પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯૮
મુંબઈ, તા. ૧-૮-'૬૧
માંદગીને હિસાબે સ્વામીશ્રી સવારે પણ લગભગ ૯-૦૦ વાગે આરામ કરતા. એક દિવસ પોતે ૧૦-૫૫ વાગે ઊઠ્યા ને સેવકોને વાત કરી :
'મને હમણાં શાસ્ત્રીજી મહારાજનાં દર્શન થયાં. તે સ્વામી ગોંડળમાં આગળ ફળિયામાં છાંયા જેવું હતું ત્યાં બિરાજમાન હતા. બપોરના ચાર વાગ્યાનો ટાઇમ હતો. સ્વામી પત્ર લખતા હતા અને ખૂબ ઉત્સાહમાં હતા. બાજુમાં અક્ષરસ્વરૂપદાસ કોઠારી હતા અને બધી વસ્તુઓ-ગોળ ધાણા, અબીલ, ગુલાલ આદિ વસ્તુઓ મંગાવતા હતા. એટલામાં મેં જઈને દંડવત્ કરવા માંડ્યા અને પૂછ્યું, 'સ્વામી ! આજે આટલા બધા ઉત્સાહમાં કેમ જણાવ છો ? ને આ શું આદર્યું છે ?' ત્યારે સ્વામીએ કહ્યું, 'કાલે ગુરુકુળના પાયા નાખવા છે અને બહુ મોટું કામ કરવું છે; તમે તમારા લાલજી લાવજો.' એટલું બોલ્યા ત્યાં સ્વામીના શરીરમાંથી પ્રકાશ પ્રકાશ નીકળવા લાગ્યો ને રોમાંચિત ગાત્રો થઈ ગયાં. તે દર્શનનું સુખ બહુ આવ્યું... પણ આ છોકરે (ગુણવંતે) જગાડ્યો : 'નાળિયેરનું પાણી પીશો ?' ત્યાં આંખ ઊઘડી ગઈ. બહુ સુખ આવ્યું...'
ત્યારે અમે સૌએ પૂછ્યું કે 'બાપા ! આપને આવાં દર્શન થાય ને અમને કેમ નથી થતાં ?'
એકદમ ભાવમાં આવી સ્વામીશ્રી બોલ્યા, 'શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે, પણ આપણા મનનું ધાર્યું કર્યું નથી, તે સ્વામી અતિશય રાજી થયા છે તે દર્શન દે છે. સ્વામી એટલું જ કહે 'જોગી', ત્યાં પ્રાણ પથરાઈ જાય. સ્વામી કહે, 'જોગી, અમુક ગામડે જવું છે.' તે ખાવાનું પણ પડતું મૂકીને ગાડીએ ચડી બેસીએ. સ્વામી કહે, 'જોગી, ટપાલ લખવી છે.' તો તરત જ હાજર. ટપાલ લખતો હોઉં તો પેન પણ આપી દઉં, જરાય ઓશિયાળા ન કરું. ને નિર્ગુણ સ્વામીની સેવામાં કોઈ ન રહે ને સ્વામી મને રાખતા. તે સ્વામીના જેવો જ ભાવ લાવી, જરા પણ ફેર નહિ, સેવા કરતા. પૂજા પાથરી દઉં. ગરમાગરમ ફૂલકા જમાડું. નિર્ગુણ સ્વામી શાક સુધારે ને હું રસોઈ કરું. ને આખા મુંબઈમાં ફરતા પણ ગાડી, ટ્રામ, બસ ન કરવા દઉં. તેમ નિર્ગુણ સ્વામીની પણ સેવા કરતો. નિર્ગુણ સ્વામીની તબિયત સાચવવી બહુ કઠણ. તે સ્વામી મને મોકલતા. સ્વામીને રાજી કર્યા તે અત્યારે સુખ આવે છે ને દર્શન દે છે.' પછી અદાએ શાસ્ત્રીજી મહારાજનો મહિમા કહી, પોતાને શાસ્ત્રીજી મહારાજની સેવામાં મોકલ્યા હતા તે વાત કરી.
સ્વામીશ્રી એવા તો એકરૂપ થઈ વાતો કરતા હતા કે આપણને સાક્ષાત્ શાસ્ત્રીજી મહારાજ જ લાગે. ગુરુ-શિષ્યની ભક્તિ ને એકતાની આવી અદ્ભુત વાતો કરી સ્વામીશ્રીએ સૌ સેવકોનાં અંતઃચક્ષુઓ ખોલી નાખ્યાં. સેવક થવું તો આવા થવું ! એ સિદ્ધાંત સમજાવ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-10:
When God is not Manifest on this Earth - Go to the Sant
“However, when God is not manifest on this earth, one should seek the refuge of the Sant who has the realisation of God – because the jiva can also attain liberation through him…”
[Vartãl-10]