પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.
અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે.
સ્વામીશ્રી એકલે હાથે સમગ્ર આયોજન કરતા હતા. વિઘ્ન સિવાય કાંઈ હતું નહીં. પહેલાં તો પાણી શોધવાનું અને ત્યારપછી પાણી લાવવા માટે નદીની રેતીમાં ખોદકામ કરીને પાઇપ નાખવાની. આ બધું કામ કરવા માટે કોઈ મજૂર મળે નહીં, કારણ કે રેતીમાં ખાડો કરે અને રેતી ધસી પડતાં ખાડો પાછો પુરાઈ જાય. એટલે કોઈ મજૂરોની ધીરજ રહેતી ન હતી, પરંતુ એક સ્વામીશ્રી એવા હતા કે જેઓએ ક્યારેય શ્રદ્ધા ગુમાવી ન હતી. આવાં વિઘ્નની વચ્ચે કોઈનીય સહાય વગર કેવળ શ્રીજીમહારાજ અને ગુરુ યોગીજી મહારાજ પ્રત્યેની અટલ શ્રદ્ધાને સાથે રાખીને તેઓએ ગામના યુવકોને શોધ્યા, સૌને તૈયાર કર્યા.
આ ગામના યુવકો પૈકીના આજે હયાત એવા કેટલાક હરિભક્તોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા. જેમાં માવજીભાઈ નાનજીભાઈ (75 વર્ષ), ભીમજીભાઈ કુરજીભાઈ ભંડેરી (મુંબઈ), દકુભાઈ પ્રેમજીભાઈ (60 વર્ષ), ભીખાભાઈ કડવાભાઈ ભંડેરી (73 વર્ષ), માંડણબાપા (100 વર્ષ), ઓધવજીભાઈ કુરજીભાઈ ભંડેરી (52 વર્ષ), પોલાભાઈ હરજીભાઈ (72 વર્ષ), આ ઉપરાંત સ્વામીશ્રીના મુખ્ય સહાયકો પૈકીના વાલજીભાઈ (ધર્મતનય સ્વામી).
આ સૌ હરિભક્તોના ઇન્ટરવ્યૂમાં એક જ સૂર નીકળે છે કે ‘એ વખતે ધર્મશાળાની જગ્યામાં એટલા ઊંડા ઊંડા ખાડા હતા કે એ પૂરવામાં પહેલી તો ધીરજ અને વિશ્વાસ જોઈએ, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય થાક્યા નથી. વળી, અમને સૌને એટલા પ્રેમથી રાખે, જમાડે, એવા હેતપૂર્વક નામ દઈને બોલાવે કે ગમે એવો થાક હોય એ પણ ઊતરી જાય અને એમની સેવામાં અમે દોડી દોડીને જતા. પ્રમુખસ્વામીને જોઈને અમને પણ સેવા કરવાની પ્રેરણા મળતી. અડધી રાત્રે અમને ગરમ ગરમ સુખડી અને ગાંઠિયા રોજ પ્રમુખસ્વામી જાતે પીરસવા આવતા. અમારી બધી વ્યવસ્થાઓ તેઓ કરતા પરંતુ પોતાની વ્યવસ્થાની ચિંતા ક્યારેય કરી નથી. અમે પ્રમુખસ્વામીને થાક્યા-પાક્યા આવેલા મોડી રાત્રે રેતીના ઢગલા ઉપર ધર્મશાળામાં સૂતેલા અનેક વખત જોયા છે. દેહની કોઈ પરવા તેઓએ કરી નથી. અમારી ભેગા રેતી ભરેલાં તગારાં ઉપાડવાની સેવા પણ તેઓ સંકોચ વગર કરતા. ધર્મશાળા વગેરેના નિર્માણ-કાર્યમાં તેઓની આ ભક્તિને પણ અમે જોઈ છે. અમને પ્રમુખસ્વામીને જોઈને જ આનંદ થતો, પ્રેમ થતો અને એમ થતું કે પ્રમુખસ્વામી બોલાવે છે તો આપણે સેવા કરવા જવું જ જોઈએ.’