પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-4-2017, કોલકાતા
સ્વામીશ્રી પોતે પણ આજે એકાદશીના દિવસે થયેલી આટલી લાંબી અને અણધારી મુસાફરીથી તથા પ્રતીક્ષા દરમ્યાન સહેવી પડેલી અસહ્ય ગરમીને કારણે થાક્યા હતા. સ્વામીશ્રીની ઇચ્છા મુજબ રાત્રિભોજન મુલતવી રખાયું. સંતો સ્વામીશ્રીને કહેવા લાગ્યા કે ‘આજે આપને બહુ તકલીફ પડી.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનની ઇચ્છા.’
એક સંત કહે : ‘આપે આજે આટલો બધો ભીડો વેઠ્યો, તોપણ આપ એક-એક હરિભક્તને શાંતિથી મળ્યા, સહેજ પણ ઉતાવળ ન કરી. અને ઠાકોરજીનાં દર્શન પણ એટલી જ શાંતિથી કર્યાં. સેવકોએ અને સંતોએ ના પાડી છતાં પણ દંડવત કર્યા, એટલે ભક્તિમાં પણ ચૂક ન પડવા દીધી. આપ આજે દેહનું ભાન ભૂલીને આત્મારૂપે વર્ત્યા.’
સંતો કહે : ‘આજે અમે બધાએ જોયું કે દંડવત કરતાં આપના હાથ ધ્રૂજતા હતા અને બે વાર આપે થોડું સંતુલન પણ ગુમાવી દીધું હતું.’
સ્વામીશ્રીએ ‘હા’ પાડીને વાતને સ્વીકારી.
સંતો કહે : ‘આ જોઈને અમને થઈ ગયું કે હવે દંડવત ન કરો તો સારું, પણ છતાંય આપે દંડવત કર્યા જ.’
સ્વામીશ્રી જે બીમારી ગ્રહણ કરે છે, તેના સંદર્ભમાં સંતોએ કહ્યું : ‘અને આપની બીમારીને કાઢવા માટે પણ આપે ઐશ્વર્ય વાપરવું.’
સ્વામીશ્રી હસીને કહે : ‘પોતાના માટે નહીં વાપરવાનું.’
શાંતપુરુષદાસ સ્વામી કહે : ‘તો આવી જે કાંઈ બીમારી હોય તે મને આપી દો.’
સ્વામીશ્રી ના પાડતાં કહે : ‘તે દિવ્ય છે.’
સ્પષ્ટ સંદેશ હતો કે સત્પુરુષની બીમારી પણ દિવ્ય છે. તે બીમારીના માધ્યમથી પણ તેઓ અનેકને પોતાના યોગમાં લાવી તે જીવોનું કલ્યાણ કરે છે.
સ્વામીશ્રીની હવે જમવાની રુચિ નહોતી, તેથી તેઓને પોઢાડી દેવાનું નક્કી થયું. સ્વામીશ્રીની પણ તેમાં અનુમતિ હતી. સ્વામીશ્રીને પોઢાડવામાં આવ્યા. સ્વામીશ્રી કહે : ‘આજે ઍરપોર્ટ પર હરિપ્રકાશ સ્વામી સાથે ગોષ્ઠિ સારી થઈ.’
અહો ! આશ્ચર્ય તો એ થયું કે સ્વામીશ્રીને ઍરપોર્ટ પર આટલો બધો ભીડો સહન કરવાનો થયો હતો, પણ તેનો તેઓએ એક પણ હરફ ઉચ્ચાર્યો નહોતો, તેની એક પણ ફરિયાદ કરી નહોતી, પણ તેમાં જે સારું થયું હતું
તે જ સ્વામીશ્રીએ યાદ કર્યું !!
Vachanamrut Gems
Gadhadã II-21:
God the All-Doer
“… In the same way, the factors of place, time, karma and mãyã can only do as much as God allows them to do; they cannot do a single thing against the wish of God. Therefore, only God is the all-doer.”
[Gadhadã II-21]