પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-4-2017, કોલકાતા
સ્વામીશ્રી વિમાન દ્વારા 12-14 વાગ્યે કોલકાતા પધાર્યા. વિમાનમાંથી નીકળી સ્વામીશ્રી હૅલિકૉપ્ટરમાં વિરાજ્યા. શરૂઆતમાં જ 15-20 મિનિટ રિફ્યુલિંગ માટે રાહ જોવાની થઈ. એ પછી પણ પંદરેક મિનિટ જેટલો સમય પસાર થયો... પણ હજુ હૅલિકૉપ્ટર ઊપડ્યું નહીં. ખબર પડી કે હૅલિકૉપ્ટરને ઊડવાની પરવાનગી મળતી નહોતી.
હરિપ્રકાશદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘આવું થાય ત્યારે આપને કંટાળો નથી આવતો ?’
‘આનંદ છે, ભગવાનનું ભજન થતું રહે છે.’ સ્વામીશ્રીએ માળા ફેરવવાની મુદ્રા કરતાં કહ્યું.
આગળ સહન કરવાની વાત પરથી સ્વામીશ્રી કહે : ‘સત્પુરુષને પણ સહન કરવું પડે.’
દિગંતભાઈ સ્વામીશ્રીનો મહિમા ગાતાં કહે : ‘પણ આપ એટલા શાંતિથી બેઠા છો અને એટલા સ્થિર છો કે સહન કરવું પડતું હોય તેવું લાગતું નથી.’ (અર્થાત્ જણાવા દેતા નથી.)
‘શાના માટે દેખાડું ? કોને દેખાડું ? દેખાડીને શું કરું ?’ સ્વામીશ્રી ભાવમાં આવીને બોલી ગયા.
અને ખરેખર, સ્વામીશ્રી કેટલું સહન કરી રહ્યા છે, તે તેઓ બતાવતા નહોતા; પણ સેવકોએ જોયું કે સ્વામીશ્રી પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. અને સ્વામીશ્રીની ત્વચા તડકાને લીધે લાલાશ પકડી રહી હતી.
દિગંતભાઈએ પૂછ્યું : ‘સ્વામી ! અક્ષરધામમાં જવા માટે પણ આવી ટાઇટ સિક્યુરિટી હશે ?’
‘ના, સીધા અક્ષરધામમાં.’ સ્વામીશ્રીએ ચપટી વગાડીને કહ્યું.
હરિપ્રકાશદાસ સ્વામીએ પૂછ્યું : ‘આ અક્ષરધામની વાતો થઈ, તો અક્ષરધામમાં જવાય કેવી રીતે ?’
‘અહીં અક્ષરધામ જ છે.’ સ્વામીશ્રીએ કહ્યું.
દિગંતભાઈ કહે : ‘તોપણ સુખ આવતું નથી.’
સ્વામીશ્રી કહે : ‘કારણ, સ્વભાવ છે.’
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘આપ કૃપા કરજો તો સ્વભાવો ટળશે.’
‘આપણને ભગવાનનો આશરો થયો છે, તે પાકો રાખવો.’ સ્વામીશ્રીએ ઉત્તર આપ્યો.
દિગંતભાઈ કહે : ‘તો પછી અક્ષરધામ પાકું ને ?’
‘પાકું જ.’ સ્વામીશ્રીએ ચપટી વગાડીને કહ્યું.
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘એ તો આપ મળ્યા છો એટલે, બાકી તો અક્ષરધામ મેળવતાં નાકે દમ આવી જાય.’
સ્વામીશ્રી તરત જ ગુરુભક્તિના પ્રવાહમાં વાતને ઢાળતાં કહે : ‘ગુરુપરંપરા જોરદાર મળી છે ને ! ચાવી મળી ગઈ છે. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ, જેના વખતમાં જે મળ્યા તે, એક-એક ચાવી.’
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘ચાવી તો મળી છે, પણ ઓળખાતી નથી.’
‘બસ, એ જ કરવાનું છે.’ સ્વામીશ્રીએ કહ્યું.
દિગંતભાઈ પ્રશ્ન પૂછતાં કહે : ‘તે ચાવી વાપરતાં આવડે તે માટે શું કરવાનું ?’
