પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯૧
મુંબઈ, તા. ૯-૭-'૬૧
આજે રાત્રે સ્વામીશ્રી ઉકાળો લઈ રહ્યા હતા. નાસ્તામાં હાંડવો હતો.
એક સેવકે આગ્રહ કરતાં કહ્યું, 'બહુ સરસ છે, આને હાંડવો કહેવાય.'
'સ્વામી ક્યાં નથી જાણતા.' બીજા સેવકે કહ્યું.
સ્વામીશ્રી હસવા લાગ્યા.
'આપે તો બનાવ્યું હશે.' સેવકે કહ્યું.
સ્વામીશ્રીએ મુખારવિંદ જરા હલાવ્યું. એમ હા પાડતાં કહે, 'અમે તો બહુ રસોઈ કરતા. સારંગપુરમાં ત્રણ ત્રણ મણની રોટલી કરતા. અગિયાર વાગ્યામાં કરી નાંખીએ ! સવારે ચાર વાગે ઊઠતા...'
'ક્યારે ?' સેવકે પૂછ્યું.
'સમૈયામાં... મિષ્ટાન બધા કરતા... ચાસણીવાળું ઓછું ફાવે. મોતૈયા, બુંદીના લાડુ બહુ ફાવે...'
'માલપૂડા...?'
'એ તો બહુ ફાવે. એકવાર ડભોઉમાં છત્રીશ શેરના માલપૂડા કર્યા હતા...'
'જલેબી, સાટા.... ?'
'એ બહુ ન ફાવે.'
'પૂરણપોળી...?'
'એ તો બહુ આવડે. બાપુભા (અડવાળના) અમારી પાસે બનાવરાવતા. પાતળી કાગળ જેવી બનાવીએ. એવી તો ફર્સ્ટક્લાસ બનાવીએ, તમે તો બાર ખાઈ જાવ...'
પછી સંતોએ જૂના પ્રસંગો સંભાર્યા. ભાદરામાં સ્વામીશ્રીએ રોટલા કર્યા હતા; ખસતામાં જાદરિયું કર્યુ હતું; પાનરીમાં શીરો કર્યો હતો; લિવિંગસ્ટનમાં પાપડ શેક્યો હતો... વગેરે.
સ્વામીશ્રી કહે, 'હા, કેવો સરસ શીરો બનાવ્યો હતો.' એટલે સ્વયંપ્રકાશ સ્વામીએ પૂછ્યું કે 'અમને એકવાર શીરો કરીને જમાડશો ?' સ્વામીશ્રીએ રાજી થઈ હા પાડી.
ફરી સંતોએ પૂછ્યું, 'બાપા, આપને શું ભાવે ?'
ખૂબ આગ્રહ પછી સ્વામીશ્રી ધીરે રહીને બોલ્યા, 'પૂરણપોળી.' પણ સૌને એટલું સમજાયું કે, 'સ્વામીશ્રીને ભાવવા - ન ભાવવાનું કંઈ છે નહિ. શાસ્ત્રીજી મહારાજને પોતે ઘણીવાર સુંદર પૂરણપોળી બનાવી જમાડતા, એટલે કદાચ પોતાના ગુરુની રુચિમાં પોતાની રુચિ જણાવતાં સ્વામીશ્રી એમ બોલ્યા હશે.
ડૉ. ઇન્દ્રવદન મહેતા સ્વામીશ્રીને ઈંજેક્શન આપી રહ્યા હતા. તે ઈંજેક્શનની સોય ભોંકાઈ એટલે સ્વામીશ્રીએ જરા દુઃખ બતાવ્યું. પછી પોતે જ કહેવા લાગ્યા, 'પાંચસો પરમહંસોને વીંછી કરડે તોયે કાંઈ નહિ ને અત્યારે આપણને સોય ભોંકે તેમાં બીએ છીએ.' આવા મોહ પમાડનારા શબ્દોથી સ્વામીશ્રી પોતાના વિષે મનુષ્યભાવ જણાવતા, પણ એમાં જ એમની સામર્થી છુપાયેલી હતી. સમર્થ હોવા છતાં આ પ્રમાણે દર્શાવવું એ જ એમની ખરી મોટપ હતી. ખરેખર, સત્પુરુષો બીજાને મોટપ આપી પોતાની મોટપ વધારે છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-3.:
A Person in whom Bhakti Flourishes
“Of the four types of eminent spiritual people just described, if a person serves one who is like lightning or the vadvãnal fire – by thought, word and deed, while staying within the tenets of one’s dharma – then bhakti coupled with the knowledge of God’s greatness flourishes in that person.”
[Vartãl-3.]