકા છપાવવી, જાહેરાત કરવી, પ્રવચનો અંગ્રેજીમાં કરવાં. બહુ માણસો ખેંચાય... આશીર્વાદ ઝીલી લ્યો...'
'શરીર ગારા જેવું થઈ ગયું છે. કસ નથી રહ્યો. બહુ બોલીએ તો ઢેફૂં થઈ જાય. પડી જવાય છે. શરીર લથડી જાય છે. આજે બહુ બોલ્યા, દુઃખ બહુ થયું, પણ સંતને આશીર્વાદ આપવા'તા એટલે બોલ્યા, દુઃખ વેઠ્યું...'
બાથરૂમમાં ગયા. માંડ ઊઠ્યા... 'શરીરમાં કસ નથી રહ્યો... પકડી રાખો... ઊંઘ આવશે એટલે કસ આવશે... સુવાડી દ્યો... ઓઢાડો... ઊંઘ આવશે તો કસ આવશે... કસ નથી એટલે શું, સમજ્યા ?... શક્તિ નથી... ઊંઘ આવી જાય એવો સંકલ્પ કરો...' પછી પોઢી ગયા.
આજે ખૂબ જ ઊંઘમાં હતા, પણ ખૂબ આશીર્વાદ આપ્યા. 'ઝીલી લ્યો...' એમ વચ્ચે વચ્ચે બહુવાર બોલ્યા. 'બળિયા થાવ...' વગેરે આશીર્વાદ આપતા જાય ને સૂતાં સૂતાં વાંસામાં સૌને થાપા મારતા જાય. સૌનાં આશ્ચર્ય વચ્ચે સ્વામીશ્રીએ આજે સૌને અંગ્રેજી શીખવા ઉપર બહુ ભાર મૂક્યો. કદાચ ભવિષ્યના સંદર્ભમાં કહ્યું હોય !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-53:
The king of all fools
“… Therefore, a person who perceives faults either in God’s divine incidents or in His understanding should be known to be a non-believer and a sinner. In fact, he should be considered to be the king of all fools…”
[Gadhadã II-53]