‘આ કરવાનું.’ એમ કહીને સ્વામીશ્રીએ હૅલિકૉપ્ટર અને તેની આજુબાજુનું વાતાવરણ બતાવ્યું.
હરિપ્રકાશદાસ સ્વામીએ સ્વામીશ્રીની ઇશારત ઉકેલવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું : ‘આવી પરિસ્થિતિમાં ધીરજ રાખવાની.’
સ્વામીશ્રી તેને અનુમોદન આપતાં બોલ્યા : ‘બસ, ધીરજ રાખવાની, આનંદમાં રહેવાનું.’
‘પણ આમાં ક્યાંથી ધીરજ રહે ?’
‘ભગવાનની ઇચ્છા સમજવાની.’
‘પણ ભગવાનની આવી ઇચ્છા હોય ?’
‘તેઓ જે કરે તે સારું જ કરે છે.’
‘અમારે પણ આવી ધીરજ રહે, તેવું કરજો.’
સ્વામીશ્રી કહે : ‘નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા - આ ત્રણ વસ્તુ આવે તો દેહથી પર થઈ જાય. દેહભાવ દૂર થઈ જાય.’
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘તો તો અક્ષરધામ મળી જાય !’
સ્વામીશ્રી કહે : ‘દેહભાવ દૂર થઈ ગયો પછી તો અહીં જ અક્ષરધામનું સુખ આવે.’
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘અમારો દેહભાવ દૂર થઈ જાય અને આપે કહ્યું તે સમજણ જીવમાં દૃઢ થાય, તેવી કૃપા કરજો.’
સ્વામીશ્રી પ્રત્યુત્તરમાં કેવળ મરમાળું હસ્યા.
હજુ પણ હૅલિકૉપ્ટર ઉડાડવાની પરવાનગી આવી નહોતી. અકળાઈ જવાય તેવી પરિસ્થિતિ હતી, પરંતુ સ્વામીશ્રી સ્થિર હતા.
આ પરિસ્થિતિમાં સ્વામીશ્રીનો મહિમા ગાતાં હરિપ્રકાશદાસ સ્વામીએ કહ્યું : ‘આપના એક એક રૂંવાડે અનંત કોટિ બ્રહ્માંડો ઊડતાં ફરે છે, તેવા આપ સમર્થ છો, છતાં પણ આવી અસામર્થી બતાવો છો, તે પણ આપનું મોટું સામર્થ્ય જ કહેવાય ને !’
‘એ બધું જેમ તમને સમજાય તેમ.’ સ્વામીશ્રીએ વાતને સમજનાર પર છોડી દીધી.
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘આ તો શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે સમર્થ થકા જરણા કરવી, તે કોઈથી થાય નહીં. આપનામાં આ ગુણ અને પહેલાં કહ્યું તેવા નિર્માનીપણું, ધીરજ અને ક્ષમાના ગુણ પણ જોવા મળે છે.’
સ્વામીશ્રી પુનઃ ભગવાન પર બધો જ યશ-કળશ ઢોળતાં કહે : ‘ભગવાનની ઇચ્છાથી થાય છે.’
હવે તો પાઇલટો પણ બરાબરના અકળાવા માંડ્યા હતા. સ્વામીશ્રી કહે : ‘એ પણ બીચારા શું કરે ? પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે !’
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘અમારા પર દૃષ્ટિ કરજો કે આવી પરિસ્થિતિમાં પણ અમને ધીરજ અને આનંદ રહે.’
સ્વામીશ્રી કહે : ‘બસ, એ જ કરવાનું છે. આપણને પ્રાપ્તિ એવી થઈ છે માટે આનંદમાં રહેવાનું ! શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે, તો તેનો કેફ રાખવાનો. બધાને દિવ્ય સમજવાના, બ્રહ્મની મૂર્તિ જોવાના.’
‘સ્વામી ! તે જ અઘરું પડે છે.’
‘પણ તે જ કરવાનું છે.’ પછી ઉમેરતાં કહે : ‘અને ખાલી દિવ્ય જોવાના છે, એમ નહીં - ખરેખર દિવ્ય છે. હવે આપણે માનવાનું છે, ન માનીએ તો આપણને ખોટ છે.’
