પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની આત્મનિવેદી ભક્તિ
ટોરન્ટો(કેનેડા)થી એક યુવક આવ્યો હતો. એની ઇચ્છા હતી કે ત્યાંની સત્સંગપ્રવૃત્તિનો અહેવાલ સ્વામીશ્રી સમક્ષ કહેવો. સ્વામીશ્રી સમક્ષ એ બેઠો અને વાત કરતાં કહ્યું, 'જ્ઞાનપ્રિય સ્વામી અને નિત્યવિવેક સ્વામીએ આપને ખાસ જય સ્વામિનારાયણ કહ્યા છે અને અન્નકૂટના પ્રસાદનું બોક્સ પણ મોકલ્યું છે.'
'એ બોક્સ ક્યાં મૂક્યું ?' તરત સ્વામીશ્રીએ પૂછયું.
'રસોડામાં.'
'ધરાવેલું છે?' સ્વામીશ્રીના આ પ્રશ્નથી પેલા યુવક થોડા ગુંચવાયા, પરંતુ સ્વામીશ્રીએ જ કહ્યું, 'અન્નકૂટ પહેલા બોક્સ મોકલ્યું છે, એટલે નહિ ધરાવ્યું હોય.'
પેલા યુવકે કહ્યું, 'મને તો સંતોએ એમ કહ્યું હતું કે આ પ્રસાદ છે.' આ વાતચીત ચાલુ હતી એ દરમ્યાન કૃષ્ણવલ્લભ સ્વામી થાળ લઈને આવી પહોંચ્યા. ત્યાં જ બીજા સેવક કેનેડાવાળું પ્રસાદબોક્સ લઈને આવ્યા. આ બોક્સ જોતાં કૃષ્ણવલ્લભ સ્વામી કહે, 'આમાંથી પ્રસાદ થાળમાં મુકાઈ ગયો છે.'
'શું મૂક્યું છે આમાંથી?' સ્વામીશ્રીએ પૂછ્યું.
તેઓએ કાજુ કતરી તરફ નિર્દેશ કર્યો, એટલે તરત જ સ્વામીશ્રીએ એ કાજુ કતરી પોતાના હાથે લઈને બોક્સમાં પછી મુકાવી. પછી ચોખવટ કરતાં વલ્લભ સ્વામીની સામું જોઈને કહે, 'હજી ધરાવવાનું બાકી છે.' આ સાંભળતાં કૃષ્ણવલ્લભ સ્વામી કહે, 'અમારે ત્યાં રસોડામાં તો ઘણા બધા બોક્સ આવતા જ હોય છે. અમને ક્યાંથી ખબર પડે ?'
સ્વામીશ્રી કહે, 'હું પણ એ જ કહું છુ. જે મોકલનાર હોય એણે ઉપર લખવું જોઈએ કે આ બોક્સ ધરાવવાનું છે કે ધરાવ્યા વગરનું છે, તો વાંધો ના આવે.'
આ સાંભળતાં સંતો કહે, 'અહીં ઠેઠ થાળમાં મુકાઈ ગયું છે, તો પટની મૂર્તિને ધરાવી દઈએ.' સ્વામીશ્રીએ આ બાબતમાં સહેજ પણ બાંધછોડ કર્યા વગર કહ્યું, 'ના, ઠેઠ કેનેડાથી ભગવાનને ધરાવવા માટે આવ્યું એ પછી આપણાથી ન લેવાય.'
આમ કહીને સ્વામીશ્રીએ કાજુ કતરી પુનઃ બોક્સમાં મુકાવીને ધરાવવા માટે બોક્સને રસોડામાં પાછુ મોકલ્યું. સ્વામીશ્રીની આ આત્મનિવેદી ભક્તિ સૌ માટે પ્રેરણારૂપ હતી. (૧૧-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Loyã-3:
Accepting God's Wish
"… Therefore, a devotee of God would not be elated if God were to protect him physically; and he would not be disappointed if he were not protected. Instead, he would remain carefree and continue to worship God."
[Loyã-3]