પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૫
બોચાસણ, તા. ૨૦-૭-૧૯૭૦
આજે સવારે ૫.૧૦ મિનિટે હું યોગીજી મહારાજના ઓરડામાં ગયો, ત્યારે અવાજ સંભળાયો :
'ઈશ્વર સ્વામી આવ્યા ?'
'આ રહ્યા.'
'દર્શન કર્યાં ઠાકોરજીનાં ?'
'ના.'
'દર્શન કરીને આવવું. પાંચ આરતીનાં દર્શન કરવા જવું. જૂનાગઢમાં તો ચાતુર્માસની અંદર બધા સાધુઓ વહેલા સવારે ૪ વાગે તૈયાર થઈ જાય ને પ્રદક્ષિણા સોથી દોઢસો કરી નાખે. ને પછી મંગળા આરતીમાં જાય. બધાય સંતોને પાંચેય આરતીનાં દર્શનના નિયમ... સવારે દર્શન કરીને જ આવવું.' સ્વામીશ્રીએ મંગળ પ્રભાતે, તાળીના થપકારા મારતાં મારતાં, પથારીમાં પોતે પોઢ્યા હતા ને ઉપદેશનાં મીઠાં વચનો કહ્યાં.
બોચાસણમાં નિત્યકર્મથી પરવારી સ્વામીશ્રી શણગાર આરતીનાં દર્શન કરવા પધારતા. આગળના ભાગમાં ભીડ ઘણી હોય તેથી સ્વામીશ્રી ગભારાની પાછળની સીડીએથી જ નીચે ઊતરી જાય. પછી નીચે આવીને ઠાકોરજીને દંડવત્ કરે.
આજે સનાતન સ્વામીએ કહ્યું :
'બાપા, દંડવત્ નથી કરવા.'
'કરવા પડે.'
'પણ બાપા, ડૉક્ટરે ના પાડી છે.'
'ડૉક્ટરે ના પાડી'તી ને આપણે આફ્રિકા જઈ આવ્યા. ડૉક્ટર તો ના પાડતા રહ્યા ને આપણે પરદેશ જઈ આવ્યા. કંઈ થયું નહિ.'
એમ કહી સ્વામીશ્રીએ હસતાં હસતાં બે-ત્રણ દંડવત્ ઠપકાર્યા. પછી નીચે રંગમંડપમાં પધાર્યા.
રંગમંડપમાં પ્રવેશ કરતા હતા ત્યાં જ એક નાનો છોકરો હાર લઈને ઊભો હતો. તે સ્વામીશ્રીને હાર પહેરાવવા નજીક આવ્યો. તે લગભગ રોજ આ જ સમયે આ જ જગ્યાએ સ્વામીશ્રીને હાર પહેરાવવા ઊભો રહેતો.
'રોજ હાર પહેરાવે છે.' એમ કહી નીચે નમી સ્વામીશ્રીએ તેનો હાર કોટમાં અંગીકાર કર્યો. બાળકના આનંદનો પાર ન રહ્યો. પણ એકાએક સ્વામીશ્રીએ પોતાનો હાથ એ બાળકના કંઠ ઉપર ફેરવ્યો અને બોલ્યા :
'કંઠી છે ?'
'નથી.'
'લ્યો, તો કંઠી વગર તમારો હાર અમારે ન પહેરાય.' એમ કહી કંઠી મંગાવી અને વર્તમાન ધરાવી તેને કંઠી પહેરાવી અને મંદિરમાં સેવા કરવા સ્વામીશ્રીએ તેને આજ્ઞા કરી.
પછી રંગમંડપમાં પધાર્યા. પ્રસાદીની વસ્તુઓનાં ખૂબ નીરખી નીરખીને દર્શન કર્યાં. મૂળીના સંતો પધાર્યા હતા, તેમને બધી વસ્તુઓ બતાવવા લાગ્યા અને કહે :
'આ લીમલીથી લાવેલા. શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધાર્યા હતા. હરિભગતને પૈસાની જરૂર હતી. શાસ્ત્રીજી મહારાજે સાતસો રૂપિયામાં લીધી. આજે દસ હજાર આપતાં પણ ન મળે. આ તો અમૂલ્ય. પહેલાં નાના પટારામાં બધું રાખેલું. પછી પ્રદર્શન કર્યું. આપણે અમદાવાદ વડતાલમાં તો ઘણું બધું છે. અમે તો ગરીબ રહ્યા ને, તે આટલું જ છે... પણ મહારાજની પ્રસાદી ક્યાંથી ? લાખો રૂપિયા આપતાં ન મળે. આ વાસણો, આ મહારાજના કાગળો... બધાં પ્રસાદીનાં...' એમ ઘણી વાતો કરી સંતોને પ્રસાદીની વસ્તુઓનાં દર્શન કરાવ્યાં એ પ્રસાદીની વસ્તુઓ નીરખતા અને એનું વર્ણન કરતા સ્વામીશ્રીની આંખો અને મુખ પાણીથી ભરાઈ જતાં હતાં. જાણે એ સ્થાવર વસ્તુઓમાં પણ પોતે સાક્ષાત્ મહારાજને જ નિહાળી રહ્યા ન હોય !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-17:
A Non-Believer can not Realise the Greatness of a Devotee
“… On the other hand, non-believers in the world, regardless of whether they are pundits or fools, are unable to develop such firm understanding of God. Moreover, they do not recognise a devotee possessing a staunch understanding, nor do they realise the greatness of a devotee of God. Therefore, only a devotee of God can recognise another devotee of God, and only he can realise his greatness…”
[Gadhadã II-17]