દિગંતભાઈએ દિવ્યતાનો મુદ્દો હાથમાં લેતાં પૂછ્યું : ‘સ્વામી ! આપ જેને જેને મળ્યા, એ બધા પણ દિવ્ય ?’
સ્વામીશ્રીએ ‘હા’ કહી.
‘આ પૃથ્વી પર આપ પધાર્યા તો પૃથ્વી પણ દિવ્ય ?’
‘હા.’
‘આ બ્રહ્માંડમાં આવ્યા તો આ બ્રહ્માંડ પણ દિવ્ય ?’
સ્વામીશ્રીએ હકાર ભર્યો.
2-45 થયા. હજુ પરવાનગીના કોઈ જ સમાચાર નહોતા. છેવટે નિર્ણય લેવામાં આવ્યો - ‘સ્વામીશ્રીને ગાડીમાં બેસાડીને મંદિરે લઈ જવા.’ પણ ત્યાં વળી બીજો એક પ્રશ્ન ફૂટી નીકળ્યો. હવે સ્વામીશ્રી અને સંતોને ઍરપોર્ટની બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી. સ્વામીશ્રી આ બધું જ ધ્યાનથી જોઈ, સાંભળી રહ્યા હતા, પણ તેમના મુખ પર અકળામણ કે ગુસ્સાનો એક પણ ભાવ નહોતો.
સ્વામીશ્રીની સ્થિરતા જોઈને ગીતાનો શ્લોક યાદ આવી જાય -
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति।
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति॥
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘આ કેવું ? કોઈ જ પરવાનગી મળતી નથી.’
પછી પૂર્વે ચાલી રહેલી ગોષ્ઠિના પ્રવાહમાં આ વાતને વાળતાં સંતો કહે : ‘આમ અક્ષરધામમાં જવાની પરમિશન જોઈશે ને ? આપ અમને પરવાનગી આપજો.’
‘ભગવાન ને સંત મળ્યા એટલે પરવાનગી મળી જ ગઈ છે. આપણને અક્ષરધામ મળી જ ગયું છે.’ સ્વામીશ્રીએ કહ્યું.
દિગંતભાઈએ પૂછ્યું : ‘આપ અમને મળ્યા એટલે કામ થઈ ગયું, બરાબર ને !’
સ્વામીશ્રીએ ‘હા’ કહી.
એટલામાં સંતોના દાખડાથી બહાર જવાની પરવાનગી મળી ગઈ.
સ્વામીશ્રીએ આત્મસ્વરૂપદાસ સ્વામીને બોલાવીને કહ્યું : ‘આપણે જે નક્કી કર્યું છે એ બધું જ પેમેન્ટ (ચુકવણું) કરવાનું છે.’
અહોહો... શું દયાળુ પ્રકૃતિ !
હળદી જરદી નવ તજે, ખટરસ તજે ન આમ;
ગુણીજન ગુણકો નવ તજે, અવગુણ તજે ન ગુલામ.
ભજન કરવું, સહન કરવું, ધીરજ રાખવી, કર્તાપણું સમજવું, પ્રાપ્તિ માણવી, દિવ્ય સમજવા વગેરે અનેક વિષયોને આવરી લેતી ગોષ્ઠિ પૂર્ણ થઈ અને અંતે સ્વામીશ્રીની ગાડી ઍરપોર્ટમાંથી વિદાય થઈ. ઘડિયાળના કાંટા 3-00 વાગ્યાનો સમય બતાવતા હતા.
યાદ રહે, આ પ્રેરણાત્મક ગોષ્ઠિ થઈ હતી - વિના પ્રયોજને, ઍરપોર્ટ ઉપર લગભગ પોણા ત્રણ કલાક સુધી પ્રતીક્ષા કરવાના સમયે !
Vachanamrut Gems
Panchãlã-4:
Why God Takes a Human Form
"If God does not become like a human and instead behaves with complete divinity, then people would not be able to develop affection or feelings of affinity for Him. Why? Because a human develops affection and affinity for another human…"
[Panchãlã-4]