પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮૧
લંડન, તા. ૧૬-૬-૧૯૭૦
બે દિવસ પહેલાં, તા. ૧૪-૬-૭૦ના રોજ ખૂબ જ દબદબાભરી રીતે, મૂર્તિઓની નગરયાત્રા લંડન શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળી અને મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા પણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અલૌકિક રીતે થઈ. વર્તમાનપત્રો અને ટી.વી. દ્વારા આ સમાચાર સર્વત્ર પહોંચ્યા.
આજે પીટર બ્રેન્ટ નામના લેખક યોગીજી મહારાજની મુલાકાતે આવેલા. ભારતમાં પણ સ્વામીશ્રીને મળવા એમણે પ્રયત્ન કરેલો ગુરુ-શિષ્ય સંબંધ ઉપર તેઓ એક પુસ્તક લખી રહ્યા હતા. તે સંબંધમાં જ ઘણા પ્રશ્નો પૂછ્યા -
પીટર : 'આપ શિષ્યને કેવી રીતે ઓળખો કે આ શિષ્ય આ માર્ગે ચાલી શકે તેમ છે કે નહિ ?'
સ્વામીશ્રી : 'ભગવાન પ્રેરણા કરે ત્યારે ઓળખાય કે આ જીવ આ માર્ગે ચાલી શકશે ને આ નહિ ચાલી શકે. સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણા વગર ઓળખાય જ નહિ.'
એક પ્રશ્નના ઉત્તરમાં સ્વામીશ્રીએ એમ પણ કહ્યું કે શિષ્યની પરીક્ષા કરવાની, પંચવર્તમાન, ધર્મનિયમ પાળે છે કે નથી પાળતો - આશરો ભગવાનનો કરે છે કે નહિ તે જોવાનું - એ જોયા પછી જ શિષ્ય કરાય. પછી જ તેને ભગવાનનો આશરો કરાવાય. ભગવાનનો આશરો કરાવવાના અર્થમાં સ્વામીશ્રીએ અહીં 'શિષ્ય' શબ્દપ્રયોગ કર્યો છે.
પીટર : 'ગુરુ એ પરમાત્મા છે ?'
સ્વામીશ્રી : 'પરમાત્માનું સ્વરૂપ છે.'
આ ભાવના સમજવી અઘરી છે એમ પૂછતાં સ્વામીશ્રીએ એમને ગુરુનો અર્થ સમજાવ્યો હતો કે 'અજ્ઞાન ટાળીને પ્રકાશ આપે, જ્ઞાન આપે તે ગુરુ. એમાં ભાવના થાય કે આ પરમાત્માનું સ્વરૂપ છે... શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય એ ગુરુ કહેવાય. શ્રોત્રિય એટલે શબ્દ માત્રના સાચા અર્થના કરનાર અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મરૂપ થયેલા હોય. જે ગુરુ ગુરુપરંપરાથી થયેલા હોય એ સાચા ગુરુ.' (અર્થાત્ ગુરુના ગુરુ પણ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ.)
પીટર : 'ખ્રિસ્તી ધર્મમાં એવો સિદ્ધાંત છે કે દુનિયા બધી ખરાબ છે. તેમાં જે જન્મ્યા તે બ્રહ્મચર્ય પાળતા નથી, માટે ખરાબ છે. માટે આપને મતે શું છે ? શું કોઈ સારી વસ્તુ છે જ નહિ ?'
સ્વામીશ્રી : 'સત્પુરુષ છે તેને (મતે) ખરાબ કાંઈ છે જ નહિ. પ્રથમ ખરાબ હોય, પણ તેને શુદ્ધ કરી સત્પુરુષ આ મારગે ચલાવે તેથી તે ખરાબ ન કહેવાય. દુનિયા નાશવંત છે, તુચ્છ છે, પણ તેમાં શુદ્ધ મુમુક્ષુ છે તે આ મારગે ખેંચાઈ આવે. બધું જ ખરાબ છે તેમ કહેવાય નહિ.'
છેલ્લે એક પ્રશ્ન એમણે એવો કર્યો કે મારે કંઈ પૂછવાનું રહી જતું હોય તો આપ કહો. ખૂબ સહજભાવે સ્વામીશ્રીએ કહ્યું કે 'શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ કરીએ તો આત્મા-પરમાત્માનું જ્ઞાન કરાવે ને શાંતિ થાય. માટે તે ખોળીને તેનો આશરો કરવો.'
સ્વામીશ્રીએ એમને દારૂ ન પીવાનો નિયમ લેવા સમજાવ્યા હતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-21:
God the All-Doer
“… In the same way, the factors of place, time, karma and mãyã can only do as much as God allows them to do; they cannot do a single thing against the wish of God. Therefore, only God is the all-doer.”
[Gadhadã II-21]