પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨
મુંબઈ, તા. ૩-૨-'૭૦
ગ્રીષ્મના પ્રચંડ તાપમાં પણ પવનના હૂંફાળા સ્પર્શથી દૂર રહેતા યોગીજી મહારાજને આફ્રિકામાં નૈરોબીના ઠંડા વાતાવરણમાં કેમ રહેવાશે એ પ્રશ્ન મૂંઝવતો હતો. એને માટે શરીર ઉપર ઓઢવાના ગાતરિયા - ઉત્તરીય વસ્ત્ર પણ જો ગરમ હોય તો ઠંડી ખાળી શકાય એવું નક્કી થયું.
આમ, તો સ્વામીશ્રી સુતરાઉ ગાતરિયાં જ હમેશાં પહેરતા ને ગાંઠ મારતા, એટલે હૂંફ સારી રહે.
મુંબઈના પ્રેમી ભક્તરાજ શ્રી જયંતીભાઈ, શરીરને સારી ગરમી આપી શકે એવા કાશ્મીરી શુદ્ધ પશમિનાની ગરમ શાલો લઈ આવ્યા. શાલનો ગરમાટો સ્વામીશ્રીને પસંદ પડી ગયો ને મનોમન ખાતરી થઈ કે આ શાલ જો ગાંઠ મારીને ઓઢીએ તો જરૂર ઠંડી લાગશે નહિ. પણ તુરત એમના મનમાં પ્રશ્ન ઊઠ્યો, અને એમણે જયંતીભાઈને પૂછ્યું !
વણિકબુદ્ધિ જયંતીભાઈએ સહજતાથી જવાબ વાળ્યો, 'બાપા, બજારમાં બે-ચાર જગ્યાએ ફર્યો, ને આ શાલ બહુ સસ્તામાં મળી ગઈ. ગરમ પણ સારી છે. આપ વાપરો. અમારા જૈન સાધુ મહારાજો પણ આ શાલ ઓઢે છે.'
જયંતીભાઈની વાતમાં સ્વામીશ્રીને કંઈક વિશ્વાસ બેઠો પણ એમનું મન પૂરેપૂરું સંશય રહિત થયું નહોતું.
એંશી વર્ષની વયે પણ ગરમ સીવેલું વસ્ત્ર કે ગરમ સ્વેટર પહેરવાનું તો સ્વામીશ્રી કોઈ વાતે સ્વીકારે જ નહિ, ભલે ઠંડીથી દેહ પડી જાય પણ મહારાજની આજ્ઞા કેમ લોપાય ? આવા કડક વ્રતધારી સ્વામીશ્રીને જ્યારે બધાએ મળીને સમજાવ્યું કે આ શાલ સોંઘી છે ત્યારે જ એમણે એ અંગીકાર કરી.
આફ્રિકાથી લંડન જતી વખતે પણ જ્યારે સૌ હરિભક્તોએ એમને હાથ-પગનાં ગરમ મોજાં પહેરવાનું સમજાવેલું ત્યારે એમણે ઘસીને ના પાડી દીધી હતી કે આપણાથી એ પહેરાય જ નહિ. બીમારી અને વૃદ્ધાવસ્થામાં સાધુને મહારાજે છૂટ આપી હોવા છતાં સ્વામીશ્રી આવા અલ્પ નિયમોને પણ ચુસ્તપણે વળગી રહેતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-21:
The Only Means to Liberation
“… For the purpose of liberation, however, realising God to be the all-doer is the only means.”
[Gadhadã II-21]