પ્રેરણા પરિમલ
'મારું હૃદય.'
૧૨-૪૦ વાગે ભોજન દરમ્યાન ઉત્તરસંડા ક્ષેત્રના હરિભક્તોનો રિપોર્ટ જગદીશભાઈએ આપ્યો. રોજ પરિચયવિધિના અંતે સ્વાભાવિક રીતે યોગિન નિખિલ ભટ્ટનો વારો હોય છે. આ નાના બાળકની બાળસહજ શૈલીમાં વર્તાતી પ્રૌઢતા જોઈને સ્વામીશ્રી કહે : 'પૂર્વ જનમનો કોઈ સંસ્કારી હોય એવો લાગે છે.' આજે પણ છેલ્લે સમય વધ્યો અને એણે પોતાની બાળસહજ માનસમાં ઉદ્ભવેલી કલ્પનાઓ તૂટી-ફૂટી રીતે રજૂ કરતાં કહ્યું : 'બાપા ! હું જ્યારે નાનો હતો ત્યારથી અત્યાર સુધીમાં મારા શરીરના આંખ, કાન, નાક ને બધા જ અવયવો ડૉક્ટરોએ મંતરી નાખ્યા છે, એકપણ અવયવ એવું નથી કે બાકી રહ્યું હોય. હમણાં જ નાક, કાન ને ગળાનું ઓપરેશન કરાવીને આવ્યો છું. મારા બધા જ અવયવો ડૉક્ટરોએ મંતરી નાખ્યા છે, પરંતુ એક અવયવ બાકી છે, એ અવયવને તમારે વૉશ કરવાનો છે, ખબર છે એ અવયવ કયો છે ?'
'તું જ કહે ને.' સ્વામીશ્રીએ કહ્યું.
'મારું હૃદય.' બાળકની આવી ભાવના જોઈ સ્વામીશ્રી એકદમ 'વાહ !' બોલી ઊઠ્યા. એણે વળી પોતાની રીતે વાત આગળ વધારતાં કહ્યું, 'બાપા ! દરેકના હૃદયમાં એક બારી હોય છે ને બારીની ચાવી તમારી પાસે હોય છે. તમે બારી ખોલી ખોલી ને જોઈ શકો છો કે હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ વગેરે સ્વાભાવો કેટલા છે ? કોનામાં કયા સ્વભાવ છે, એની પણ આપને ખબર પડે છે. મારા હૃદયમાં પણ ઘણા સ્વભાવ છે. એ બધાની સાફસૂફી કરી એક મોટો બેડ લઈ આવજો, જેમાં શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ અને તમે પણ શાંતિથી સૂઈ શકો.' આટલું કહ્યા પછી એણે કહ્યું, 'બાપા ! મારા હૃદયમાં કયા સ્વભાવ છે ? આપ મને કહેશો ?'
'તેં હમણાં મહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને હૃદયમાં પધરાવવાની ને હૃદય સાફ કરવાની વાત કરી એટલે જે કોઈ સ્વભાવ હશે એ બધા નીકળી જશે. મહારાજ-સ્વામી, એક વખત અંદર આવી ગયા પછી બધા જ સ્વભાવ જતા રહે.' આટલું બોલ્યા પછી સ્વામીશ્રી કહે : 'છે તો નાનો, પણ જ્ઞાનીની જેમ બોલે છે.'
વળી પાછું યોગિને કહ્યું : 'અક્ષરધામમાં જ્યારે આપણે જઈએ ત્યારે પહેલા મહારાજની, ગુણાતીતાનંદ સ્વામીની, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, યોગીજી મહારાજની અને આપની ઓફિસ હોય, એ ઓફિસમાં જવું પડે. તમારીઓફિસમાં તમે શું કરો છો ?'
'તને ખબર.' સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું.
'મને નથી ખબર.' આટલું કહ્યા પછી વળી પાછો કહે : ''કોઈપણ માણસ અક્ષરધામમાં આવે ત્યારે આટલું બેડ કર્યું છે ને આટલું ગુડ કર્યું છે, એવું બધું તમે જુઓ, ને જેણે બેડ કર્યું હોય એને અક્ષરધામમાં જવા ના દો, ગુડ કર્યું હોય એના માટે ઓફિસમાં 'સ્વાગતમ્' એવું બૉર્ડ તમે લખ્યું હોય. બરાબર ને ?'' સ્વામીશ્રી સહિત સૌ હસી પડ્યા.