પ્રેરણા પરિમલ
વ્યસનથી શું ફાયદો થયો ?
બે પંજાબી ભાવિકો પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા હતા. બંને ભાઈઓ હતા. નાનો ભાઈ આગળ ઊભો હતો. મોટો ભાઈ પાછળ ઊભો હતો. નાના ભાઈની આંખોમાં લાલાશ હતી અને મોઢું દારૂના વ્યસની જેવું સૂજેલું હતું. તેઓના સ્નેહી મિત્રે કહ્યું, 'આ ભાઈ ખૂબ જ દારૂ પીએ છે.'
'હા, વીસ વર્ષથી દારૂ પીઉં છુ.' નાના ભાઈએ તદ્દન શુષ્ક અને રુક્ષ અવાજમાં પ્રતિભાવ આપ્યો. એ દરમ્યાન પાછળ ઊભેલા મોટા ભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. નાના ભાઈએ એવા જ રુક્ષ અવાજમાં કહ્યું, 'આ મારા મોટા ભાઈ છે અને હું એમનાથી વીસ વર્ષ નાનો છુ.' તદ્દન લાગણીશૂન્ય ચહેરો અને લાપરવાહી ભર્યો અવાજ સામી વ્યક્તિને જરૂર નિરાશ કરી મૂકે, પરંતુ નિરાશ થાય તો સ્વામીશ્રી શાના ?
સ્વામીશ્રીએ નાના ભાઈને એટલું જ પૂછ્યું, 'વીસ વર્ષથી દારૂ પીઓ છો, એમાં ફાયદો થયો ?'
'ના.'
'તો શું થયું ?'
'નુકસાન.' પેલા ભાઈએ જેવું હતું એવું જ કહ્યું. સ્વામીશ્રીએ મોટા ભાઈના દબાતા હીબકાના અવાજની વચ્ચે લાગણીનો ઉપયોગ કરીને કહ્યું, 'જુઓ તો ખરા, ભાઈની લાગણી કેવી છે! એમને શું સ્વાર્થ છે? હેરાન થશો તો તમે થશો, દુઃખી તમે થશો અને છતાં ભાઈને લાગણી છે ને તમને અહીં લઈ આવ્યા છે તો આજથી નક્કી કરો કે આ પાપ મૂકી જ દેવું છે. રોજ ભગવાન આગળ બેસજો અને પ્રાર્થના કરજો.' સ્વામીશ્રીનાં આ સીધાંસાદાં વચનોમાં દિવ્યતા ભરી હતી. પેલા યુવાનના હૈયામાં ધારી અસર થઈ અને તે સંમત થઈ ગયો. બાજુ માં ઊભેલા એમના સ્નેહીને સ્વામીશ્રીએ કહ્યું, 'તમે એમની બાજુ માં રહેતા હો તો દર-રવિવારે એમને અહીં મંદિરે દર્શને તથા સત્સંગસભામાં લઈને આવજો.'
સ્વામીશ્રી કેવળ સલાહ કે ઉપદેશ આપીને પોતાનું કર્તવ્ય પૂરું નથી સમજતા. વ્યક્તિનું જીવન બદલાય ત્યાં સુધી લીધેલી વાત વિસરાઈ જાય નહીં, તે માટે સ્વામીશ્રી સતત જાગ્રત રહે છે. એ જ એમની આગવી વિલક્ષણતા છે.
Vachanamrut Gems
Loyã-14:
Who Will Definitely Regress in Satsang?
"… but as for those who have anger, egotism or jealousy, they can be seen to definitely regress in Satsang…"
[Loyã-14]