પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૦૧
મુંબઈ, તા. ૯-૮-'૬૧
મુંબઈના સુપ્રસિદ્ધ ડૉ. જાલ પટેલ સ્વામીશ્રીની તબિયત જોવા સારુ આવ્યા. ખૂબ જ વિનયી. જોડાં ઉતારી, સ્વામીશ્રીની રજા લઈ, ઓરડામાં પ્રવેશ કર્યો. સ્વામીશ્રીને પગે લાગી, પલંગ નજીક ખુરશી ઉપર સ્વામીશ્રીની અદબ સાચવી બેઠા. સ્વામીશ્રી તો તેમના હસમુખા મિલનસાર સ્વભાવથી અને નમ્રતાથી પ્રસન્ન થઈ ગયા હતા. તેઓ ભાવુક હતા તેથી શરૂઆતમાં જ સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહે કે, 'તમે મને દુવા આપો તો રાષ્ટ્રપતિ(રાજેન્દ્રપ્રસાદ)ને મારે હાથે સારું થાય. એટલું જ મારે જોઈએ છે.' સ્વામીશ્રીએ તેમને રાજી થઈ આશીર્વાદ આપ્યા.
પછી સ્વામીશ્રીની તબિયત સારી રીતે જોઈ તેઓ ગંભીરતાથી પણ હસતાં હસતાં સ્વામીશ્રીને કહેવા લાગ્યા કે 'તમે અમને મૂરખ બનાવો છો. તમે અમારી પરીક્ષા કરો છો, તમે જે રોગની ફરિયાદ કરો છો, મુશ્કેલીઓ બતાવો છો તે પ્રમાણે symptoms જણાતાં નથી.' એમની સામું જોઈ, પોતાની ગુલાબ જેવી બે કોમળ હથેળિયું ચોળતા સ્વામીશ્રી પણ હસવા લાગ્યા.
નિખાલસ હૃદયના આ પારસી ડૉક્ટરે મહિમાપૂર્વક સ્વામીશ્રી આગળ ખૂબ જ ગમ્મત કરી, સૌને આનંદ કરાવ્યો. જતાં જતાં સ્વામીશ્રીના આશીર્વાદ લેતાં તેઓ કહે, 'તમારાં ચરણોમાં પાંચ હજાર રૂપિયા મૂકીને, અમારે તમારી સેવા કરવી જોઈએ.' તેમના આવા નિર્દોષ ભાવથી સ્વામીશ્રી બહુ રાજી થયા.
તેઓ બહાર નીકળ્યા પછી કેટલાક હરિભક્તો એકાંતમાં તે ડૉક્ટરને તેમની 'ફી' (Visit અને Consult-fee) આપવા લાગ્યા ત્યારે તેઓ હસતાં હસતાં પણ અકળાઈને કહે, 'તમે મારું 'ઈન્સલ્ટ' (અપમાન) કરો છો. આવા મહાન પુરુષની 'ફી' મારાથી કેમ લેવાય ?'
આ વાત જાણી સ્વામીશ્રી તેમના ઉપર ઘણા જ રાજી થયા અને કહે, 'તેમને આટલો બધો મહિમા ક્યાંથી સમજાઈ ગયો !' એમ કહી વારંવાર તેમને યાદ કરતા. તે ડૉક્ટર પણ અવારનવાર સ્વામીશ્રીના સમાચાર પુછાવતા.
જાણે-અજાણે પણ સાચા સંતનો મહિમા જ્યારે જીવને સમજાઈ જાય છે, ત્યારે મોટા પુરુષની નિર્હેતુકી દયાનો એ પાત્ર બને છે અને એ જીવ ઉચ્ચ ગતિને પામે છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ આજે સૌને જોવા મળ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-36:
Continuously Engaging in the Form of God due to Fear
“… If extreme fear of birth, death, narak and the cycle of births and deaths exists in a person’s heart, he continuously engages his vrutti on the form of God due to fear.”
[Gadhadã II-36]