પ્રેરણા પરિમલ
આપણે કોઈને ઝાંખા નથી પાડવા
ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ભદ્રેશ સ્વામીએ ગુરુમહિમા સ્ત્રોતની રચના કરી હતી, તેનું ગાન પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ કર્યું. ત્યારબાદ સ્વામીશ્રીને વિનંતી કરી કે સારામાં સારું ભાષ્ય રચાય એવા આશીર્વાદ આપો. આ સાંભળીને સ્વામીશ્રીએ સૌ સંતોને ઉદ્દેશીને કહ્યું, 'બધા સંતો પણ તેમને આશીર્વાદ આપો. તેઓ સારામાં સારું ભાષ્ય રચે છે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય આ બધાએ ભાષ્ય રચ્યાં, એમ શ્રીજીમહારાજના સિદ્ધાંતનું શાસ્ત્ર પણ એ રચે. ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરી રહ્યા છે. માટે આજના ગુરુપૂર્ણિમાના દિવસે સૌ આશીર્વાદ આપો.' આટલું કહીને સ્વામીશ્રી વળી કહે, 'દૃષ્ટિ સારી છે. સારું ભાષ્ય રચાય, એવા આશીર્વાદ છે.'
યજ્ઞેશ્વર સ્વામી કહે, 'અત્યાર સુધી જે જે લોકોએ ભાષ્યો રચ્યાં છે, એ ભાષ્યો ઝાંખાં પડી જાય, એવું ભાષ્ય થાય, એવા આશીર્વાદ આપો.' સ્વામીશ્રી તરત જ કહે, 'આપણે કોઈને ઝાંખા નથી પાડવાના. ભલે એમના ભાષ્યો સારાં જ છે, પણ આના ભાષ્યમાં વિશેષતા સારી રીતે આવે, એવી પ્રાર્થના કરવી. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આપણે કોઈનો લીટો નાનો ન કરવો. આપણો લીટો આગળ કરવો. બીજાં બધાં જ ભાષ્ય સારાં છે. પણ મહારાજનો યથાર્થ મહિમા વર્ણવાય, એવાં ભાષ્ય રચાય, એવું થાય એવી પ્રાર્થના આપણે કરવી.'
ભદ્રેશ સ્વામી કહે, 'ઉપનિષદ કે ગીતા કોઈ પણ શાસ્ત્ર વાંચીએ, ત્યારે વધારે ને વધારે એવું અનુભવાય છે કે શ્રીજીમહારાજે જે સિદ્ધાંતની વાત કરી છે અને શાસ્ત્રીજી મહારાજ જેના માટે વડતાલથી છૂટા થયા ને બ્રહ્મ-પરબ્રહ્મની વાતો કરી, એ બધી જ વાતો શાસ્ત્રમાં એકે એક કંડિકાઓમાં ધરબાયેલી છે.'
આ સાંભળતાં જ સ્વામીશ્રીએ કહ્યું, 'વેદ, ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં જે લખ્યું એ પરોક્ષપણે અને શ્રીજીમહારાજ તથા શાસ્ત્રીજી મહારાજ જે સિદ્ધાંત કહી રહ્યા છે એમાં બ્રહ્મતત્ત્વ સામે જ છે, એટલો ફેર છે.'
સ્વામીશ્રીએ એ ફેર તરફ દૃષ્ટિ કરીને બહુ મોટો સાર સમજાવી દીધો. (તા. ૧૧-૦૭-૨૦૦૬, મંગળવાર, બોચાસણ.)
Vachanamrut Gems
Panchãlã-1:
Realising the Worldly Pleasures to be Insignificant
"In this way, realising the intensity of the bliss of God, one who is intelligent realises all other pleasures related to vishays to be insignificant…"
[Panchãlã-1]